બિલકિસ બાનો કેસના દોષિતોએ સુપ્રીમ કોર્ટમાંથી અરજી પરત ખેંચી
બિલકિસ બાનો કેસના આરોપીઓએ તેમની મુક્તિને રદ કરવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવી પડી છે.
સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસના તમામ 11 દોષિતોની સજામાફીને રદ કરી દીધી હતી. ત્યારબાદ બે આરોપીઓએ આ નિર્ણયને પડકાર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કરી દેતા દોષિતોએ પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. આ કેસમાં દોષી ભગવાનદાસ અને રાધેશ્યામ શાહ પાસે હજુ પણ નિર્ણય વિરુદ્ધ રિવ્યૂ પિટિશન દાખલ કરવાનો વિકલ્પ છે.
બંને દોષિતોએ આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો અને જણાવ્યું હતું કે સમાન જજોની બે બેંચોએ ગુજરાત સરકારના નિર્ણય પર અલગ અલગ મત વ્યક્ત કર્યો છે. દોષિતોએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટની જ એક બેંચે મહારાષ્ટ્ર સરકારને યોગ્ય માની હતી અને બીજી બેંચે ગુજરાત સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. આવી સ્થિતિમાં સરકારનો ક્યો નિર્ણય યોગ્ય રહેશે તે સ્પષ્ટ કરવું જોઈએ.
દોષિતોએ તેમની અરજીમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહવું જોઈએ કે ન્યાયધીશોની સમાન બેંચ દ્વારા આપવામાં આવેલા બે વિરોધી ચૂકાદાઓમાંથી ક્યા ચૂકાદાનો અમલ કરવામાં આવશે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ચૂકાદો વિરોધાભાસી છે અને તેથી તેને મોટી બેંચને મોકલવામાં આવે. જો કે, સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. એ પછી દોષિતોએ તેમની અરજી પરત ખેંચી લીધી હતી.
આ પણ વાંચો: જ્યારે 7 વર્ષના એ બાળક સામે તેના પરિવારને જીવતો સળગાવી દેવાયો!
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને પલટી નાખ્યો હતો અને ગુજરાત સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. ગુજરાત સરકારને ગુનેગારોને માફી આપવાનો અધિકાર નથી, આ અધિકાર મહારાષ્ટ્ર સરકાર પાસે હતો. કોર્ટે કહ્યું હતું કે, આ ઘટના ભલે ગુજરાતમાં બની હોય પણ તેની સમગ્ર સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ તમામ ગુનેગારોએ આત્મસમર્પણ કર્યું હતું અને ફરીથી જેલમાં જવું પડ્યું હતું.
શું છે બિલકિસ બાનો કેસ?
વર્ષ 2002માં ગુજરાતમાં ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો દરમિયાન 3 માર્ચના રોજ દાહોદના રણધિકપુર ગામમાં બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. તે સમયે બિલકિસ બાનો ગર્ભવતી હતી તેમ છતાં આરોપીઓએ તેના પર બળાત્કાર કર્યો હતો. આ કેસમાં રાધેશ્યામ શાહ, ગોવિંદ નાઈ, કેસર વહોનિયા, જસવંત નાઈ, બકા વહોનિયા, શૈલેષ ભટ્ટ, બિપિન જોષી, રાજુ સોની, રમેશ ચંદના, પ્રદીપ મોઢીયા અને મિતેષ ભટ્ટ સામે ગુનો નોંધાયો હતો.
તમામ આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી. પહેલા અમદાવાદની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી પરંતુ બિલકિસ બાનોએ કહ્યું કે અહીં સાક્ષીઓને ધમકાવવામાં આવી રહ્યાં છે અને પુરાવાઓ સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એ પછી કેસ મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. વર્ષ 2008માં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે 7 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા, આ સિવાય એકનું મોત થયું હતું.
2022માં ગુજરાત સરકારે આ 11 આરોપીઓને બરાબર 15મી ઓગસ્ટના આઝાદી દિને 1992ની માફી નીતિ મુજબ ગોધરા સબ જેલમાંથી મુક્ત કર્યા હતા. આ નિર્ણયને બિલકિસ બાનોએ પડકાર્યો હતો. એ પછી સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને પલટી નાખ્યો હતો અને તમામ 11 આરોપીઓને ફરી જેલમાં ધકેલી દીધા હતા.
આ પણ વાંચો: Bilkis Bano case ના આરોપીઓએ ફરી જેલમાં જવું પડશે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને પલટાવ્યો