જૂનાગઢના કવિ નિલેશ કાથડનો કાવ્યસંગ્રહ 'પોસ્ટમોર્ટમ' પ્રકાશિત થયો

'પીડાની ટપાલ', 'ઊનાના ઉના ઉના નિસાસા' અને બહુચર્ચિત આત્મકથા 'વલોરી' બાદ જૂનાગઢના જાણીતા બહુજન કવિ નિલેશ કાથડ હવે કાવ્યસંગ્રહ 'પોસ્ટમોર્ટમ' લઈને આવ્યા છે.

જૂનાગઢના કવિ નિલેશ કાથડનો કાવ્યસંગ્રહ 'પોસ્ટમોર્ટમ' પ્રકાશિત થયો
image credit - નિલેશ કાથડ

નિવૃત્ત બેંક મેનેજર અને બહુજન કવિ, લેખક, વિચારક અને સંશોધક એવા નિલેશ કાથડ હવે નવો કાવ્યસંગ્રહ લઈને આપણી વચ્ચે આવ્યાં છે. અગાઉ તેઓ ભારે રઝળપાટ કરીને લખેલા સંશોધક પુસ્તક સૌરાષ્ટ્ર કચ્છની બૌદ્ધ ગુફાઓને લઈને ચર્ચામાં આવ્યા હતા. એ પછી તેમના આત્મકથા વલોરી જે હપ્તાવાર પ્રકાશિત થઈ છે, તેની પણ દલિત સાહિત્યમાં આગવી ઓળખ છે. હવે તેઓ પોસ્ટમોર્ટમ કવિતાસંગ્રહ સાથે વધુ એક વખત હાજર થયા છે ત્યારે આ કાવ્યસંગ્રહમાં શું નવું હશે તેની વાત કરીએ. 

વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ ચંદુ મહેરિયા નિલેશ કાથડના કાવ્યસંગ્રહ પોસ્ટમોર્ટમ વિશે જે લખે છે તેના પરથી તેમની કલમનો વધુ સારી રીતે પરિચય થાય છે.

આ પણ વાંચોઃ અમદાવાદના કવિ ઉમેશ સોલંકીની YAPANCHITRA રાષ્ટ્રીય કવિતા ઍવોર્ડ 2024 માટે પસંદગી

ચંદુ મહેરિયા લખે છે, ‘પીડાની ટપાલ’ લખતા ‘અગ્નિકણ' સમા ધાકડ દલિત કવિ નિલેશ કાથડના પરિચયનું ‘પોસ્ટમોર્ટમ’ કરું છું ત્યારે આશરે સાડા ત્રણ ચાર દાયકા પૂર્વે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાનકડા દડવા ગામના નવયુવાન નિલેશ કાથડનો ઉમળકા અને વેદનાથી લખાયેલો પ્રથમ પત્ર સાંભરે છે. દલિત કવિતાનું આંદોલન હજુ તો શહેરોમાં ભાંખોડિયા ભરતું હતું ત્યારે દૂર સોરઠથી તેને મળેલો આ સાદ આનંદિત કરનારો હતો. સર્જક અને વ્યક્તિ નિલેશ કાથડ સાથેનો આટલો દીર્ઘ સંબંધ આજે પણ ટક્યો છે તેનું શ્રેય માત્ર અને માત્ર નિલેશભાઈને જાય છે.

