મેઘાણીનગરમાં બજરંગદળે લઘુમતી સમાજના 15 યુવકોના મકાનો ખાલી કરાવ્યા
સ્થાનિકોએ બજરંગદળને લઘુમતી કોમના યુવકો ગેરકાયદે વસવાટ કરતા હોવાનું જણાવતા 100 જેટલા કાર્યકરોએ પોલીસને સાથે રાખી ઘર ખાલી કરાવ્યા.

અમદાવાદના મેઘાણીનગરમાં ગઈકાલે બજરંગદળના કાર્યકરોએ અહીં ભાડાના મકાનોમાં રહેતા 15 જેટલા લઘુમતી સમાજના યુવકોને મકાન ખાલી કરાવ્યા હતા. આ યુવકો ભાડા કરાર કર્યા વિના અહીં રહેતા હતા. સ્થાનિકોમાંથી કોઈએ બજરંગ દળને આ ઘટનાની જાણ કરી દેતા તેમણે આ મામલો ઉપાડી લીધો હતો. એ પછી બજરંગ દળના 100 જેટલા કાર્યકરોએ પોલીસની ટીમ સાથે આ યુવકોના ઘરે પહોંચી ગયા હતા અને મકાન ખાલી કરાવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર આવેલી ભગવતી સ્કૂલની સામે શ્યામનગરની ચાલી આવેલી છે. જ્યાં ચાર મકાનમાં 15થી વધુ લઘુમતી કોમના યુવકો ભાડા કરાર વગર રહેતા હતા. તમામ યુવકો દિવસ દરમિયાન કામ પર જતા હતા અને રાત્રે આવીને સુઈ જતા હતા. તેમના તરફથી સ્થાનિકોને કોઈ જ સમસ્યા નહોતી. જો કે, કોઈને તેમની આ શાંતિ પર શંકા ગઈ જતા તેણે તપાસ કરી હતી. જેમાં આ તમામ યુવકો લઘુમતી કોમના હોવાનું અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે બજરંગદળના કાર્યકરો સુધી આ મામલો પહોંચી ગયો હતો. એ પછી તેમણે તરત પોલીસને જાણ કરીને તાત્કાલિક આ યુવકોના ઘર ખાલી કરાવી દેવા માટે કાર્યવાહી કરાવી હતી.
ગઈકાલે ગુરુવારે રાત્રે બજરંગદળના 100 થી વધુ કાર્યકર્તાઓ પોલીસની ટીમને લઈને ભાર્ગવ રોડ પર આવેલી શ્યામનગરની ચાલીમાં પહોંચી ગયા હતા અને ચારેય મકાનોમાં ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન યુવકો લઘુમતી કોમના હોવાથી તેમને મકાન ખાલી કરી દેવા માટેની વિનંતી કરી હતી. માહોલ ગરમાય નહીં તે માટે તમામ યુવકોએ પોતાનો સામાન બાંધીને શાંતિથી રિક્ષામાં બેસીને જતા રહ્યા હતા.
આ તમામ યુવકો મકાન ખાલી કરીને જતા રહેતાની સાથે જ બજરંગ દળના કાર્યકરોએ જયશ્રી રામના નારાઓ લગાવ્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓએ ભાડા કરાર કર્યા વગર મકાન ભાડે આપનાર બે લોકો વિરૂદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. બીજી તરફ બજરંગ દળે આ વિસ્તારમાં જો હજુ પણ લઘુમતી કોમના યુવકો રહેતા હોવાનું જાણવા મળશે તો તેમના પર પણ કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો: બજરંગ દળના કાર્યકરોએ દલિત પ્રોફેસરને ઓફિસમાં ઘૂસી માર્યા