રમણલાલ વોરાએ રથયાત્રામાં અનુ.જાતિ મોરચાના ઉપાધ્યક્ષને ગાળો ભાંડી

ઈડર-વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરાએ રથયાત્રામાં તેમના જ પક્ષના અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષને જાહેરમાં ગાળો ભાંડી અપમાનિત કર્યા છે.

રમણલાલ વોરાએ રથયાત્રામાં અનુ.જાતિ મોરચાના ઉપાધ્યક્ષને ગાળો ભાંડી
image credit - Google images

ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઈડર વડાલીના વર્તમાન ધારાસભ્ય રમણલાલ વોરા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. આજે સાબરકાંઠા જીલ્લાના ઈડર ખાતે યોજાયેલી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન તેઓ ફરી એકવાર વિવાદોમાં સપડાતા જિલ્લા તેમજ પ્રદેશ ભાજપના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે તેમણે રથયાત્રા દરમિયાન તેમના જ પક્ષના અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષને જાહેરમાં અપમાનિત કરી ગાળો ભાંડી જોઈ લેવાની ધમકી આપી હતી.

આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈડરના મોટા રામદ્વારા ખાતે યોજાઈ રહેલી રથયાત્રા દરમિયાન ઈડર-વડાલીના ધારાસભ્ય રમણ વોરા પણ દર્શનાર્થે પહોંચ્યા હતા. એ દરમિયાન પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ નટુ પરમાર (ભાણપુર વસાહત) પણ દર્શન માટે પહોંચ્યા હતા. એ દરમિયાન અચાનક બંને નેતાઓ વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થતા ધારાસભ્ય રમણલાલ વોરા અચાનક ગુસ્સે થયા હતા અને પ્રદેશ ભાજપના આગેવાન નટુ પરમાર સાથે જાહેરમાં ખરાબ વર્તન કરી, ગાળો ભાંડીને જોઈ લેવાની ગર્ભિત ધમકી આપી હતી.

આ પણ વાંચો: ભાજપના નેતાઓ મોદીની ભક્તિમાં રત રહ્યાં તેનું આ પરિણામ: સંઘ

ધારાસભ્યનું આવું વર્તન જોઈને ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ નટુભાઈ પરમાર ત્યાંથી નીકળી ગયા હતા. જો કે પોતે ચૂંટેલા પ્રતિનિધિ એવા ધારાસભ્ય રમણલાલ વોરાનું તેમના જ પક્ષના તેમના જ સમાજના એક નેતા સાથેનું આવું વર્તન જોઈને રથયાત્રામાં હાજર સૌ કોઈ ચોંકી ગયા હતા.

આ સમગ્ર ઘટના બની ત્યારે સાબરકાંઠા જીલ્લા ભાજપના પ્રમુખ કનુ પટેલ પણ ત્યાં હાજર હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા છ એક મહિનામાં ધારાસભ્ય રમણ વોરાએ કેટલાય રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ સાથે પણ ખરાબ વર્તન કર્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

આ મામલે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ નટભાઈ પરમારે એક મીડિયા સાથે ફોન પર વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, “ઈડર રથયાત્રામાં હું દર વર્ષે ભગવાન જગન્નાથજીના દર્શન માટે આવું છું અને આ વખતે પણ હું ભગવાનના દર્શન માટે આવ્યો હતો. ત્યારે ત્યાં હાજર ધારાસભ્ય રમણલાલ વોરાએ મારી સાથે બિભત્સ વર્તન કરી ગાળો બોલી હતી અને તને જોઈ લઈશ તેવું કહી મને ધમકી આપી હતી. ચૂંટણી વખતે મેં રમણલાલ વોરાને ફંડ આપ્યું હતું, તેમણે મારી ભલમનસાઈનો આવો બદલો આપ્યો છે. તેમણે મારી સાથે આવું ખરાબ વર્તન કેમ કર્યું, મારું જાહેરમાં અપમાન કેમ કર્યું તે હજુ મને સમજાતું નથી. આ ફક્ત મારું જ નહીં પરંતુ સમગ્ર સમાજનું અપમાન છે. અમે ધારાસભ્યની ગાળો ખાવા માટે થઈને રથયાત્રાના પ્રસંગમાં નહોતા આવ્યા. આ મામલે હવે હું પ્રદેશની ઉચ્ચ નેતાગીરીને પણ રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવીશ.

આ પણ વાંચો: રમણલાલ વોરાએ આદિવાસી મહિલા કાર્યકરને જાહેરમાં અપશબ્દો કહ્યાં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.