NEET માં 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ, ફરી પરીક્ષા આપવી પડશે

નીટની પરીક્ષામાં ઘાલમેલના આરોપો વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોટો નિર્ણય કરીને ગ્રેસ માર્ક્સ પરત ખેંચી લીધા છે.

NEET માં 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ, ફરી પરીક્ષા આપવી પડશે
all image credit - Google images

NEET ની પરિક્ષામાં થયેલી ઘાલમેલના આરોપો વચ્ચે પરીક્ષા યોજતી સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોટું પગલું ભરીને 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્‌સ પાછા ખેંચ્યા છે. આ સાથે જ આ વિદ્યાર્થીઓનો નીટ સ્કોરકાર્ડ રદ કર્યો છે. આ એ વિદ્યાર્થીઓ છે જેમને નીટ ગ્રેસ માક્‌ર્સ આપવામાં આવ્યા હતા. હવે તેમણે ફરી પરીક્ષા આપવી પડશે.

એનટીએએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે આ ૧૫૬૩ વિદ્યાર્થીઓ માટે ફરીથી નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ૩૦ જૂન પહેલા આ રિ-નીટ એક્ઝામનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. આ ૧૫૬૩માંથી જે ફરીથી પરીક્ષા નહીં આપે તેમને ગ્રેસ માર્ક્‌સ મળશે નહીં. એનટીએ તરફથી કહેવાયું છે કે ૧૫૬૩ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ૨૩ જૂને આયોજિત કરાશે અને ૩૦ જૂન સુધીમાં પરિણામ જાહેર કરી દેવાશે. ૧૫૬૩ વિદ્યાર્થીઓના નીટ પરિણામ રદ થવાની અને તેના માટે નીટ રી એક્ઝામ થયા બાદ ફાઈનલ સ્કોરની અસર સમગ્ર નીટ મેરિટ યાદી પર પડશે. આ વિદ્યાર્થીઓના માર્ક્‌સ બદલાતા તેમની નીટ ઓલ ઈન્ડિયા રેન્કિંગ પણ બદલાશે. આ સાથે જ આખી નીટ ૨૦૨૪ મેરિટ લીસ્ટ પણ બદલાઈ જશે. જેનાથી લાખો બાળકોના રેન્કિંગ પર અસર પડશે. આવામાં એટીએએ ફરીથી નીટ રેક લીસ્ટ ૨૦૨૪ બહાર પાડવાની જરૂર પડશે. 

આ પણ વાંચો: JAI BHIM Donors Clubની જય હો! NEETની તૈયાર કરતા ગરીબ વિદ્યાર્થીની ફી ભરી આપી

જો કે સુપ્રીમ કોર્ટે નીટ કાઉન્સિલિંગ ૨૦૨૪ પર રોક લગાવી નથી. નીટ યુજી કાઉન્સિલિંગમાં કોઈ અડચણ ન આવે આ માટે જેમ બને તેમ જલદી નીટ પરીક્ષા ફરીથી લેવાઈ રહી છે અને એક અઠવાડિયાની અંદર પરિણામની ડેટ પણ નક્કી કરી દેવાઈ છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે ફરીથી કાઉન્સિલિંગ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે ૪ જૂનના રોજ નીટના પરિણામ બાદ દાખલ અરજીઓ પર એનટીએને નોટિસ પાઠવી. કોર્ટે કહ્યું કે આ અરજીઓ પર પહેલેથી પેન્ડિંગ અરજીઓ સાથે ૮ જુલાઈએ સુનાવણી થશે. જો પરીક્ષા કેન્સલ થાય તો પછી બધી ચીજો કેન્સલ થઈ જશે તેથી ચિંતાની કોઈ વાત નથી. 

ઉલ્લેખનીય છે કે નીટ પ્રવેશ પરીક્ષામાં મોટી સંખ્યામાં ઉમેદવારોના સારા પ્રદર્શન પર હંગામો મચ્યો છે. હંગામો એ વાતનો છે કે ૬૭ ઉમેદવારોએ ૭૨૦માંથી ૭૨૦ નો સ્કોર કર્યો છે. આજે કોર્ટે નીટ કાઉન્સિલંગ પર રોક લગાવવાની ના પાડી દીધી. એમબીબીએસ, બીડીએસ અને અન્ય કોર્સિસમાં પ્રવેશ માટે કાઉન્સિલિંગ ૬ જુલાઈથી શરૂ થશે. ૪ જૂનના રોજ એજન્સીએ  નીટ યુજી ૨૦૨૪ ના પરિણામ જાહેર કર્યા હતા અને માર્કિંગ સ્કીમ પર ચિંતા જતાવી હતી. સુપ્રીમ કોર્ટમાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા દાખલ એક રિટ અરજીમાં પેપર લીકના આરોપોમાં પરીક્ષાની સેન્ટિટી પર શંકા ઉઠાવવામાં આવી હતી અને કોર્ટને તેને રદ કરવા તથા એનટીએને પરીક્ષા ફરીથી આયોજિત કરવા માટે નિર્દેશ આપવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: રૂ. 10 લાખ આપો અને NEET ની પરીક્ષા સારા માર્કે પાસ કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.