શું તમે હજુ પણ ખુદને માણસ માનો છો? કે ભક્ષક બની ગયા છો?

એક ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ભક્ષક’ હાલ તેના વિષયવસ્તુ ને લઈને ચર્ચામાં છે, ત્યારે પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણી અહીં ફિલ્મને વર્તમાન પત્રકારત્વ અને પરિસ્થિતિ સાથે સાંકળીને એક નક્કર વાત કરે છે.

શું તમે હજુ પણ ખુદને માણસ માનો છો? કે ભક્ષક બની ગયા છો?

- રમેશ સવાણી

16 ફેબ્રુઆરી 2024ના રોજ ‘હોમ થીએટર’માં Netflix પર ‘ભક્ષક’ ફિલ્મ જોઈ. સાચી ઘટના આધારિત આ ફિલ્મ 9 ફેબ્રુઆરી 2024ના રીલીઝ થઈ છે. સરકાર અને તંત્ર કેટલું જડ અને બિનસંવેદનશીલ હોય છે તેનો રોજનો અનુભવ આપણને છે જ. સંવેદનશીલ પત્રકાર વૈશાલી(ભૂમિ પેડણેકર) અને જડ તંત્ર વચ્ચેના સંઘર્ષની અને માણસમાં સ્વાર્થ, લાલચ, ભયના કારણે ઢબૂરાયેલી સંવેદનાને જગાડતી આ ફિલ્મ છે. બિહારના પટનામાં વૈશાલી અને ભાસ્કર(સંજય મિશ્રા) ‘કોશિશ ન્યૂઝ’ નામથી ન્યૂઝ ચેનલ ચલાવે છે. જે કામ મોટા મોટા કોર્પોરેટ મીડિયા ન કરી શકે તે કામ વૈશાલી કરે છે. વૈશાલી પૈસા માટે નહીં પણ સિદ્ધાંતો અને સત્ય માટે પત્રકારત્વ કરે છે. 

મુનવ્વરપુરમાં ‘બાલિકા ગૃહ’ની બાળાઓનું યૌન શોષણ તેનો સંચાલક બંસી શાહુ (આદિત્ય શ્રીવાસ્તવ) કરે છે, જેની પહોંચ સરકાર સુધી છે. પત્રકાર બાળાઓના શોષણ અંગે કે બેરોજગારી જેવા વિષયનું રિપોર્ટિગ કરે તો તેમની ચેનલ કોણ જૂએ? આજના સમયે પત્રકારત્વ સામેનો આ પ્રશ્ન છે. દર્શકને શું ગમે છે એ ધ્યાને લઈને સમાચાર પસંદ કરવામાં આવે છે, સમાચારના મહત્વના કારણે નહીં! 

વૈશાલી જ્યારે ‘બાલિકાગૃહ’ના યૌન શોષણનો રિપોર્ટ લઈને કાર્યવાહીની અપેક્ષાએ SPને મળે છે ત્યારે તે IPS અધિકારી કહે છેઃ ‘કદાચ આ રિપોર્ટ ખોટો પણ હોય!’ પછી આ અધિકારી રાજ્યના પોલીસ વડાને મળે છે ત્યારે પોલીસ વડા પણ SPને પ્રોત્સાહન આપવાને બદલે કોઈ કાર્યવાહી નહીં કરવાની શીખામણ આપે છે. આ છે આપણા IPS અધિકારીઓ, જે પોતાની છાતીએ બહાદુરીના મેડલ લટકાવીને ફૂલાતા હોય છે! મને કેટલાંક લોકો પૂછે છે કે ‘તમે પોલીસ વિભાગમાં સીનિયર અધિકારી હતા તો કેમ કોઈ સુધારા ન કર્યા?’ કોઈ એક અધિકારીથી તંત્ર સુધરે તેમ નથી, ગુજરાતના પોલીસ વડા તરીકે નિષ્ઠાવાન અને કાર્યદક્ષ અધિકીરીઓ મળ્યા છે, થોડો વખત તેમની અસર રહે છે. પછી હતું એમનું એમ! જ્યાં સુધી રાજકીય ઈચ્છાશક્તિ ન હોય ત્યાં સુધી કોઈ પણ તંત્ર સુધરતું નથી. શેષાન સાહેબે ચૂંટણી પંચને જે ગરિમા બક્ષી હતી તે આજે ધૂળમાં મળી ગઈ છે.

