એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?

પોલીસ અને સંબંધિત અધિકારીઓ કાયદામાં જોગવાઈઓ હોવા છતાં તેનો અમલ ન કરીને આરોપીઓને પ્રોત્સાહન આપે છે અને પીડિતોને ન્યાયથી વંચિત રાખે છે .

એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?

એટ્રોસિટી એક્ટની જોગવાઈઓના અમલીકરણમાં રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવતી ગંભીર બેદરકારીઓ નવી નથી. આ કાયદાનો અમલ કરવાની જેની જવાબદારી છે તે સરકારી એજન્સીઓ જ તેમાં લાલીયાવાડી દાખવી રહી છે. કેવી રીતે આ એજન્સી એટ્રોસિટીના કાયદાને નબળો પાડતી હોય છે, કેવી રીતે પોલીસ અને સંબંધિત અધિકારીઓ કાયદામાં જોગવાઈઓ હોવા છતાં તેનો અમલ ન કરીને આરોપીઓને પ્રોત્સાહન આપે છે અને પીડિતોને ન્યાયથી વંચિત રાખે છે તેની અહીં વિગતે વાત કરીએ.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989 અને સુધારા અધિનિયમ 2015, તેના નિયમો 1995 અને 2016(એટ્રોસિટી એક્ટ)નો હેતુ અનુસૂચિત જાતિ અથવા જનજાતિના સભ્યોની વિરુદ્ધ અત્યાચારના ગુના બનતા અટકાવવા માટે, આવા ગુનાની ન્યાયી કાર્યવાહી કરવા માટે ખાસ કોર્ટોની જોગવાઈ કરવા માટે અને ગુનાઓના ભોગ બનેલાઓને રાહત અને તેમના પુન: વસવાટ માટે અને તેની સાથે સંકળાયેલી અથવા આનુસંગિક બાબતો માટેનો અધિનિયમ છે. જેમાં 3(1)(a) થી 3(1)(Z) સુધીની કલમો છે, જેમાં જુદાજુદા ગુનાઓનું વર્ણન કરવામાં આવેલું છે જે કૃત્ય કાયદાથી પ્રતિબંધિત છે.

રાજ્ય સરકારની જવાબદારી 

આ કાયદાની જોગવાઈ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના લોકો સાથે અત્યાચાર ન થાય તે માટે પ્રિએન્ટિવ મેજર્સ એટલે કે અગમચેતીના પગલા ભરવા, અત્યાચાર થયા બાદ ડિફેન્સીંવ મેજર્સ એટલે કે રક્ષણ માટેના પગલા લેવા અને અત્યાચારના ભોગ બનેલા લોકો સમાજમાં સામાન્ય જીવન જીવી શકે તે માટે પુન:સ્થાપન કરવા અંગેની જોગવાઈઓ કરવામાં આવેલી છે. આ માટે કાયદાના અસરકારક અમલીકરણની જવાબદારી સરકારની છે. 

આ કાયદાની જોગવાઈ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના લોકો સાથે અત્યાચારની ઘટના બને નહિ તે માટે પ્રિએન્ટિવ મેજર્સ એટલે કે અગમચેતીના પગલા ભરવાની જવાબદારી રાજ્ય સરકારની છે, જેમાં નીચે મુજબની કાર્યવાહી કરવાની થાય છે.

