ડૉ.બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક ‘મારી આત્મકથા’ હવે ગુજરાતીમાં પણ ઉપલબ્ધ
ડો. આંબેડકરની આત્મકથા ગુજરાતીમાં ઉપલબ્ધ થાય તો બહોળા વાચકવર્ગ સુધી પહોંચી શકે તેવી માંગ વર્ષોથી થઈ રહી હતી. આખરે તે આતુરતાનો અંત આવ્યો છે.

ડો. આંબેડકરની આત્મકથાની દેશ અને દુનિયાભરમાં વસતા બૌદ્ધિકો, આંબેડકરી કર્મશીલોમાં ભારે માંગ રહી છે. જો કે બાબાસાહેબની પોતાની આત્મકથા લખવાની ખૂબ ઈચ્છા હોવા છતાં તેઓ અત્યંત વ્યસ્તતાને કારણે તેને લખી શક્યા નહોતા.જો કે તેમણે પોતાના જીવનઘડતરની ઘણી બધી વાતો જાહેર મેળાવડાઓ, મુલાકાતો અને ચર્ચાઓમાં વ્યક્ત કરી હતી તેને મહારાષ્ટ્રના લેખકોએ સાહિત્યમાં શબ્દબદ્ધ કરી હતી.
આ બધી વાતોને મહારાષ્ટ્રના ડૉ.બાબાસાહેબના સંનિષ્ઠ કર્મશીલ અને સમતા સૈનિક દળના પાયાના પથ્થર એવા શ્રી જ.ગો.સંતે બધા જ પ્રસંગોને યથાતથ- સળંગસૂત્રતાબધ્ધ ગોઠવીને એક સુંદર આત્મકથાનું સંકલન કર્યું છે, જેને મહારાષ્ટ્રમાં ભારે મોટો આવકાર મળ્યો હતો. આ પુસ્તક હવે ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે અને તેનો અનુવાદ અને સંપાદન જાણીતા લેખક-પત્રકાર મૂળજીભાઈ ખુમાણે કર્યું છે.
આ પુસ્તક બાબાસાહેબના ચાહકો અને આંબેડકરપ્રેમીઓ માટે મોટી ભેટ બની રહેશે. ગુજરાતમાં વૈચારિક પરિવર્તનનું કામ કરતા કર્મશીલો માટે તો આ એક ખજાના સમાન છે અને જેમણે બાબાસાહેબને વાંચ્યા જ નથી તેમના માટે તો આ એક જ પુસ્તક બાબાસાહેબના જીવનઘડતરના બધા જ પાંસા સમજવા માટે ખૂબ જ ઉપયોગી ને પ્રેરણાદાયી બની રહેશે તેમાં કોઈ શંકા નથી.
.
ઉલ્લેખનીય છે કે, મુળજીભાઈ ખુમાણ અગાઉ પદ્મભૂષણ ડો. ધનંજય કીર લિખિત ‘ડો. આંબેડકરઃ જીવન અને કાર્ય’ પુસ્તકનો દેવેન્દ્ર કર્ણિકની સાથે ગુજરાતીમાં અનુવાદ કરી ચૂક્યા છે. આ સિવાય તેઓ પ્રો. પ્ર.ઈ. સોનકાંબળેની આત્મકથા ‘સ્મૃતિની પાંખે’, ડો. શરણકુમાર લિંબાળેની આત્મકથા ‘અક્કરમાશી’, બાબાસાહેબના ગ્રંથો શુદ્રો કી ખોજ, અસ્પૃશ્યો કોણ અને કેવી રીતે? અસ્પૃશ્યો અને ભારતીય સંવિધાન જેવા સાહિત્ય પર કામ કરી ચૂક્યા છે. ત્યારે આ પુસ્તક થકી તેમણે વધુ એક નવો ચીલો ચાતર્યો છે.
આ પણ વાંચો : આંબેડકર તમે આવા ય હતા?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.