શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?

ભાજપના નેતા અનંત હેગડેએ ફરી કહ્યું કે અમને 400થી વધુ સીટો આપો અમે દેશનું બંધારણ બદલી દઈશું. સવાલ એ થાય કે બહુમતીના જોરે આવું શક્ય છે ખરું?

શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?
all images by Google images

કર્ણાટકના ભાજપના નેતા અનંતકુમાર હેગડેએ હમણાં કહ્યું કે બે તૃતિયાંશ બહુમતી આપો અમે ભારતના બંધારણને બદલી નાખીશું. હેગડે જેવી જ વાત અગાઉ 15મી ઓગસ્ટ 2023 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ વિવેક દેબરોયે કરી હતી. હિંદુસ્તાન ટાઈમ્સ ગ્રુપના ન્યૂઝપેપર લાઈવ મિંટમાં તેમણે લખેલા લેખનો સૂર પણ ભારતનું બંધારણ બદલી નાખવાની તરફેણ કરતો હતો. વર્ષ 2017માં આરએસએસના વડા મોહન ભાગવતે પણ કંઈક આવી જ વાત કરી હતી.

(ભાજપના સાંસદ અનંત હેગડે, image credit-Google images)

સવાલ એ છે કે, ખરેખર ભારતનું બંધારણ બદલી શકાય ખરું?  સંઘીઓ સતત બંધારણ બદલી દેવાની વાત કરે છે, કારણ કે તેમને હિંદુ રાષ્ટ્ર બનાવવું છે, જ્યારે ભારતીય બંધારણ બિનસાંપ્રદાયિકતાની વાત કરે છે. આ સ્થિતિમાં તેઓ સીધો બંધારણના મૂળમાં ઘા કરવા ઈચ્છે છે જેથી કાયમી શાંતિ થઈ જાય. એટલે જ સંઘ પ્રમુખ મોહન ભાગવતથી લઈને ભાજપના સાંસદ અને વડાપ્રધાનના આર્થિક સલાહકાર સહિતના લોકો છાશવારે બંધારણ બદલી નાખવાનો મમરો મૂકીને માહોલ બનાવવા પ્રયત્ન કરે છે. આ પ્રકારના પ્રયોગો સમયાંતરે થતા રહે છે, ત્યારે આ મામલે આપણે અહીં બંધારણમાં સુધારો-વધારો કે ફેરફાર કરવા માટેની પદ્ધતિઓની વાત કરીએ.

જિનિયસ ડૉ. ભીમરાવ આંબેડકરે આપેલા ભારતના બંધારણને દુનિયાના તમામ બંધારણોમાં સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ હોવાનું ગર્વ પ્રાપ્ત થયેલું છે. આ બંધારણમાં સુધારા કઈ રીતે કરવામાં આવે તેના વિશે આપણે માહિતી મેળવીએ. 

બંધારણમાં સુધારો કરવાની કાયદેસરની જોગવાઈ શું છે? 
આપણું બંધારણ જડ નથી પણ સ્થિતિસ્થાપક છે. તેનું ઉદાહરણ એ છે કે, બદલાતા સમય, ટેકનોલોજી, ભૌગોલિક પરિવર્તનો કે સમય, સંજોગ, નાગરિકોની જરૂરિયાતો અને સમાજની સુખાકારીના સંદર્ભને ધ્યાનમાં રાખીને ભારતના બંધારણમાં ફેરફાર કરી શકાય છે. બંધારણને બદલવા માટે બંધારણના ભાગ-૧૦ ની કલમ – ૩૬૮ માં જણાવ્યા મુજબ દેશની સંસદ (લોકસભા/રાજ્યસભા) બિલ રજૂ કરીને બંધારણમાં ફેરફાર કરી શકે છે.  કલમ ૩૬૮થી ભારતની સંસદને મળેલી સત્તા દ્વારા સંસદ બંધારણની કોઈ કલમ/ભાગ રદ્દ કરી શકે છે, નવો ઉમેરી શકે છે અને કોઈ કલમ/ભાગની મૂળ જોગવાઈમાં સુધારા-વધારા કે ફેરફાર કરી શકે છે.

આ પણ વાંચોઃ દેશના અંતિમ જન સુધી બંધારણીય જોગવાઈઓ અને તેનો અમલ પહોંચે તે જ સાચું પ્રજાસત્તાક

.

(આરએસએસ(RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત પણ બંધારણ બદલવાની વાત કરી ચૂક્યાં છે. - image credit Google images)

બંધારણમાં સુધારો કે ફેરફાર કરવાની પદ્ધતિઓ
ભારતીય બંધારણના ભાગ-૧૦ની કલમ-૩૬૮ માં જણાવ્યા પ્રમાણે બંધારણને સુધારવા માટે મુખ્યત્વે ત્રણ પ્રકારની અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવી છે.