(1)જ્યાં વધારે અત્યાચાર થતો હોય તેવા અત્યાચારગ્રસ્ત વિસ્તાર (એટ્રોસિટી પ્રોન એરિયા)ની ઓળખ કરવી અને તેવા વિસ્તારમાં સર્વે કરવો. (2) અત્યાચાર થવાની ધાસ્તી હોય તેવા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત મુકવો, જરૂર પડ્યે અર્ધ લશ્કરી દળો મુકવા. (3) વારંવાર દલિત-આદિવાસીઓ પર અત્યાચાર કરવાની ટેવવાળા લોકોને તે વિસ્તારમાંથી તડીપાર કરવા, દૂર કરવા. (4) સામુહિક અત્યાચારના કિસ્સામાં અત્યાચારીઓ પર સામુહિક દંડ નાખવો, અત્યાચારગ્રસ્ત વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવું. (5)અત્યાચારગ્રસ્ત વિસ્તારમાં જેટલાં લોકોને બંદૂક, રિવોલ્વર જેવાં હથિયારનાં લાયસન્સ આપવામાં આવેલાં હોય તેને સસ્પેન્ડ કરવા અને જમા લેવા. (6) અત્યાચારગ્રસ્ત વિસ્તારમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના લોકોને સ્વબચાવ તથા રક્ષણ માટે બંદૂક, રિવોલ્વર જેવાં હથિયારના લાયસન્સ આપવા. (7) ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અત્યાચારગ્રસ્ત વિસ્તારમાંની મુલાકાત લેવી, મિટિંગો કરવી અને લોકોની સુરક્ષા અંગેના પ્રશ્નો જાણીને હલ કરવા. (8) નાગરિકોને આ કાયદાની જોગવાઈઓથી વાકેફ કરવા અને કાયદાનો પ્રચાર-પ્રસાર કરવો. (9) રાજ્ય કક્ષાએ અને જીલ્લા કક્ષાએ એસ.સી./એસ.ટી.સેલની સ્થાપના કરવી. (10) અત્યાચારનો ભોગ બનનારા લોકો નિર્ભય રીતે પોતાની ફરિયાદ રજૂ કરી શકે તે માટે રાજ્યમાં ખાસ પોલીસ સ્ટેશન ઉભા કરવા.

એટ્રોસિટીની ઘટના બન્યા પછી તરત રાજ્ય સરકારે નીચે મુજબના પગલા લેવાના હોય છે

FIR (ફરિયાદ)ની નોંધણી તાત્કાલિક કરવી, તેના માટે કોઈપણ તપાસની જરૂરી નથી. 
FIR (ફરિયાદ)નોંધણી સમયે કોઈ પુરવાની જરૂર નથી.
ફરિયાદી કહે તેમ ફરિયાદ નોંધવી અને FIR માં યોગ્ય કલમો લગાડવી.
ફરિયાદીને તરત જ FIR ની નકલ પુરી પાડવી. 
રાજ્ય અને જિલ્લા લેવેલ એસ.સી./એસ.ટી. સેલ ઉભા કરી ત્યાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી.
ફરિયાદની તપાસ માટે ગ્રામ્ય કક્ષાએ ડીવાયએસપી અને શહેરી વિસ્તારમાં એસીપીની નિમણૂંક કરવી.
ઘટના સ્થળ પર જઈને તપાસ કરવી.
ફરિયાદી/ભોગ બનનાર અને સાક્ષીઓને જરૂરી લાગે તો પોલીસ રક્ષણ પૂરું પાડવું.
આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવી. 
60 દિવસમાં તપાસ પુરી કરવી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવી.
અત્યાચારના ગુનામાં તપાસ અધિકારી જાણીજોઈને પોતાની ફરજમાં બેદરકારી દાખવે તેવું જણાય તો 1 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે તેનો અમલ કરવો.
જિલ્લા કલેક્ટર અને એસપી દ્વારા સ્થળ મુલાકાત કરવી અને જાન-માલ તેમજ મિલકત નુકસાનીનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવો.
એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતા ગુનાઓમાં ખાસ સરકારી વકીલની નિમણૂંક કરવી.
એટ્રોસિટીના કેસમાં આગોતરા જામીન નહીં મળે.
પીડિત અને સાક્ષીઓના વીડિઓ રેકોડિઁગ સ્ટેટમેન્ટ લેવાની જોગવાઈ છે.
ચાર્જશીટની એક નકલ ફરિયાદી/ભોગ બનનારને આપવાની જોગવાઈ છે.
સબંધિત કોર્ટમાં આરોપી જામીન અરજી મૂકે ત્યારે ભોગ બનનાર/ફરિયાદીને સાંભળવા પછી નિર્ણય લેવો.
ભોગ બનનારને રાજ્ય સરકારે સહાય/વળતર ચૂકવવું અને તેનું પુર્નવસન કરવું.
ગંભીર અત્યાચારનો ભોગ બનેલ પીડિતના પરિવારના એક સદસ્યને પેન્શન, સરકારી નોકરી, જીવન નિર્વાહ માટે ખેતીની જમીન, બાળકોના અભ્યાસ માટેની સગવડ અને વ્યવસ્થા કરી આપવી.
ગંભીર કેસમાં ફરિયાદી/પીડિતને ખાનગી વકીલ રાખવા માટે સહાયની જોગવાઈ છે.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકો માટે અત્યાચારની ફરિયાદ કરવા માટે ખાસ પોલીસ સ્ટેશન ઉભા કરવા.
ખાસ કોર્ટની રચના કરવી.
કેસ કમિટ થયા પછી, ખાસ જજ દ્વારા સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટમાં ડે-ટુ-ડે કેસ ચલાવવો અને 60 દિવસમાં કેસનો ચૂકાદો આપવો.

