વર્ષ 2017ના ટ્રેન રોકવાના કેસમાં જિગ્નેશ મેવાણી સહિત 31 લોકો નિર્દોષ જાહેર

વર્ષ 2017માં અમદાવાદના કાલપુરુ રેલવે સ્ટેશને દલિત સમાજની માંગણીઓને લઈને રાજધાની ટ્રેન રોકવાના મામલે અમદાવાદની કોર્ટે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત 31 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. વાંચો સમગ્ર અહેવાલ.

વર્ષ 2017ના ટ્રેન રોકવાના કેસમાં જિગ્નેશ મેવાણી સહિત 31 લોકો નિર્દોષ જાહેર

વર્ષ 2017માં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસ ટ્રેન રોકવાના મામલામાં અમદાવાદની કોર્ટે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને અન્ય 30 લોકોને નિર્દોષ છોડી મૂક્યાં છે. અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટે ગઈકાલે વર્ષ 2017ના આ કેસમાં આંદોલનકારીઓએ અમદાવાદના કાલપુર રેલવે સ્ટેશન પર અમદાવાદથી નવી દિલ્હી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને રોકીને દલિત સમાજને ફાળવવામાં આવતી જમીનોનો વાસ્તવિક કબજો ન મળતો હોવાને લઈને આંદોલન છેડ્યું હતું. આ મામલે થયેલા કેસમાં જિગ્નેશ મેવાણી સાથે અન્ય 30 લોકોને આરોપી દર્શાવાયા હતા, જે તમામને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

આ કેસમાં અમદાવાદ જિલ્લાના સરોડા ગામની 13 મહિલાઓ સહિત જિગ્નેશ મેવાણી, તેમના સાથી રાકેશ મહેરિયા અને અન્ય 29 લોકો સામે IPC કલમ 143(ગેરકાયદેસર ટોળુ), 147(હુલ્લડ), 149, કલમ 332 તથા 120B(ગુનાહિત કાવતરું) તેમજ રેલવે અધિનિયમની કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

સમગ્ર મામલો અમદાવાદના સરોડા ગામ સાથે જોડાયેલો છે, જ્યાં ગામના દલિતોને ફાળવવામાં આવેલી જમીનો પર માથાભારે જાતિવાદી તત્વોએ કબ્જો જમાવી લીધો હતો. આ જમીનોનો વાસ્તવિક કબ્જો તેના મૂળ માલિક એવા દલિતોને ફાળવવા માટે જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં ગામની મહિલાઓ અને દલિત એક્ટિવિસ્ટોએ આંદોલન કર્યું હતું. 

આ મામલે 11 જાન્યુઆરી 2017ના રોજ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ જિગ્નેશ મેવાણી સહિતના આંદોલનકારીઓ વિરોધ વ્યક્ત કરવા માટે ટ્રેનના એન્જિન પર ચઢી ગયા હતા અને રેલવે ટ્રેક પર સૂઈને ટ્રેનના માર્ગમાં અડચણ ઉભી કરી હતી. 

આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ ગોવિંદ પરમારે દલીલ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, ફરિયાદ પક્ષના લગભગ 70 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ પી.એન. ગોસ્વામીની મેજિસ્ટ્રેટ કોર્ટે 13 મહિલાઓ સહિત તમામ 31 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. 

ઉલ્લેખનીય છે કે અગાઉ, નવેમ્બર 2023 અને ઑક્ટોબર 2022માં એડિશનલ મેજિસ્ટ્રેટ ગોસ્વામીએ અન્ય બે કેસોમાં મેવાણીની સાથે અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસોમાં વર્ષ 2016ના વિરોધ રમખાણોના આરોપો લગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : વર્ષ 2016ના સફાઈ કર્મચારીઓના આંદોલન કેસમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત 6 નિર્દોષ જાહેર

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.