બહુજન ન્યૂઝ પોર્ટલનો શુભારંભ: નિતાંત આવશ્યક છે આપણા પોતાના અવાજનું હોવું

બહુજન ન્યૂઝ પોર્ટલનો શુભારંભ: નિતાંત આવશ્યક છે આપણા પોતાના અવાજનું હોવું

બહુજન સમાજને સમર્પિત સૌ પ્રથમ એવા ન્યૂઝ પોર્ટલના પ્રારંભે મને આમ લખવાને પ્રેરિત કરવા બદલ આ પોર્ટલના સૌ જવાબદાર સંવાહકો પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી, હું મારો રાજીપો પણ વ્યક્ત કરું છું.

આ પ્રસંગે મારા મનોભાવ કંઈક આમ છે:

એ ખરું છે કે, છેક ગુજરાતી પત્રકારત્વના આરંભકાળથી તે આજે બહુજન સમાજનું આ આગવું પોર્ટલ આરંભ પામી રહ્યું છે તે ઘડી પર્યંત, ગુજરાતી પત્રકારત્વમાં વંચિત-પીડિત-દલિત-આદિવાસી-પછાત કહેતા બહુજન સમાજની વ્યથા-વેદનાનો કે તેમના પ્રાણપ્રશ્નોનો યથાયોગ્ય પડઘો પડતો હોય કે તેને સુયોગ્ય સ્થાન મળતું હોય, તે હજી પણ એક દિવાસ્વપ્ન જ રહ્યું છે.

એક સમયે માત્ર અખબારો-સામયિકો-ચોપાનિયારૂપે પ્રસિધ્ધ થતા અને પ્રિન્ટ મીડિયાથી ઓળખાયેલા ગુજરાતી પત્રકારત્વે આજના અત્યાધુનિક સમયમાં ઈલેક્ટ્રોનિક, ડિજિટલ અને સોશિયલ મીડિયા ક્ષેત્રે પણ   ધોધમાર પ્રગતિ હાંસલ કરી છે. છતાં કડવી અને વરવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતી પત્રકારત્વની આ હરણફાળમાંય શોષિત અને વંચિત એવા બહુજન સમાજને એ પ્રસ્થાપિત પત્રકારત્વ-મીડિયામાં, પ્રજા સમુહનો ૮૦ ટકા ઉપરાંતનો આંકડો ધરાવતા બહુજન સમાજનું પ્રતિનિધિત્વ શોધી શકાતું નથી. ને જો શોધવા બેસીએ તો એ સંખ્યા ગણતા આંગળીના વેઢાય વધી પડે એમ છે!

એક આડવાત છે છતાં અહીં પ્રસ્તુત છે તે એ કે, હજી હમણાં જ તા. ૧૦ ઓક્ટોબર ૨૦૨૩એ નવી દિલ્હીમાં પત્રકારોથી ખચાખચ એવી પ્રેસ કોન્ફરન્સને રાહુલ ગાંધીએ સંબોધી ત્યારે કોઈ પત્રકારે એમને 'જાતિગત વસ્તી ગણતરીનો કોંગ્રેસનો આગ્રહ શા માટે?' એવો સવાલ કર્યો. 

એ ભરી સભામાં રાહુલ ગાંધીએ એવો વળતો સવાલ કરી પત્રકારોને જ ભોંઠપનો અનુભવ કરાવ્યો કે, 'મને હાથ ઉંચો કરીને એ જણાવો કે અહીં ઉપસ્થિત આટલી મોટી સંખ્યાના પત્રકારોમાં કોણ કોણ દલિત,આદિવાસી કે ઓબીસી વર્ગમાંથી આવે છે?'

પ્રતિભાવમાં પત્રકારોના એ ધણમાંથી એક હાથ ઉંચો ન થયો!

