આર્મસ્ટ્રોંગની હત્યાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે: માયાવતી
તમિલનાડુમાં બીએસપી અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની હત્યાને લઈને બીએસપી સુપ્રીમો માયાવતીએ સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે.

તમિલનાડુમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની બે દિવસ પહેલા તેમના ઘરે જ કેટલાક અજાણ્યા હુમલાખોરોએ આવીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઈને તમિલનાડુમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો પેદા થયા હતા.
આજે બીએસપી સુપ્રીમો માયાવતી આકાશ આનંદ સાથે ચેન્નાઈ સ્થિત કે. આર્મસ્ટ્રોંગના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. સાથે જ કે. આર્મસ્ટ્રોંગને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ મુલાકાત દરમિયાન બસપા સુપ્રીમોએ હત્યાને લઈને તમિલનાડુ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સારી નથી અને આ કેસમાં હજુ સુધી સાચા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી નથી. અમે આ હત્યામાં સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ.
બીએસપી સુપ્રીમોએ કહ્યું હતું કે, “મને એ પણ ખબર પડી છે કે હત્યારાઓ હજુ સુધી પકડાયા નથી. કેટલાક ફૂડ ડિલિવરી કરતા લોકોની ધરપકડ થઈ છે પરંતુ મુખ્ય આરોપીઓ હજુ ફરાર છે. તેથી અમે રાજ્ય સરકાર પાસે સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ. જેથી સાચા ગુનેગારોને પકડીને સજા કરી શકાય.”
આ પણ વાંચો: ગાંધીનું ગુજરાત દલિત અત્યાચારોમાં અવ્વલ, છેલ્લાં 4 વર્ષમાં દલિત અત્યાચારની કુલ 5588 ઘટનાઓ નોંધાઈ
બસપાના વડાએ કહ્યું, “આ કોઈ એક દલિત નેતાની હત્યાનો મામલો નથી પરંતુ સમગ્ર દલિત સમાજની સુરક્ષાનો સવાલ છે. ઘણાં દલિત નેતાઓ ડરેલા છે કેમ કે તેમના જીવને જોખમ છે. રાજ્ય સરકાર આ હત્યા અંગે ગંભીર નથી. નહીંતર અત્યાર સુધીમાં ગુનેગારો જેલના સળિયા પાછળ હોવા જોઈએ. જો રાજ્ય સરકાર હત્યારાઓને પકડી શકતી ન હોય અને મૃતકના પરિવારજનોને ન્યાય આપી શકતી ન હોય, તો આ કેસ સીબીઆઈને સોંપી દેવો જોઈએ.”
બસપા સુપ્રીમોએ કહ્યું, “હું રાજ્ય સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે તેઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત કરે. ખાસ કરીને નબળા વર્ગના લોકોને સલામતીનો અહેસાસ કરાવવો જોઈએ. જો સરકાર ગંભીર હોત તો આરોપીઓ ઝડપાયા હોત. પણ એવું થયું નથી. અમે રાજ્ય સરકારને આ કેસ સીબીઆઈને સોંપવા વિનંતી કરીએ છીએ.”
ઉલ્લેખનીય છે કે, બીએસપી સુપ્રીમો માયાવતી આજે સવારે પક્ષના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદ સાથે ચેન્નાઈ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કે. આર્મસ્ટ્રોંગને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ૫ જુલાઈના રોજ કે. આર્મસ્ટ્રોંગ પેરામ્બુરમાં તેમના નિવાસસ્થાને પક્ષના કાર્યકરો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા છ શખ્સોએ તેમના પર છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો. ચાર હુમલાખોરો ફૂડ ડિલિવરી એજન્ટના વેશમાં હતા. હુમલા બાદ આર્મસ્ટ્રોંગને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે, મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં BSP અધ્યક્ષની ઘરમાં ઘૂસીને 6 લોકોએ હત્યા કરી