એટ્રોસિટી એક્ટ મુજબ ચાર્જશીટ કરવા માટે સરકારની પરવાનગી લેવાની કાયદામાં કોઈ જોગવાઈ ન હોવા છતાં પોલીસ તે ગુના માટે ચાર્જશીટ નથી કરતી. કેમ?
જાન્યુઆરી 2021 ના અરસામાં સવર્ણ સમાજના એક શખ્સે પોતાના ફેસબુકમાં લાઈવ થઈ સરકાર વિરુદ્ધ અનુસૂચિત જ્ઞાતિના સમાજનું જાહેરમાં અપમાન થાય તેવા હલકી કક્ષાના શબ્દો વાપરી, ગુજરાતનાં પોલીસ સ્ટેશનોને સળગાવી દઈ, ગુજરાત ભડકે બળશે અને વિધાનસભામાં બોમ્બ ફેંકશું તેવી ધમકી આપેલ. આ ફેસબુક લાઈવ ઘણા લોકોએ પોતાના મોબાઈલના ફેસબૂક એકાઉન્ટમાં નોટિફિકેશન આવતા જોયેલું. તે પૈકી બનાસકાંઠા જિલ્લાના અનુસૂચિત જ્ઞાતિના સામાજિક કાર્યકરે તેના મોબાઈલમાં ફેસબૂક લાઈવમાં સાંભળતા તેણે સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ત્યાંની પોલીસે આ સવર્ણ સમાજના ગુનેગાર વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 153A તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(u), 3(2)va મુજબ શિક્ષાને પાત્ર ગુનાઓની FIR નોંધી ગુનો દાખલ કરેલ.
ઇન્ડિયન પીનલ કોડની કલમ 153A ની જોગવાઈ એવી છે કે, ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે સમાજના બે વિવિધ જૂથો કે વર્ગો વચ્ચે વૈમનસ્ય કે દુશ્મનાવટ પેદા કરવા તેને પ્રોત્સાહન આપે અને આવા વિવિધ વર્ગો વચ્ચે સંવાદિતા જાળવવા માટે પ્રતિકૂળ કૃત્યો કરવાનો ગુનો કરે તેને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને દંડ અથવા બંને સાથે શિક્ષાપાત્ર થાય.
એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(u) ની જોગવાઈ એવી છે લખેલા અથવા બોલેલા શબ્દો દ્વારા અથવા સંકેતો દ્વારા અથવા દ્રશ્યમાન માધ્યમ અથવા સાધનો દ્વારા અનુસૂચિત જાતિ અથવા જનજાતિના સભ્યો વિરુદ્ધ દુશ્મનાવટ, દ્વેષ અથવા ખરાબ ઇચ્છાની લાગણીઓને પ્રોત્સાહન કરે તેને મહિનાથી ઓછી તો નહીં જ તેવી, પણ પાંચ વરસ સુધીની જેલની સજા થઈ શકે અને સાથે સાથે દંડ પણ થાય.
આ મામલે પછી પોલીસે ગુનાની તપાસ શરૂ કરી ગુનેગારની ધરપકડ કરી જેલમાં મોકલ્યો હતો. દરમ્યાન કોર્ટે અમુક શરતો સાથે તેને જામીન પર છોડ્યો. ગુનેગારે શરતો પૈકી કોઈ શરતનું પાલન ન કરતા સરકાર વતી જામીન રદ કરી ગુનેગારને ફરીથી જેલમાં મોકલવા કોર્ટમાં અરજી કરી. કોર્ટના જજ સાહેબે જામીન રદ કરવા છતાં પોલીસ ગુનેગારને પકડી જેલમાં મોકલતી નથી.
પોલીસ અધિકારીએ ગુનાની તપાસ કરી. તપાસ દરમ્યાન ગુનેગાર વિરુદ્ધ ચાર્જશીટ કરવા પૂરતો પુરાવો હતો. પરંતુ ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 153A મુજબ ના ગુનાનું ચાર્જશીટ કરતા પહેલા પોલીસે સરકારમાંથી CrPCની કલમ 196 મુજબ પરવાનગી લેવી ફરજીયાત હોવાથી SP એ રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય પાસેથી પરવાનગી માંગતા ગૃહ મંત્રાલયે IPCની કલમ 153Aના ગુના માટે ચાર્જશીટ કરવાની પરવાનગી ન આપી.