અત્યાચારના ગુનમાં સંકલન માટે ખાસ અધિકારીની નિમણુંક કરવી.

રાજ્યમાં બનેલ અત્યાચારના કેસોની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને 25 સભ્યોની હાઈ લેવલની રાજ્ય તકેદારી અને મોનીટરીંગ સમિતિની રચના કરવામાં વી છે. જે વર્ષમાં બે વાર, જાન્યુઆરી અને જુલાઈમાં મળવાની જોગવાઈ છે.
જિલ્લામાં બનેલા અત્યાચારના કેસોની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓની જિલ્લા તકેદારી અને મોનીટરીંગ સમિતિની રચના કરવામાં આવે છે, જે વર્ષમાં 4 વાર મળવી જોઈએ.

મહાનગરોમાં બનતા અત્યાચારના કેસોની સમીક્ષા કરવા માટે પોલીસ કમિશ્નરના અધ્યક્ષ સ્થાને શહેરના અધિકારીઓની શહેરી તકેદારી અને મોનીટરીંગ સમિતિની રચના કરવામાં આવે છે, જે વર્ષમાં 4 વાર મળવાની જોગવાઈ છે,
તાલુકામાં બનતા અત્યાચારના કેસોની સમીક્ષા કરવા માટે તાલુકા મામલતદારના અધ્યક્ષ સ્થાને તાલુકા તકેદારી અને મોનીટરીંગ સમિતિની રચના કરાય છે, એ પણ વર્ષમાં 4 વાર મળવાની જોગવાઈ છે.

આ પણ વાંચો : એટ્રોસિટીના કેસોની ન્યાયિક પ્રક્રિયામાં પોલીસ-વહીવટીતંત્ર-ન્યાયતંત્રની નકારાત્મક ભૂમિકા અને તેના ઉપાયો

રાજ્યમાં બનતા અત્યાચારના કેસોની સમીક્ષા કરવા માટે નોડલ ઓફિસર(સચિવ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ)ના અધ્યક્ષ સ્થાને હાઈ લેવલની સચિવ કક્ષાની અન્ય સબંધિત વિભાગ સાથે સંકલન માટે સંકલન સમિતિની રચના કરવામાં આવે છે, જે વર્ષમાં 4 વાર મળવાની જોગવાઈ છે.

એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં ખરેખર થાય છે શું?

એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો અમલમાં હોવા છતાં વાત જ્યારે તેના અસરકારક અમલીકરણની આવે છે ત્યારે પોલીસ સહિત આખું તંત્ર આરોપીઓની તરફેણમાં કામ કરતું હોય તેવું એકથી વધુ કેસોમાં બનતું આપણે જોયું છે. પીડિતો ન્યાયનું પ્રથમ પગથિયું એવી ફરિયાદ કરવા જતા જ ભેદભાવ અને વધુ અત્યાચારનો શિકાર બને છે. અત્યાચારનો ભોગ બનનાર અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જન જાતિની વ્યક્તિ ફરિયાદ કરવા જાય છે ત્યારે પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવા, કાલે આવજો સાહેબ નથી, સાહેબ આવે ત્યારે આવજો, સાહેબ કહેશે તો જ ફરિયાદ લેવામાં આવશે, અરજી આપો તપાસ કરીશું, ખરાબ વર્તન કરવામાં આવે છે, સમાધાન માટે દબાણ કરવામાં આવે, ફરિયાદ ન કરવા માટે દબાણ કરવામાં આવે, ફરિયાદ લેવામાં બહાના કાઢવામાં આવે જેની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સિવાય બીજી પણ અનેક સમસ્યાઓ છે, જેમ કે,

અનેક વખત FIRમાં ગુના મુજબ આઈપીસી અને અત્યાચાર ધારાની યોગ્ય કલમો લગાડવામાં આવતી નથી.
એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધવામાં આવતા ગુનાઓમાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવતી નથી.
આરોપીઓને હાઇકોર્ટમાં કવોશિંગ અને આગોતરા જામીન માટે સમય આપવામાં આવે છે અને ધરપકડ કરવામાં આવતી નથી.
એટ્રોસિટીનો ગુનો બન્યા બાદ ભોગ બનનાર અને સાક્ષીઓના નિવેદનોની વીડિયોગ્રાફી કરવાની હોય છે જે કરવામાં આવતી નથી.
અમુક કેસોમાં કાયદાની જોગવાઈ મુજબ 60 દિવસમાં સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવતી નથી, જેથી આરોપીને ડિફોલ્ટ જામીન મળી જાય છે.
કાયદાની જોગવાઈ મુજબ  ચાર્જશીટની નકલ ભોગ બનનારને આપવામાં આવતી નથી. 
ગંભીર ગુનામાં સ્થળ પર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મુલાકાત કરવામાં આવતી નથી. કાયદાની જોગવાઈ મુજબ ગંભીર અત્યાચારના બનાવમાં જાન-માલ-મિલકતની નુકસાનીનો અહેવાલ સરકારમાં રજૂ કરવાનો હોય છે જે કામગીરી થતી જ નથી.

એટ્રોસિટીનો ગુનો નોંધ્યા બાદ સ્થાનિક સંબંધિત પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓને ટેબલ/જાત જામીન આપવામાં આવે છે અને છોડી મુકવામાં આવે છે. જેમાં કોર્ટમાં સાંભળવા બાબતે પીડિતને મળેલા અધિકારનો ભંગ થાય છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષપદે રચાયેલ રાજ્ય તકેદારી અને મોનીટરીંગ સમિતિની મીટિંગ, જે વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં થવી જોઈએ તે થતી જ નથી. આ જ સ્થિતિ જિલ્લા કક્ષાઓએ છે, જ્યાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા તકેદારી અને મોનીટરીંગ સમિતિની મિટિંગ નિયમિત મળતી નથી અને કાયદાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કે પ્રક્રિયા થતી નથી. દર છ મહિને જીલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સરકાર પક્ષે અત્યાચારના કેસો લડતા સરકારી વકીલની કામગીરીની સમીક્ષા કરવાની જોગવાઈનો અમલ કરવામાં આવતો નથી.

ડો. આંબેડકર ફાઉન્ડેશન દિલ્હી તરફથી ગંભીર અત્યાચારના કિસ્સામાં મળતી વધારાની સહાય ભોગ બનનારને મળે તેની કાર્યવાહી કે દરખાસ્ત રાજ્ય સરકાર કરતી નથી.

