રાત્રે ટોઈલેટ જવા નીકળ્યાં હતા, સવારે દલિત આધેડની હત્યા કરેલી લાશ મળી

એક ગામમાં દલિત મજૂર રાત્રે ટોઈલેટ જવા નીકળ્યો હતો, મોડે સુધી ઘરે પરત ન ફર્યો અને સવારે તેમના ઘર પાસે જ તેમની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી છે.

રાત્રે ટોઈલેટ જવા નીકળ્યાં હતા, સવારે દલિત આધેડની હત્યા કરેલી લાશ મળી
image credit - Google images

સાવ સામાન્ય પરિસ્થિતિમાં જ્યારે કોઈ દલિત વ્યક્તિનું અચાનક મોત થઈ જાય ત્યારે સમજી જવું કે મામલો દેખાય છે એટલો સામાન્ય નથી. એમાં પણ એ વ્યક્તિ જ્યારે ખેતમજૂર હોય, કોઈ વ્યસન ન હોય, કોઈની સાથે તેની દુશ્મની ન હોય ત્યારે મામલો વધારે પેચિદો બની જતો હોય છે.

આવી જ એક ઘટના સામી આવી છે. જેમાં એક દલિત વ્યક્તિ મોડી રાત્રે ટોઈલેટ જવા માટે તેના ઘરેથી નીકળી હતી, પણ પછી પરત આવી નહોતી અને વહેલી સવારે તેમના ઘર પાસે જ તેમની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

મામલો ગુનાખોરી માટે કુખ્યાત બિહારનો છે. અહીં પાટનગર પટનાના ગૌરીચક પોલીસ સ્ટેશનના કંડાપ ગોપાલપુરા ગામમાં ઘટના બની છે. જ્યાં એક દલિત આધેડની અજાણ્યા શખ્સોએ માર મારીને હત્યા કરી નાખી હતી અને લાશ તેમના ઘર નજીક ફેંકી દીધી હતી.

આ ઘટના બાદ આ નાનકડામાં ગામમાં ભયનો માહોલ છે અને લોકો પોતપોતાના ઘરમાં ભરાઈને બેસી ગયા છે. પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને લાશનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસનું માનવું છે કે, મામલો હત્યાનો છે અને તેઓ કોઈ કડી શોધીને આરોપીઓને પકડવા મથી રહી છે.

મૃતક દલિત શખ્સનું નામ વીરેન્દ્ર દાસ હતું અને તેઓ એક ગરીબ મજૂર હતા. આખા ગામમાં તેમની ઓળખ એક સજ્જન વ્યક્તિ તરીકેની હતી. ગામલોકો અને તેમના પરિવારજનોનું કહેવું છે કે, તેમને કોઈની સાથે દુશ્મની પણ નહોતી અને તેઓ કોઈ નશો પણ નહોતા કરતા. ગઈકાલે મોડી રાત્રે તેઓ ટોઈલેટ જવા માટે નીકળ્યા હતા. એ પછી તેઓ સવાર સુધી ઘરે પરત આવ્યા નહોતા. સવારે સૌ જાગ્યા ત્યારે કોઈએ પરિવારજનોને જાણ કરી કે તેમની લાશ તેમના ઘરની બહાર પડી છે. તેમના માથામાં ઊંડા ઘા અને ઈજાના નિશાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યાં છે. જેના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે, કોઈએ તેમને રાત્રે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે.

આ પણ વાંચો: દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ  SC, ST, OBC વર્ગના - NCRB

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૃતક પોતાના ઘર પાસેથી ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા. એ પછી તેમના પરિવારજનોએ પડોશમાં રહેતા એક ડોક્ટરને બોલાવ્યા, જેમણે તપાસ કરીને તેમને મૃત જાહેર કર્યા હતા. એ પછી પરિવારજનોએ પોલીસને જાણ કરતા. પોલીસે લાશને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે નાલંદા મેડિકલ કોલેજ મોકલી આપી હતી.

મૃતકની ઓળખ કંડાપ ગોપાલપુર ગામના રહેવાસી વીરેન્દ્ર દાસ તરીકે થઈ છે, જેઓ મજૂરીકામ કરતા હતા. ક્યા કારણોસર તેમની હત્યા કરી દેવામાં આવી અને હત્યારા કોણ છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું.

વીરેન્દ્ર દાસના પરિવારજનોએ પણ હત્યા પાછળ ક્યા કારણો જવાબદાર છે તે અંગે કશું જાણતા નથી. આથી તેમણે પોલીસ તંત્ર પાસે ન્યાયની માંગ કરી છે. ઘટનાને લઈને પૂછવામાં આવતા મૃતકના પુત્ર પંકજકુમાર અને ભત્રીજા રાજેન્દ્ર દાસે જણાવ્યું હતું કે, ગત રાત્રે તેઓ ટોઈલેટ જવા માટે થઈને ઘરની બહાર નીકળ્યા હતા, અમને એમ કે તેઓ ટોઈલેટ જઈને તરત પરત આવી ગયા હશે. એટલે અમે સૌ ઊંઘતા રહ્યાં. પણ સવારે જ્યારે તેમની પથારી ખાલી જોઈ અને દરવાજો પણ જેમનો તેમ જ જોયો એટલે અમે તેમની ભાળ મેળવવા માટે બહાર નીકળ્યા. જ્યાં કોઈએ આવીને અમને જણાવ્યું કે તેમની લાશ અમારા ઘરથી થોડે દૂર પડી છે. કોઈએ તેમના માથાના ભાગે ઊંડા ઘા માર્યા હતા. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. હત્યારાઓએ તેમને મોતને ઘાટ ઉતારીને લાશ ફેંકી દીધી હતી.

આ પણ વાંચો: દલિત યુવકનું મારથી મોત થઈ ગયું, ગામલોકો લાશ સાથે પોલીસ પાસે પહોંચ્યાં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.