સરકારનું કલમ 153A ના ગુના માટે પરવાનગી નહીં આપવાનું કારણ એ હોઈ શકે કે, (1) આ ગુનાના ફરિયાદી દલિત સમાજના છે. તેથી દલિત વિરોધી માનસિકતાના લીધે પરવાનગી ન આપી તેવું બની શકે. (2) આ ગુનાનો ગુનેગાર વિરોધપક્ષનો કોઈ નેતા ન હતો કે બીજી કોઈ રીતે સરકારને નડશે નહીં તેવું લાગતા પરવાનગી ન આપી હોય તેવું બને. (3) ગુનેગાર વિરુદ્ધ જો ચાર્જશીટ કરવાની પરવાનગી આપે તો પછી ગુનેગારે આ સરકાર માટે દલિતોને અપમાનિત કરવા અથવા દલિતોને હલકા પાડવા જેવા શબ્દો વપરાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરી સરકારનું અપમાન કર્યું તેથી સરકાર પોતે શરમજનક સ્થિતિમાં ન મુકાય તેવા ઇરાદે પરવાનગી ન આપી તેવું કહી શકાય ખરું!
ઉપરોક્ત વિગતે સરકારના ગૃહ વિભાગે IPCની કલમ 153A ના ગુનામાં ચાર્જશીટ કરવાની પરવાનગી ન આપી એટલે પોલીસ અધિકારી કોર્ટમાં ગુનેગારને છોડી મુકવા માટે સમરીનો રિપોર્ટ રજુ કરે છે.
પોલીસના સમરીના રિપોર્ટ વિરુદ્ધ ફરિયાદી અને તેના વકીલ કોર્ટમાં દલીલ કરે છે કે સરકારે IPCની કલમ 153A મુજબ ચાર્જશીટ કરવાની પરવાનગી ન આપી તો તે ગુના પૂરતું ચાર્જશીટ ન થાય તો કંઈ વાંધો નથી. પરંતુ એટ્રોસિટી એક્ટ ની કલમ 3(1)(u) અને 3(2)va મુજબ ના ગુના માટે પોલીસ ચાર્જશીટ કરવા બંધાયેલ છે તેથી તે ગુનાઓ પૂરતો કેસ આગળ ચાલી શકે માટે એટ્રોસિટી એક્ટના ગુનાઓ માટે કેસ આગળ ચલાવવાનો હુકમ કોર્ટ કરી શકે છે. માટે સમરી નામંજૂર કરી એટ્રોસિટી એક્ટ ના ગુનાઓ પૂરતો કેસ આગળ ચલાવવાનો હુકમ કરવા અમારી વિનંતી છે.
ફરિયાદ પક્ષ તરફથી જે કંઈ દલીલ કરવામાં આવી તે દલીલોનો ઉલ્લેખ કર્યા વગર અને ફરિયાદ પક્ષની આવી દલીલો શા માટે માનવામાં આવતી નથી તેના કારણો આપ્યા વગર કોર્ટના જજ સાહેબ પોલીસે માંગેલ સમરી મંજૂર કરી દે છે. કોર્ટના જજ માત્ર ચાર પાંચ જ લીટીનો હુકમ કરે છે. હુકમ એવો કરે છે કે ફરિયાદી અને તેના વકીલને સાંભળ્યા. સરકારે ચાર્જશીટ કરવાની પરવાનગી આપી નથી. કેસના સંજોગો અને હકીકત જોતા A સમરી મંજૂર કરવામાં આવે છે. તપાસ કરનાર પોલીસ અધિકારીને તમામ કાગળો પરત કરવાનો હુકમ કરવામાં આવે છે. કોર્ટ આટલો જ હુકમ કરે છે.
પોલીસ IPCની કલમ 153A મુજબ ચાર્જશીટ ન કરે તો શું થઈ ગયું? કંઈ વાંધો નહીં. ફરિયાદીને પણ વાંધો ન હતો. પરંતુ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(u) મુજબ ચાર્જશીટ કરવા માટે સરકારની પરવાનગી લેવાની કાયદામાં કોઈ જોગવાઈ ન હોવા છતાં પોલીસ તે ગુના માટે ચાર્જશીટ કરતી નથી. આવું કેમ?
- કનુભાઈ રાઠોડ (લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ છે.)
વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો.