Bilkis Bano case ના આરોપીઓએ ફરી જેલમાં જવું પડશે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને પલટાવ્યો
ચકચારી બિલકિસ બાનો કેસના આરોપીઓને છોડી મૂકવા મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં કોર્ટે પોતાનો નિર્ણય આજે જાહેર કર્યો છે. વાંચો વિસ્તૃત રિપોર્ટ.
Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટે આજે ચકચારી બિલકિસ બાનુ કેસના આરોપીઓને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે તમામ 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને પણ પલટાવી નાખીને આ ચૂકાદો આપ્યો હતો. સાથે જ સુપ્રીમ કોર્ટે આ કેસમાં પીડિતાની અરજીઓ મંજૂર કરવાની સાથે તેની સાથે કરવામાં આવેલી જાહેર હિતની અરજીઓને પણ મંજૂર કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સજામાં છૂટછાટ પર વિચાર કરવા સક્ષમ છે. સંસદે આ સત્તા રાજ્ય સરકારને આપી હતી. આ કેસની સુનાવણી અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સજાની માફી રદ કરવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે, અમારા તારણો મે 2022ના કોર્ટના આદેશ પર આધારિત છે. પ્રતિવાદી સંખ્યા ત્રણ એ જાહેર કર્યું ન હતું કે ગુજરાત હાઈકોર્ટે CrPCની કલમ 437 હેઠળ તેમની અરજી ફગાવી દીધી હતી. પ્રતિવાદી સંખ્યા ત્રણ એ પણ જાહેર કર્યું ન હતું કે સમય પહેલા મુક્તિની અરજી ગુજરાતમાં નહીં પણ મહારાષ્ટ્રમાં દાખલ કરવામાં આવી હતી. મહત્વના તથ્યો છુપાવીને અને ભ્રામક થથ્યો ઊભી કરીને દોષિતો તરફથી ગુજરાત સરકારને માફી પર વિચાર કરવા માટે નિર્દેશ આપવાની માગણી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે. ખંડપીઠે ગયા વર્ષે 12 ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસની કોર્ટમાં સતત 11 દિવસ સુધી સુનાવણી ચાલી. સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારોએ ગુનેગારોની સજા માફી સંબંધિત મૂળ રેકોર્ડ રજૂ કર્યા હતા. ગુજરાત સરકારે દોષિતોને માફ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુનેગારોની સમય પહેલા મુક્તિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જો કે, કોર્ટે કહ્યું હતું કે તે સજા માફીની વિરુદ્ધ નથી, પરંતુ તે સ્પષ્ટ થવું જોઈએ કે દોષિત કેવી રીતે માફી માટે પાત્ર બન્યો. અગાઉ 30 સપ્ટેમ્બર 2022ના રોજ સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે શું દોષિતોને માફી માગવાનો મૌલિક અધિકાર છે? આ અધિકાર પસંદગીપૂર્વક આપવો જોઈએ નહીં.
શું છે બિલકિસ બાનો કેસ?
વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારના સાત લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે બિલકિસ બાનોની ઉંમર માત્ર 21 વર્ષ હતી. 21 જાન્યુઆરી 2008ના રોજ CBIની વિશેષ અદાલતે 11 લોકોને દોષી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી હતી. 15 ઓગષ્ટ 2022ના રોજ ગુજરાત સરકારે તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા. એ વખતે ગોધરા કોર્ટની બહાર આરોપીઓને હારતોરા કરવામાં આવ્યા હતા અને તેમનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. આ ઘટનાની ગુજરાત સહિત દેશભરમાં નોંધ લેવાઈ હતી. લોકતંત્ર અને માનવતામાં વિશ્વાસ ધરાવતા અનેક લોકોએ સરકારના આ નિર્ણયની ટીકા કરી હતી. બિલકિસ બાનુએ સરકારના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી અને સુપ્રીમ કોર્ટે તમામ 11 દોષિતોને ફરી જેલમાં ધકેલી દેવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ 2023 માં મહિલાઓ વિરુદ્ધ 28,811 ગુના નોંધાયા, 55 ટકાથી વધુ આ એક રાજ્યમાંથી આવ્યા