એક ઊભડક હિસાબ જો માંડીએ તો, તા. ૧\૭\૧૮૨૨ તે ગુજરાતી પત્ર 'મુંબઈ સમાચાર' ના આરંભ કે જેને ગુજરાતી પત્રકારત્વના આરંભની તવારીખ પણ કહે છે, એ તારીખથી રાહુલ ગાંધીની તા.૧૦\૧૦\૨૦૨૩ની પ્રેસ કોન્ફરન્સ સુધીના પુરા ૨૦૦ વર્ષેય ગુજરાતી પત્રકારત્વના બહુજન સમાજ પ્રતિના ભેદભાવભર્યા અને પક્ષપાતી વલણમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે, એમ આપણે ખાતરીથી કહી શકીએ તેમ નથી.

પત્રકારત્વના પ્રારંભના એ કાળેય અમુક અખબારોએ તો એમના નીતિવિષયક સૂત્રમાં એમ પણ છાપેલું જોવાયું છે કે, 'અસ્પૃશ્યતા આ દેશનું કલંક છે એમ અમે માનતા નથી!'

આઝાદી પછી કાયદાની પાબંદીઓને પગલે આજે ભલે ખુલ્લેઆમ આમ કોઈ ન કહે કે લખે, પણ દલિત-શોષિત-વંચિત-પીડીત જનસમૂહને મીડિયા કે પત્રકારત્વે આ વર્ગના પક્ષકાર બની એમને ધરપત આપી હોય કે સધિયારો પુરો પાડ્યો હોય, એવા દાખલા દીવો લઈ શોધ્યેય મળતા નથી.

લોકશાહીના ચાર પૈકીના આ એક મજબૂત ને બોલકા સ્તંભ પત્રકારત્વ-મીડિયાની આવી બે-ધારી નીતિને પારખતા જાણતલો કાયમ એ કારસ્તાનોને ઉઘાડા કરતા રહ્યા છે. 

હું કહીશ કે, બહુજનોના આજે  શુભારંભ પામી રહેલા પોર્ટલે, બહુજનોની વેદના-વ્યથાને વાચા આપવાની સાથે, કહેવાતી મુખ્યધારાના મીડિયા-પત્રકારત્વના એવા કારસા અને એના ભેદભાવભર્યા વલણના પર્દાફાશનું દાયિત્વ પણ નિભાવવું પડશે. ભલે એ કામ પડકારભર્યું હોય તો પણ હવે એને હાથ પર લેવાનો આ સમય છે. અને તો જ આ આપણું આગવું પોર્ટલ બહુજનોનો વિશ્વાસ અને પ્રેમ પ્રાપ્ત કરી શકશે.

આપણું પત્રકારત્વ કંઈ આજે આવું પક્ષપાતી બની ગયું છે એવું નથી, એ પહેલેથી જ આવું છે. મહાત્મા ગાંધીની સ્વતંત્રતા ચળવળને ટેકો અને પીઠબળ પુરા પાડનાર આપણા આ જ પત્રકારત્વે ગાંધીની અસ્પૃશ્યતા નાબૂદ કરવાની સલાહ માની નહોતી. નહીંતર સતીપ્રથા - દીકરીને દૂધપીતી કરવા જેવી કુપ્રથાઓનો જેમ અંત આવ્યો તેમ અસ્પૃશ્યતા જેવી કુપ્રથાનો પણ અંત આવી જ ચૂક્યો હોત ને?

સંશોધકોએ તો એ પણ નોંધ્યું છે કે, તે સમયના પત્રો - વર્તમાનપત્રો - સામયિકોમાં ગાંધીની દાંડીયાત્રા કે નમક આંદોલનને તો પુરતું સ્થાન મળતું હતું, કિન્તુ ગાંધીના જ સમકાલીન એવા ડો.બાબાસાહેબ આંબેડકરના મહાડ તળાવ આંદોલન કે કાલારામ મંદિર પ્રવેશ આંદોલન વિશે તેઓએ એક લીટી પણ લખી નહોતી. અને જો કંઈ લખવું જ પડ્યું તો ડો. બાબાસાહેબને દેશવિરોધી ચિતરીને જ લખ્યું.