રાજ્ય સ્તરે સબંધિત વિભાગોના સંકલન માટે ખાસ નોડલ ઓફિસર(સચિવ કક્ષાના)ની નિમણૂંક અલગ સ્ટાફ સાથે કરવામાં આવતી નથી, ચાર્જમાં જ ચાલે છે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ ચાર્જમાં છે.
સમાધાન માટે દબાણ લાવવા અને ડરાવવા માટે ભોગ બનનાર સામે ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. રાજ્યમાં કાયદાની જોગવાઈઓ મુજબ અત્યાચારનો ભોગ બનેલ પીડિતો માટે ફરિયાદ કરવા માટે ખાસ પોલીસ સ્ટેશન ઉભા કરવામાં આવેલ નથી.

એટ્રોસિટીના કેસોમાં કોર્ટમાં કેસ કમિટ થયા પછી ડે-ટુ ડે કેસ ચલાવવો અને કેસની ટ્રાયલ 60 દિવસમાં પુરી કરવાની જોગવાઈનો અમલ થતો નથી.

ગંભીર અત્યાચારના બનાવોમાં સરકાર તરફથી ભોગ બનનારની સહાય માટે કાઉન્સેલિંગ માટે કોઈ વ્યવસ્થા નથી.
સામાજિક બહિષ્કાર, હીજરતના બનાવો દબાવી દેવામાં આવે છે, ભોગ બનનાર પરિવારોનું આ કાયદાની જોગવાઈઓ અને નિયમો મુજબ પુન:વસન કરવામાં આવતું નથી.

ગંભીર પ્રકારના બનાવોમાં રાજ્ય સરકાર દ્વારા ભોગ બનનાર પીડિતો દ્વારા માંગણી કરવા છતાંય ખાસ સરકારી વકીલ(સ્પેશ્યલ પી. પી.) ની નિમણુંક કરવામાં આવતી નથી

ગંભીર પ્રકારના બનાવમાં ભોગ બનનારની પસંદગીના વકીલ ફાળવવામાં આવતા નથી.
તપાસ એજન્સીઓની નબળી તપાસ અને બેદરકારીને કારણે એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતા ગુનાઓમાં સજાનો દર 2.5 % ની આસપાસ રહે છે જે ખુબ જ ઓછો છે.

સ્પેશ્યલ ઓફિસર તરીકે અધિક જિલ્લા કલેક્ટર કે જેની પાસે મેજિસ્ટ્રિયલ પાવર હોય તેની નિમણુંક કરવામાં આવતી નથી અને નાયબ નિયામક કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવે છે કે જેઓ સમાજ કલ્યાણ વિભાગમાંથી આવે છે અને મોટા ભાગે ચાર્જમાં હોય છે,  તેઓ પાસે મેજિસ્ટ્રિયલ પાવર હોતા નથી.

અત્યાચાર ધારાની એક જ કલમ હેઠળ નોંધાતા કેસોમાં સહાયનું ધોરણ અલગ અલગ છે, સમાન ધોરણે સહાય ચૂકવવામાં આવતી નથી.

સામુહિક હુમલાના ગંભીર કેસોમાં ગામ પર સામુહિક દંડ નાખવાની કાયદાકીય જોગવાઈનો આજદિન સુધી અમલ કરવામાં આવેલ નથી.

એટ્રોસિટી પ્રોન એરિયા(અત્યાચારગ્રસ્ત વિસ્તારોમાં પ્રિવેન્ટિવ એક્શન(અગમચેતીના પગલા)ભરવામાં આવતા નથી, સર્વે કરવામાં આવતુ નથી.

અત્યાચાર હેઠળ નોંધાતા ગુનાઓમાં સરકારી વકીલ દ્વારા લેખિતમાં દલીલો આપવામાં આવતી નથી.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989, નિયમો 1995ના પેટા નિયમ 15 હેઠળ બનેલ ખાસ આકસ્મિક યોજનામાં ગંભીર અત્યાચારોના બનાવમાં ભોગ બનનારનું પુર્ન;વસન કરવાની જોગવાઈઓનું પૂરેપૂરું અમલીકરણ થતું નથી.

