સુપ્રીમ કોર્ટે 'હમારે બારહ' ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કર્યો

સુપ્રીમ કોર્ટે અન્નુ કપૂરની વિવાદાસ્પદ ફિલ્મ ‘હમારે બારાહ’ ની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. વાંચો સર્વોચ્ચ અદાલતે શું આદેશ કર્યો.

સુપ્રીમ કોર્ટે 'હમારે બારહ' ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કર્યો
image credit - Google images

સુપ્રીમ કોર્ટે અન્નુ કપૂરની વિવાદાસ્પત ફિલ્મ 'હમારે બારહ' ની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ૭ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ લઘુમતી સમાજને લઈને વિવાદાસ્પદ વિષય પર વાત કરતી હોવાના વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મમાં વસ્તી વધારા માટે મુસ્લિમોને દોષી ઠેરવવા માટે કુરાનની આયાતોને વિકૃત કર્યા હોવાના અહેવાલ છે. કોમી તણાવને રોકવા માટે દેશના ઘણાં ભાગોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. રિલીઝ પર પ્રતિબંધ બાદ ફિલ્મના નિર્માતાઓની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. 

સુપ્રીમ કોર્ટે જ્યાં સુધી બોમ્બે હાઈકોર્ટ ફિલ્મમાં વાંધાજનક દ્રશ્યો અંગેના કેસની સુનાવણી અને નિકાલ ન કરે ત્યાં સુધી ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, "હાઈકોર્ટ સમક્ષ અરજીના નિકાલ સુધી સંબંધિત ફિલ્મનું પ્રદર્શન સ્થગિત રહેશે."

ગયા અઠવાડિયે બોમ્બે હાઈકોર્ટે અન્નુ કપૂરની ફિલ્મની સમીક્ષા કરવા માટે મુસ્લિમ સમુદાયના એક વ્યક્તિ સહિત સ્વતંત્ર વ્યક્તિઓની ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે ફિલ્મની રિલીઝ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો અને નિર્માતાઓને સોશિયલ મીડિયા પરથી ટ્રેલર હટાવવાનો આદેશ આપ્યો હતો. ફિલ્મની રિલીઝ ૧૪ જૂન સુધી મુલતવી રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: ભારતની પહેલી દલિત અભિનેત્રીએ ફિલ્મમાં એક સવર્ણ મહિલાનું પાત્ર ભજવ્યું તો જાતિવાદીઓએ તેનું ઘર સળગાવી નાખ્યું!

ઉલ્લેખનીય છે કે અગાઉ અન્નુ કપૂર અને ફિલ્મના અન્ય કલાકારોને સોશિયલ મીડિયા પર બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ મુંબઈ પોલીસ પાસે સુરક્ષા આપવાની વિનંતી કરી હતી. અભિનેતાએ એક વિડિયોમાં કહ્યું હતું કે, "ફિલ્મ મહિલા સશક્તિકરણની હિમાયત કરે છે અને મહિલાઓના અધિકારો વિશે વાત કરે છે. પહેલા ફિલ્મ જુઓ અને પછી તમારો નિર્ણય જણાવો. લોકોને સોશિયલ મીડિયા પર તેમના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે પરંતુ તેનો દુરૂપયોગ ન કરવો જોઈએ."

જો કે આ ફિલ્મને પણ લોકો ચોક્કસ પક્ષ દ્વારા મુસ્લિમ સમાજને બદનામ કરવાના કોમવાદી એજન્ડા તરીકે જોઈ રહ્યા છે. અગાઉ આવી જ કેટલીક ફિલ્મોએ વિવાદ ઉભો કર્યો હતો. જેમાં ધ કશ્મીર ફાઈલ્સ, 72 હુર્રે, ધ કેરાલા સ્ટોરીનો સમાવેશ થાય છે. લોકો હવે આ પ્રકારની ફિલ્મોનો એજન્ડા સમજી ચૂક્યા હોવાથી તેમને આ રીતે ચર્ચામાં રહી હોવા છતાં બોક્સ ઓફિસ પર સફળ થવા દેતા નથી.

આ પણ વાંચો: કર્ણાટક સરકારે અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’ની રિલીઝ પર સ્ટે મૂક્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.