ત્યારે જો આ સ્થિતિ હતી તો આજે શું છે? બહુજન સમાજનો ગમે તેટલો મોટો કાર્યક્રમ કે આયોજન હશે, અત્યાચારના વિરોધમાં ગમે તેટલી મોટી-વિરાટ રેલી હશે તો પણ મીડિયામાં એને સ્થાન નહીં મળે. અરે, બહુજન સમાજના સમાચાર જેવા સમાચારની નાની નોંધ લેવાથી પણ તે કતરાય છે. પરિણામે  બહુજન સમાજે એમના આયોજનોના પ્રચાર-પ્રસાર  માટે પ્રસ્થાપિત મીડિયાને સહારે રહેવાનું છોડી દઈ  ને સોશિયલ મીડિયાને સહારે કામ પાર પાડવાનું આજે શીખી લીધું છે. તાજું ઉદાહરણ ગાંધીનગરમાં આ વર્ષે જ યોજાયેલી દલિત-આદિવાસી સમાજની SSDની વિશાળ રેલીનું છે. રેલીના મહત્વપૂર્ણ સમાચારને ગુજરાતના મીડિયાએ સદંતર અવગણ્યા હતા.

આવી  વિકટ આ ઘડીમાં બહુજનોના આગવા એવા ન્યૂઝ પોર્ટલની પહેલ થવી એક રાહતના સમાચાર છે.

સૌ જાણે છે કે સ્વતંત્ર પ્રેસ મીડિયામાં સમગ્ર વિશ્વમાં ભારત સાવ છેલ્લા એવા ક્રમાંકોમાં બેઠેલું છે. એને એ ક્રમે ધકેલવામાં આ દેશના ગોદી મીડિયાનો સિંહફાળો છે, એ પણ સૌ જાણો છે.

શાસક પક્ષને ખોળે બેઠેલું ગોદી મીડીયા એ હદે બેશરમ છે કે, શાસકોના સૂર સિવાય બીજો કોઈ સૂર તે આલાપતું નથી, જેમાં પ્રમાણમાં શક્તિશાળી ગણાય એવા વિપક્ષોની પણ તે સદતંર અવગણના કરે છે. આ સ્થિતિમાં તે (ગોદી મીડીયા) બહુજનોની રાવ-ફરિયાદને તો ગણકારે જ શાને? આજકાલ ગોદી મીડિયાનો વ્યાપ વકરીને એટલો રાક્ષસી બન્યો છે કે, સર્વહારા-બહુજન એવી મોટી જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરતા વર્ગની મરણચીસ કે આર્તનાદ પણ એના બહેરા કાને જ અથડાય છે. 

આ સ્થિતિ બહુજનોના આગવા અવાજ સમા અને એના સુખદુઃખના સાથી બને એવા ન્યૂઝ પોર્ટલની નિતાંત આવશ્યકતા દર્શાવે છે.

જાણકારોના મતે, આજનું પક્ષપાતી અને કેવળ ઉન્નત વર્ગનું પ્રતિનિધિત્વ કરતું મીડિયા બહુજન સમાજની જ્વલંત સિધ્ધિના કોઈ  સમાચાર હશે તો એવા ગૌરવવંતા બહુજનની જાતિ નહીં જણાવે પણ યદાકદા જો બહુજન સમાજની કોઈ નકારાત્મક બાબતે કશી ભૂમિકા જો માલૂમ પડશે અથવા જો એવી શંકા પડશે, તો તરત જે તે બહુજનની જાતિની પુરી જન્મકુંડળી સાથે વાત કરશે અને ઉચ્ચ વર્ગની તુલનાએ એમને નીચા ચીતરવાની કોશીષ કરશે.

