પાકિસ્તાનની દુર્દશા વચ્ચે એક દલિત દીકરીએ ઈતિહાસ રચ્યો

પાકિસ્તાનને લઈને ભારતમાં મોટાભાગે નકારાત્મક સમાચારો જ આવતા હોય છે, પણ અહીં એક દલિત દીકરી સમાજ માટે આશાનું કિરણ બની ગઈ છે.

પાકિસ્તાનની દુર્દશા વચ્ચે એક દલિત દીકરીએ ઈતિહાસ રચ્યો
image credit - Google images

પાકિસ્તાન વિશે ભારતના મીડિયામાં જેટલા પણ સમાચારો આવે છે તે મોટાભાગે તેની દુર્દશા અને ખાસ તો ભારતના લોકોને 'જુઓ જુઓ, પાકિસ્તાનમાં કેવી ખરાબ સ્થિતિ છે, ભારતમાં તેના જેવું તો નથી ને?' એ પ્રકારના વિચારો આપણા મગજમાં ઘૂસાડવા માટે બતાવાતા હોય છે. આડકતરી રીતે આ સમાચારો "વર્તમાન કેન્દ્ર સરકાર સારું કામ કરી રહી છે અને પાકિસ્તાન કરતા આપણે ત્યાં સારી સ્થિતિ છે" એવું સાબિત કરવા માટે બતાવાતા હોય છે. પાકિસ્તાનની મોંઘવારી, ભૂખમરો, કટ્ટરતા, બેકારી, બેરોજગારી જેવા મુદ્દાઓ ભારતના ગોદી મીડિયા માટે વડાપ્રધાન મોદી અને તેમની સરકારનો બચાવ કરવાનો મોટો મસાલો પુરો પાડે છે. તેના પર જ 24 કલાક ચાલતી ન્યૂઝ ચેનલોના અનેક સ્લોટ ભરાય છે. 

સ્વાભાવિક છે કે, ચોવીસ કલાક સરકારના બચાવમાં કામ કરીને પોતાનો સ્વાર્થ સાધતી ગોદી ચેનલો માટે એક દલિત સમાજની દીકરી પોતાના દમખમ પર પાકિસ્તાન સહિત દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચે તે સમાચાર ન્યૂઝ વેલ્યૂની રીતે પણ કોઈ કામની નથી. અને એટલે જ આપણે અહીં તેની વાત કરવી છે.

પાકિસ્તાનમાં લઘુમતી હિંદૂઓની સંખ્યા અંદાજે 22.10 લાખ આસપાસ છે, જે પાકિસ્તાનની કુલ વસ્તીના અંદાજે 1.18 ટકા થવા જાય છે. પાકિસ્તાનમાં આ વસ્તીનો મોટાભાગનો હિસ્સો ગરીબ છે અને એટલે દેશની સંસ્થાઓમાં તેમના પ્રતિનિધિઓ પણ ખૂબ ઓછા છે.

આવી સ્થિતિમાં આ મર્યાદિત ગરીબ વસ્તીમાંથી કોઈ વ્યક્તિ ઉપર આવીને કંઈક સફળતા મેળવે તો એ પાકિસ્તાન માટે ઐતિહાસિક ક્ષણ બની જાય છે. આવું જ કંઈક અહીંના સિંધ પ્રાંતના થારની રહેવાસી કૃષ્ણાકુમારી કોળી સાથે બન્યું છે. પાકિસ્તાનમાં સેનેટેર (રાજ્યસભા સાંસદ) તરીકે પસંદગી પામનાર તે પહેલી દલિત મહિલા છે.

આ પણ વાંચો: અર્વાચીન ઈતિહાસના બે સત્યાગ્રહો, જે માનવાધિકાર માટે લડાયા હોવા છતાં યાદ કરાતા નથી

45 વર્ષની ક્રિષ્ના કુમારી કોળી બિલાવલ ભુટ્ટો જરદારીની પાકિસ્તાન પિપલ્સ પાર્ટી ઉર્ફે પીપીપીમાંથી સેનેટમાં ચૂંટાયેલી છે. પાકિસ્તાનના ધ ડૉન સમાચારપત્ર મુજબ ક્રિષ્ના કુમારી સિંધ પ્રાંતની મહિલાઓ માટેની અનામત સીટ પરથી જીતી છે. તેણે અહીં તાલીબાન સાથે જોડાયેલા એક મૌલાનાને હરાવ્યા છે.

સેનેટમાં ક્રિષ્નાનું ચૂંટાવું પાકિસ્તાનની મહિલાઓ અને લઘુમતીઓના અધિકારો માટે મહત્વનું માનવામાં આવે છે. ક્રિષ્ના કુમારી સિંધ પ્રાંતના થારથી અલગ પડેલા નગરપારકર જિલ્લામાં રહે છે. તેના પિતા એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા. 
1979માં જન્મેલી ક્રિષ્નાના લગ્ન સોળ વર્ષની ઉંમરે થઈ ગયા હતા. એ સમયે તે નવમા ધોરણમાં ભણતી હતી. જો કે, તેણે લગ્ન પછી પણ પોતાનું ભણતર ચાલું રાખ્યું હતું અને વર્ષ 2013માં સિંધ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી.

ક્રિષ્ના તેના ભાઈ સાથે એક્ટિવિસ્ટ તરીકે પીપીપીમાં જોડાઈ હતી. તેણે થારમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. ક્રિષ્ના સ્વાતંત્ર્યસેનાનીઓના પરિવારમાંથી આવે છે. ક્રિષ્ના માને છે કે, તેના માટે આ બધું હજુ પણ એક સપના જેવું છે. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તે કદી સેનેટર બનશે. તે તો ભણીગણીને કોઈ નોકરી મેળવીને સમાજની સેવા કરવા માંગતી હતી, ત્યારે તેણે કદી વિચાર્યું નહોતું કે સેનેટરી બની જઈશ. 

ઉલ્લેખનીય છે કે, રીટા ઈશ્વરલાલ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી(લોકસભા સાંસદ)ની પહેલી હિંદુ મહિલા સભ્ય હતી. તે વર્ષ 2013માં સિંઘની એનએ-319 સીટ પરથી ચૂંટાઈ આવી હતી જે મહિલાઓ માટે અનામત હતી. વર્ષ 2006થી 2012 સુધી રત્ના ભગવાદાસ ચાવલા પાકિસ્તાનની પહેલી હિંદુ મહિલા સેનેટર હતી, પણ તે દલિત સમાજમાંથી નહોતી. ક્રિષ્નાકુમારી દલિત સમાજમાંથી આવતી પહેલી સેનેટર છે અને તે વર્ષ 2018થી આ પદ પર કાર્યરત છે.

આ પણ વાંચો: ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.