મળો કર્ણાટકની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઓટો-રિક્ષા ડ્રાઈવરને...
વાંચો 'ડેક્કન હેરાલ્ડ ચેન્જમેકર 2024' એવોર્ડ વિજેતા એક એવી વ્યક્તિને ટ્રાન્સ કોમ્યુનિટી પ્રત્યેની રૂઢિચુસ્ત માનસિકતાને પડકારીને નોખો ચિલો ચાતર્યો.

સિનેમા હોય કે વાસ્તવિકતા, આપણે સમાજના મુખ્ય પ્રવાહ સાથે ટ્રાન્સજેન્ડર સમાજના લોકોનું જોડાણ ન તો જોઈએ છીએ અને ન બતાવવામાં આવે છે. સમાજે તેમને હંમેશા હાંસિયામાં ધકેલી દીધા છે, જ્યાં તેઓ આર્થિક સંકડામણને કારણે ભીખ માંગવા જેવું કામ કરવા મજબૂર છે. પરંતુ આ બધા પડકારોને પાર કરીને કર્ણાટકની એક ટ્રાન્સ મહિલા આત્મનિર્ભર બની અને ઓટો ડ્રાઈવર બની અને આજે હજારો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી લઈ જઈ રહી છે.
કાવેરી મેરી ડિસોઝાને કર્ણાટકની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઓટો-રિક્ષા ડ્રાઈવર બનવાનું ગૌરવ મળ્યું છે. તેણે સમાજની રૂઢિચુસ્ત વિચારસરણી અને ટ્રાન્સ કોમ્યુનિટી પ્રત્યેની રૂઢિચુસ્ત માનસિકતાને પડકારી એક અલગ રસ્તો પસંદ કર્યો, જે આજે પ્રેરણાનું પ્રતીક બની ગયો છે. સમાજને નવી દિશા આપતા કાવેરી કહે છે કે અમને બદલવા માટે કહેવામાં આવે છે. સત્ય એ છે કે અમે ઘણા સમય પહેલા બદલાઈ ચૂક્યા છીએ. હવે તમારો દ્રષ્ટિકોણ બદલવાનો સમય છે. આ વાક્ય તેમના સંઘર્ષ અને સફળતાની વાર્તાને સંપૂર્ણ રીતે વર્ણવે છે. ઉડુપીના એક નાનકડા ગામ પેથરીમાં જન્મેલી કાવેરીએ પોતાના કપરા પરિસ્થિતિને તાકાત બનાવી તાકાત બનાવી અને સખત મહેનત દ્વારા પોતાનું ભાગ્ય જાતે જ લખ્યું.
નાનપણમાં રૂ. 20 સાથે ઘર છોડ્યું
કાવેરીનો જન્મ ઉડુપીના પેથરીમાં સ્ટેની ડિસોઝા તરીકે થયો હતો. બાળપણમાં ભારે ગરીબીમાં ઉછેર થયો. બાળપણથી જ તેને લાગતું હતું કે તે એક સ્ત્રી જેવી લાગે છે. તેથી 10મા ધોરણના અભ્યાસ દરમિયાન તેણે માત્ર 20 રૂપિયા સાથે ઘર છોડવું પડ્યું અને ત્રણ મહિના માટે સુરથકલની હોટલમાં કામ કરવાનું શરૂ કર્યું.
કાવેરી કહે છે કે, મને આ કામ કરતી વખતે અપરાધ બોધ થતો હતો, કારણ કે મારી લાગણીઓને સમજવાવાળું કોઈ નહોતું. એ પછી તે હોટલની નોકરી છોડીને મૈસુર જતી રહી. ત્યાં તે કોઈને ઓળખતી ન હતી. તેથી બસ સ્ટોપ જ તેનું ઘર બની ગયું હતું. આ મુશ્કેલ સમયમાં, તે મંદિરોમાં અથવા લગ્નોમાં આપવામાં આવતા ભોજનથી પેટ ભરતી હતી.