પત્રકારોનું જીવન સંઘર્ષથી ભરેલું હોય છે. તે તંત્ર સાથે તો સંઘર્ષ કરે જ છે, પણ એ સંઘર્ષ ઘરમાં પણ થાય છે. એક વખત વૈશાલીને ઘેર આવતા મોડું થાય છે. તેનો પતિ અરવિંદ(રિંકૂ શર્મા) નારાજ થઈને કહે છેઃ ‘મોડું કેમ થયું? હું ભૂખ્યો છું!’ વૈશાલી બાલિકા ગૃહની બાળાઓ માટે કંઈ કરી શકતી ન હોવાથી પરેશાન હતી, તે કહે છેઃ ‘જો તને ભૂખ લાગી હોય અને ખાધું ન હોય તો એમાં મારો વાંક શું? એક મુઠ્ઠી ચોખા અને એક મુઠ્ઠી દાળ લઈને સીટી મારવાની હતી, આટલું ન કરી શકે? બાળક છો?’ અરવિંદના ભાઈ અને ભાભી વૈશાલીને કહ્યા કરે છે કે ‘લગ્ન થયાને છ વરસ થઈ ગયા, બાળક કરી લે, ઉંમર વીતી જશે’ વૈશાલીની લડાઈ બહાર તો છે જ પણ સગાસંબંધીઓ સાથે પણ છે.

બાતમીદાર ગુપ્તાજીનું (દુર્ગેશ કુમાર) કામ કમાલનું છે. તે બાલિકા ગૃહ વાળી બાતમી વૈશાલીને આપે છે. વૈશાલીને તેમાં ન્યૂઝ સેન્સ દેખાતી નથી. ગુપ્તાજી કહે છેઃ ‘એટલે જ તમે અહીં છો. નહીં તો આપ નેશનલ લેવલના પત્રકાર હોત! હું આપને સરકારનો કોલર પકડાવી રહ્યો છું અને આપ સમજી રહ્યા નથી’ વૈશાલી એક વખત ગુપ્તાજીને કહે છેઃ ‘બંસી સાહુ જેવો ખતરનાક માણસ આ બાબતમાં સામેલ છે તે વાત મને પહેલા કહેવાની જરુર હતી; તે હવે મારા પતિ સુધી પહોંચી ગયો છે. સરકારનું તેને સમર્થન છે.’ ગુપ્તાજી કહે છેઃ ‘તો તમે પત્રકાર શા માટે છો? ખોલો ભેદ સૌના, નહીં તો કરિયાણાની દુકાન ખોલો. પત્રકારત્વમાં શામાટે ઘૂસ્યા છો?’

વૈશાલીનો સંઘર્ષ તાકાતવાળાઓ, સરકારી અધિકારીઓ, વ્યવસ્થાઓની સામે લડીને સત્યને બહાર લાવવાનો હતો અને બાળાઓને આઝાદી અપાવવાનો હતો. સૂટ-બૂટ વાળા ગોદી પત્રકારો પર પણ આડકતરો પ્રહાર કર્યો છે, જે સાચી ખબર આપતા નથી. એ ચેનલો પર પ્રહાર કર્યો છે જેમની પાસે સંસાધનો છે પણ સરકાર સામે બોલતા ડરે છે. સંવેદનશીલ લોકોને આ વિચારપ્રેરક ફિલ્મ ગમશે. ફિલ્મનો સંદેશ છે કે જ્યારે સમાજમાં અવ્યવસ્થા અને ભ્રષ્ટાચાર સામે કોઈ અવાજ ન ઉઠાવતું હોય તો આપણે ચૂપ રહેવું જોઈએ નહીં. ફિલ્મના અંતે વૈશાલી કહે છેઃ ‘શું તમે હજુ પણ ખુદને માણસ માનો છો? કે ભક્ષક બની ગયા છો?

(લેખક નિવૃત્ત આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારોના પક્ષધર છે.)

આ પણ વાંચો : નાનો હતો ત્યારે પિતાજી મને ‘ગાંધી’ ફિલ્મ જોવા લઈ ગયા હતા, જે મારે નીચે બેસીને જોવી પડી હતી કેમ કે...

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.