સમૂહ લગ્નની પત્રિકા છપાવી ગઠિયો 113 યુગલોના 24.86 લાખ લઈ ગયો

બહુજન સમાજમાં હવે સમૂહલગ્નમાં લગ્ન કરવાનું ચલણ વધ્યું છે ત્યારે ક્યાંક તમારી સાથે આવી છેતરપિંડી ન થઈ જાય તેનું ધ્યાન રાખજો.

સમૂહ લગ્નની પત્રિકા છપાવી ગઠિયો 113 યુગલોના 24.86 લાખ લઈ ગયો

અમરાઇવાડીમાં ગઠિયાએ સમૂહ લગ્નની પત્રિકા છપાવીને રજીસ્ટ્રેશન પેટે 113 યુગલો પાસેથી કુલ રૂ. 24.86 લાખ રૂપિયા લઈ લીધા હતા. ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે લગ્નના આગલા દિવસે યુગલોના પરિવાર દ્વારા લગ્ન સ્થળે જઈને તપાસ કરવામાં આવી. ત્યારે ત્યાં લગ્નની કોઈ જ તૈયારી ન થઈ હોવાથી છેતરપિંડી થયાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં ગઠિયાને ફોન કરતા તેનો નંબર બંધ આવતો હતો. જેથી તમામ યુગલોને તેમની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઇ હતી. આ અંગે અમરાઇવાડી પોલીસે ઠગ સામે છેતરપિંડીનો ગુનો નોધીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપીની પૂછપરછ કરતા અગાઉ તેણે 11 યુગલોના લગ્ન કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમાં આવક કરતા વધુ ખર્ચો થયો હોવાથી તે ભરપાઈ કરવા તેણે વધુ યુગલોના લગ્નના નામે ઠગાઈ આચરી હતી.
 
ઓઢવમાં રહેતા પંકજકુમાર વાઘેલા છુટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને વર્ષ 2023માં કોમલ રજક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. દોઢ મહિના પહેલા તેમને મિત્ર પાસેથી એક પેમ્પલેટ મળ્યું હતું. જેમાં હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ અમદાવાદ પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવમાં નોંધણી માટેની જાહેરાત હતી. તેમજ જે યુગલોના લગ્ન થઈ ગયા છે પરંતુ તેમના લગ્ન હિન્દુ ધર્મ શાસ્ત્રોક્ત વિધિથી નથી થયા તે યુગલો પણ આ સમૂહ લગ્નમાં જોડાઇ શકે છે તેવી વાત હતી. જેથી પંકજ કુમારે પેમ્પલેટમાં આપેલ નંબર પર ફોન કરતા પ્રકાશકુમાર પરમાર સાથે વાત કરી હતી. જે બાદ પંકજ કુમાર તેની અમરાઇવાડીમાં આવેલ ઓફિસે જઇને તપાસ કરતા પ્રકાશે તેમને ગત 27 મેએ લગ્ન કરાવી આપવાનું અને કરિયાવરનો સામાન આપવાનું કહ્યું હતું. તેમજ આવા 112 યુગલોનું પણ રજીસ્ટ્રેશન થયું હોવાનું જણાવ્યું હતુ. જેથી પંકજ કુમારને વિશ્વાસ આવતા તેમને રૂ. 22 હજાર ભરીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેની પહોંચ પણ પ્રકાશે આપી હતી.

ત્યારબાદ પંકજ કુમારે લગ્નના આગળના દિવસે પેમ્પલેટમાં આપેલ સરનામા પર જઇને તપાસ કરતા ત્યાં કોઈ લગ્નની તૈયારી કરવામાં આવી રહી ન હતી. ત્યારે રજિસ્ટ્રેશન કરાવેલ અન્ય લોકો પણ ત્યાં આવ્યા હતા. જે બાદ પ્રકાશને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. જેથી તમામને તેમની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થઈ હતી. આમ ગઠિયાએ કુલ રૂ. 24.86 લાખની ઠગાઈ કરી હતી. આ અંગે પંકજ કુમારે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પ્રકાશ સામે છેતરપિંડીની ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: કન્યાદાન નહીં, કન્યાએ સમાજને રૂ. 2 લાખનું દાન કર્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.