આ ક્રમ લગભગ ત્રણ મહિના સુધી ચાલ્યો. ત્યારે જ એક દિવસ તેણે બસ સ્ટેન્ડ પાસે ટ્રાન્સ કોમ્યુનિટીના કેટલાક લોકોને જોયા અને ત્યાંથી તે NGO ગ્રુપ 'Geleya'ના સંપર્કમાં આવી. એ લોકો તેને બેંગ્લોર લઈ ગયા અને રહેવા માટે જગ્યા આપી. બેંગલુરુમાં, કાવેરીને સમજાયું કે ટ્રાન્સજેન્ડર સમુદાયના મોટાભાગના લોકો કાં તો ભીખ માંગે છે અથવા સેક્સ વર્કમાં જોડાવાની ફરજ પાડવામાં આવે છે. તેણે પણ તેના જીવનના પ્રારંભિક તબક્કામાં આ અપનાવ્યું હતું પરંતુ ટૂંક સમયમાં જ તેને સમજાયું કે તે પોતાની જિંદગીને પોતાના દમ પર બદલી શકે છે.
સર્જરી કરાવી નવી ઓળખ તરફ કદમ માંડ્યાં
નોકરીની થોડી ઓછી સલામતી અને ઘરના આરામ ના અભાવે ઘરે પાછા ફરવાનો વિચાર તેના મનમાં ઘર કરી ગયો અને તે ઘરે પરત ફરી. જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે આખું ગામ ભેગું થઈ ગયું હતું. કેટલાક લોકો રડતા હતા, કેટલાકે તેને સ્વીકારી, કેટલાકે નકાર્યો. કાવેરી કહે છે, અમારી કોમ્યુનિટીમાં એક નિયમ છે કે સેક્સ-રિ-અસાઇનમેન્ટ સર્જરી માટે આપણે જાતે પૈસા કમાવા પડે છે. તેણે પણ આકરી મહેનત કરીને પૈસા ભેગા કર્યા અને પોતાની સર્જરી કરાવી. આ પરિવર્તને તેને તેના સમાજમાં એક નવી ઓળખ આપી.
સ્વાસ્થ્ય સમસ્યાઓ વચ્ચે ઓટો ડ્રાઈવર બનવાની સફર
બેંગલુરુમાં કામ કરતી વખતે કાવેરીને ટીબી થયો, જેમાંથી તેને સાજા થવામાં બે વર્ષ લાગ્યાં. આ સમય દરમિયાન તેના સમાજ અને મિત્રોએ તેનાથી અંતર જાળવ્યું. માત્ર તેના માતા-પિતા અને કેટલાક નજીકના લોકો તેની પડખે ઉભા હતા. તેના સમાજના બે વડાઓ, મેઘા અમ્મા અને પ્રેમાએ કાવેરીની સારવારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્વસ્થ થયા પછી કાવેરીએ ઘણી નોકરીઓ માટે અરજી કરી, પરંતુ તે ટ્રાન્સજેન્ડર હોવાને કારણે વારંવાર અસ્વીકારનો સામનો કરવો પડ્યો. પછી તેણે ઓટો ચલાવવાનું નક્કી કર્યું. તેણે બેંગલુરુમાં એક પાડોશી પાસેથી ઓટો ચલાવવાનું શીખી અને પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે સમૃદ્ધિ મહિલા મંડળીની મદદ લીધી. આ સંસ્થાએ તેને આર્થિક મદદ કરી, જેની મદદથી તેણે પોતાની ઓટો-રિક્ષા ખરીદી.
કાવેરીનું નવું જીવન અને પ્રેરણા
હવે કાવેરી તેના ગામ પેથરીમાં ઓટોરિક્ષા ચલાવે છે. તેનું જીવન સ્થિર છે અને તે તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. કાવેરીને 'ડેક્કન હેરાલ્ડ ચેન્જમેકર 2024' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કાવેરીનું સપનું છે કે તેનું પોતાનું ઘર હોય અને તે એક બાળકની માતા બને. તે એક બાળકને દત્તક લેવા અને તેને શિક્ષિત કરીને સફળ બનાવવા માંગે છે.
કાવેરી કહે છે કે, જરૂરી નથી કે દરેક ટ્રાન્સ વ્યક્તિ ઓટો ચલાવે. દરેક વ્યક્તિએ પોતાની પસંદગીનું કામ કરવું જોઈએ. કાવેરી મેરી ડિસોઝાએ સમાજની ધારણાઓને તોડીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમનો સંઘર્ષ અને આત્મનિર્ભરતા માત્ર ટ્રાન્સજેન્ડર સમુદાય માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. કાવેરીનું જીવન આપણને શીખવે છે કે જો હિંમત અને નિશ્ચય હોય તો પરિવર્તન શક્ય છે.
આ પણ વાંચો: ઝારખંડની હેમંત સોરેન સરકારે પહેલીવાર ટ્રાન્સજેન્ડરને સરકારી નોકરી આપી