નિલેશ કાથડની ધાકડ કહેતાં આગવો મિજાજ વ્યક્ત કરતી દલિત કવિતાઓનો તો હું વાચક, ભાવક અને ચાહક ખરો પણ તેમની કર્મશીલતા અને સંગઠન શક્તિ પ્રત્યે મને ભાર આદર. દલિત કવિ કર્મશીલ હોય તેથી રુડું બીજું શું? નિલેશ કાથડ બહુ આયામી છે. તેમન મૌલિક દલિત કવિતાના સંગ્રહો તો છે જ તેમણે દલિત કવિતાના સંપાદનો પણ કર્યા છે. કર્મશીલ કવિ કવિતાના સંપાદનોથી અટકયા નથી. ·ઊનાના ઉના ઉના નિસાસા' નામક તેમનું સંપાદન ઉના કાંડની સર્જનાત્મક અને અન્ય દસ્તાવેજી સામગ્રીનું સંપાદન છે. કવિતા અને કર્મશીલતા ઉપરાંતનું તેમનું એક જુદું પાસું આ વરસોમાં ઉઘડ્યું અને પોંખાયું તે છે સંશોધનનું. ‘સૌરાષ્ટ્ર કચ્છની બૌધ્ધ ગુફાઓ' નામે તેમનું સંશોધનાત્મક પુસ્તક ગુજરાતમાં બૌધ્ધ ધર્મના પગરણ કર્યો ક્યાં મંડાયેલા હતા તેની આંખે જોઈ જહેમતભરી માહિતી આલેખે છે. આ સંશોધન અન્ય ભાષાઓમાં અનૂદિતના થયું હોત તો જ આશ્ચર્ય.

આ પણ વાંચોઃ જૂનાગઢના કવયિત્રી હેમલતા સોનારા 6 દલિત કવિઓની કવિતાઓ પર સંશોધન કરીને PHD થયા

કથિત મુખ્યધારાના ગુજરાતી સાહિત્યમાં આત્મકથાઓ ઓછી લખાઈ છે એટલે ગુજરાતી દલિત સાહિત્યમાં પણ તે અલ્પ પ્રમાણમાં છે. પરંતુ અગાઉ ‘દલિત ચેતના’ માં હપ્તાવાર પ્રગટ થયેલી અને ખાસ્સું ધ્યાન ખેંચનારી નિલેશની પ્રકાશ્ય આત્મકથા ‘વલોરી” દલિત આત્મકથાઓમાં ન માત્ર નોંધપાત્ર ઉમેરણ હશે નોખી-અનોખી પણ હશે.

અગાઉ ‘બામસેફ' ના સંગઠક નિલેશ કાથડ આજે ‘ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન’ ના સક્રિય અને સમર્પિત ઉપપ્રમુખ છે. પૂર્વે ‘નિસબત’ વાર્ષિકીનું તેમણે અન્ય સાથે સંપાદન કરેલ છે. આજે ‘નિસબત’ ઈ-સામયિકમાં તેમની સંપાદકીય મહેનત અને લગન જણાઈ આવે છે.

દલિત કવિતા વ્યાપક અર્થના દલિત રાજકારણનો ભાગ છે તે પુરવાર કરતી કવિતાઓ ‘પોસ્ટમોર્ટમ‘ કાવ્ય સંગ્રહમાં જોવા મળે છે. તેના સવિશેષ આનંદ સાથે નિલેશ કાથડની સર્જકતા અને પ્રતિબધ્ધતાને સલામ.
(પ્રાપ્તિસ્થાનઃ શરૂઆત બુકસ્ટોર, 107, સ્ટાર પ્લેટિનમ, આંબેડકર ભવન પાસે, મધુરમ, જૂનાગઢ - 362015. સંપર્ક : 8141191312)

આ પણ વાંચોઃ ‘દલિત ચેતના’ કાર્યક્રમમાં પરસોત્તમ જાદવ, સાહિલ પરમાર, આત્મારામ ડોડીયાની કવિતાઓ છવાઈ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Prakashchandra karelia
    Prakashchandra karelia
    Shree Nilesh kathad mara param Mitra chhe Ane amen banne 40 varas thi Mitra chhie. Hu emni Naitik himmat Ane Dalit Sahitya mate ni je lagan chhe eni kadar Karu chhu. Shree Nileshbhai khub j mahentu Ane karmnisth Manas chhe. Amen banne bank ma jode Kam kryu chhe . Teo Sahitya na kshetra ma khub pragati kare evi Mari hardik Shubhechha chhe.
    16 days ago