શોષિત-બહુજન પર જો કોઈ જઘન્ય અત્યાચારની ઘટના હશે તો પહેલા તો એ સમાચારને ગણકારશે જ નહીં. પણ પછી જો લોકલાજે - પત્રકારત્વના વ્યવસાયની તટસ્થતા બતાવવાને, એ ઘટનાને ધ્યાને લેવી પડે એમ હશે તો એ એને મહત્વના સમાચાર રૂપે નહીં પણ સાવ સામાન્ય સમાચારની જેમ ને એ પણ ન છૂટકે સ્થાન આપશે. એ પછી એ ઘટના સંદર્ભે વધુ અન્વેષણ(Investigation) કરવાનો ઉત્સાહ તો એ કદાપિ દાખવશે જ નહીં. જ્યારે કે બહુજન સિવાયની ઉચ્ચ જાતિને અન્યાયની જો કોઈ ક્ષુલ્લક ઘટના પણ હશે તો એ અદાલતોના ચૂકાદાય પ્રભાવિત થાય એ હદની ઝૂંબેશ એના રિપોર્ટિંગ દ્વારા ચલાવશે!

મીડિયા-પત્રકારત્વ દ્વારા બહુજન સમાજને થઈ રહેલા અન્યાયના સેંકડો ઉદાહરણો અહીં ટાંકી શકાય એમ છે ને એટલે જ બહુજન સમાજના પોતાના પ્લેટફોર્મની આવશ્યકતા છે.

ભારતીય પત્રકારત્વ સાથે ઘટેલી મોટી દુર્ઘટના એ છે કે તે આજે ધ્યેય મટીને ધંધો બન્યું છે, જ્યાં આર્થિક રીતે મજબૂત ઉન્નત વર્ગનું જ વર્ચસ્વ છે. ઘણા એવી દલીલ રજૂ કરે છે કે, આજે ઠીકઠીક સંખ્યાના બહુજન પત્રકારો બધા મીડિયામાં કામ કરી રહ્યા છે. પણ આમ કહેનારા એ ભૂલી જાય છે કે, પત્રકારત્વ-મીડિયામાં નીતિનિર્ધારણ કરતી કક્ષાએ કે જ્યાં પોતાની વ્યક્તિતા કે સામર્થ્યને પુરવાર કરવાની સંભાવના હશે ત્યાં તમને ભાગ્યે જ કોઈ બહુજન સમાજનો વ્યક્તિ જોવા મળશે.

હકીકત એ પણ છે કે આજે બહુજન સમાજ પણ શિક્ષિત અને જાગૃત બની રહ્યો છે, છતાં આર્થિક સંપન્નતા પ્રાપ્ત કરવામાં એ હજી ઉચ્ચ વર્ગોની તુલનાએ ઘણો પાછળ છે. પરિણામે માલેતુજાર તો ખરા જ સાથે સમાજના ઉચ્ચ વર્ગોનું જ પ્રતિનિધિત્વ કરતા મીડિયામાં બહુજન સમાજનો અવાજ કાયમ દબાયેલો જ રહ્યો છે. આપણા પત્રકારત્વની આ લુચ્ચાઈને કારણે જ બહુમતિ હોવા છતાં, બહુજન સમાજના વ્યથાવિતકનો મીડિયામાં કોઈ પડઘો પડતો હોતો નથી.

આ સ્થિતિનું નિવારણ બહુજનોના પોતાના મીડિયાથી થઈ શકે તેમ છે ત્યારે એ દિશાના એક પગલા રૂપે 'KhabarAntar.com'ના શુભારંભમાં હું મારી આશાઓ અને અરમાનોને પણ જોડું છું.

- નટુભાઈ પરમાર (લેખક પૂર્વ સંયુક્ત માહિતી નિયામક છે)


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • P  K Gadhavi
    P K Gadhavi
    Fine beginning
  • Muljibhai  V.Khuman
    Muljibhai V.Khuman
    Very Nice
  • Bhupendrasingh  bhatia
    Bhupendrasingh bhatia
    Very essential. Glad that the portal has taken shape.. I wish it success.
  • Bharvad Pravinkumar Chimanlal
    Bharvad Pravinkumar Chimanlal
    Abhinandan
  • Manish Solanki
    Manish Solanki
    એક વિરાટ કદમ. અભિનંદન અને શુભેચ્છાઓ.