આશ્રિતને પેન્શન, આજીવિકા માટે ખેતીની જમીન, મકાન, સરકારી નોકરી, રોજગારી, બાળકોના અભ્યાસ માટે સહાય પૂરી પાડવામાં આવતી નથી.  

કેટલાક અત્યાચાર ધારા હેઠળ નોંધવામાં આવેલ કેસોની તપાસ બરાબર થતી નથી અને A/B/C સમરી ભરી દેવામાં આવે છે. દા.ત. થાનગઢ હત્યાકાંડ, ભાનુભાઈ વણકરની આત્મહત્યા વગેરે.
તપાસ અધિકારીઓ દ્વારા એટ્રોસિટી હેઠળ નોંધવામાં આવતા ગુનાઓની તપાસમાં પૂરતા પુરાવાઓ ભેગા કરવામાં/લેવામાં આવતા નથી, જેથી આરોપીઓ કોર્ટમાં નિર્દોષ છૂટી જાય છે.

ખાસ સરકારી વકીલો દ્વારા ફરીયાદી/ભોગ બનનાર/સાક્ષીઓને સરતપાસ અને ઉલટ તપાસ માટે તૈયાર કરવામાં આવતા નથી.

સંબંધિત કોર્ટમાં આરોપી જામીન અરજી મૂકે ત્યારે ભોગ બનનાર/ફરિયાદીને સાંભળવા પછી નિર્ણય લેવો તેવી સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં કોર્ટ દ્વારા આગલા દિવસે જ જાણ કરવામાં આવે છે અને હાઈકોર્ટમાં આરોપીએ કરેલ જામીન અરજીમાં મોટાભાગે ભોગ બનનારને સાંભળવા માટે નોટીસ આપવામાં આવતી નથી, જેથી લીગલ શાખાએ જાણ કરવી જોઈએ, પીડિતના અધિકારોનું રક્ષણ થતું નથી.

ભોગ બનનાર અને સાક્ષીઓને રક્ષણ મળવું જોઈએ, પણ તે માંગવા છતાં મળતું નથી, જેથી હત્યા જેવી ગંભીર ઘટનાઓ બને છે દા. ત. બોટાદના જાળીલાના મનજીભાઈ, ભાવનગરના સાણોદર અમરભાઈ બોરીચાની હત્યાનો બનાવ વી.
ગંભીર ઘટનાઓમાં સી.આર.પી.સી.૧૬૪ મુજબના નિવેદન લેવડાવવામાં આવતા નથી.

ભોગ બનનાર અને સાક્ષીઓને તપાસ અને કોર્ટમાં મુદત વખતે મોટાભાગે ભાડું-ભથ્થું અપવામાં આવતું નથી.

એટ્રોસિટીના ગુનાની તપાસમાં જાણીબૂજીને તપાસમાં બેદરકારી રાખનાર અધિકારીઓ સામે આઈ.પી.સી.ની કલમ ૨૧૭, ૧૬૬ અને એટ્રોસિટી એક્ટની કલમ ૪ મુજબ પગલા ભરવામાં આવતા નથી.

એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ જયારે જિલ્લા સેશન્સ કોર્ટમાંથી નિર્દોષ છુટે ત્યારે હાઇકોર્ટમાં અને હાઇકોર્ટમાંથી છૂટે ત્યારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવતી નથી.

એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા જેટલા પણ કેસોમાં સેશન્સ કોર્ટના ચૂકાદા સામે સરકારે કે ભોગ બનનારે હાઈકોર્ટમાં અપીલ કરી હોય તેવા કેસો મોટાભાગે વર્ષોથી પેન્ડીંગ છે, ઝડપી ટ્રાયલ ચલાવીને કેસોનો નિકાસ થવો જોઈએ તે થતો નથી.

કાંતિલાલ પરમાર, સામાજિક કાર્યકર, અમદાવાદ

આ પણ વાંચો : એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.