(1)સાદી બહુમતીથી સુધારોઃ
આ પદ્ધતિ મુજબ બંધારણની અમુક બાબતોમાં સંસદના બંન્ને ગૃહમાં સાદી બહુમતિથી બિલ પાસ કરીને સંવિધાનને સુધારી શકાય છે. સાદી બહુમતી એટલે કે સંસદની અંદર સત્ર દરમ્યાન જેટલા સાંસદો હાજર હોય તેમાંથી બહુમતી. ઉદાહરણ તરીકે ધારો કે, સંસદમાં ૪૪૫ સભ્યો હોય પણ ગૃહમાં ખાલી ૨૫૦ સભ્યો જ હાજર હોય તો ૨૫૦માંથી વધુ સભ્યો જે તરફ મતદાન કરે તે બહુમતી.

આ સાદી બહુમતીથી બંધારણ સુધારવાની બાબતોમાં,
I)  નાગરિકત્વને લગતી બાબતો.
II) લોકસભાનો સમયગાળો વધારવો-ઘટાડવો.
III) સાંસદોના પગાર વધારા.
IV) નવું રાજ્ય બનાવવું.
V) કોઈ રાજ્યનું નામ બદલવું. 
VI) કોઈપણ રાજ્યમાં વિધાનપરિષદની રચના કરવી કે વિધાનપરિષદ રદ્દ કરવી.
VII) મતદાન કરવાની ઉંમર અંગે.
VIII) કેન્દ્રના વિષય ઉપર કોઈ કાયદો બનાવવો કે ભારતની રાષ્ટ્રીય ભાષા નક્કી કરવી વગેરે તમામ બાબતો ઉપર સંસદમાં સાદી બહુમતીથી બંધારણ સુધારી શકાય.

(2) વિશેષ (સ્પેશિયલ) બહુમતીથી સુધારોઃ
આ પદ્ધતિમાં સંસદના કુલ સભ્યોમાંથી 50 ટકા સભ્યોની હાજરી અને ૨/૩ સભ્યો ઉપસ્થિત રહીને મતદાન કરે તેવી બહુમતી દ્વારા બિલ પાસ કરવાની જરૂર રહે છે.
દા.ત. સંસદમાં કુલ ૫૪૫ સભ્યો હોય તો તેના 50 ટકા સભ્યો હાજર હોવા જોઈએ અને તેના ૨/૩ સભ્યોની હાજરી ફરજિયાત બને છે અને આ સભ્યોમાંથી બહુમતી પસંદ કરવાની હોય છે.

આ પણ વાંચોઃ તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો...

.

(વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના વડા બિબેક દેબરોયે 15મી ઓગસ્ટ 2023ના રોજ મિન્ટમાં લખેલા લેખમાં બંધારણ બદલવાની વાત કરી હતી.- image credit-Google images)

આ પદ્ધતિ બંધારણ સુધારવાની સૌથી પ્રચલિત પદ્ધતિ છે જેમાં આ બાબતમાં,
I) રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો.
II) નાગરિકોનાં મૂળભૂત અધિકારો.
III) રાજ્યને લગતી નીતિઓ બનાવવી, વગેરે જેવી બાબતમાં ખાસ બહુમતીની જરૂર પડે છે.

(3) સ્પેશિયલ બહુમતિ તેમજ અડધા રાજ્યોની વિધાનસભાની સહમતિઃ
આ પ્રકારની બહુમતિમાં બંન્ને ગૃહમાં વિશેષ બહુમતીથી કાયદો પસાર કરવો પડે છે તેમજ ભારતના અડધા રાજ્યોની વિધાનસભા દ્વારા પણ કાયદો પસાર કરવામાં આવે તો બંધારણીય સુધારો માન્ય થાય છે. આ પ્રકારના સુધારામાં,

I) રાષ્ટ્રપતિની ચૂંટણીને લગતી બાબતો. 
II) રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સત્તાની વહેંચણીની બાબત.
III) સુપ્રિમ કોર્ટને લગતી કોઈ બાબત.
IV) કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કાયદાઓ બનાવવાની સત્તા ફાળવણી બાબત.
V) કોઈ રાજ્યનું લોકસભા પ્રતિનિધિત્વ વધારવા કે ઘટાડવા.
VI) બંધારણની સાતમી અનુસૂચિમાં ફેરફાર કરવા વગેરે જેવી બાબતોમાં સુધારા કરવા માટે સ્પેશિયલ બહુમતિ તેમજ અડધા રાજ્યોની વિધાનસભાની સહમતિની જરૂર પડે છે.

આ પણ વાંચોઃ મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં 

(4) કોઈપણ બંધારણીય સુધારા માટે શું કરવું પડે?
A. લોકસભા અને રાજ્યસભામાં વારાફરતી ખરડો પસાર કરવો પડે છે.
B. બંધારણમાં સુધારો કરવાનો ખરડો સરકાર મંત્રી દ્વારા સરકારી ખરડા તરીકે અથવા અન્ય સદસ્યો દ્વારા ખાનગી ખરડા તરીકે રજૂ કરી શકાય છે.
C. સંસદના બંન્ને ગૃહો દ્વારા સંવિધાન સંશોધન બિલ અલગ અલગ રીતે પસાર કરવું જરૂરી છે.
D. જો બંન્નેમાંથી એક પણ ગૃહ દ્વારા સંશોધન બિલને નકારાવામાં આવે તો બંન્ને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો કોઈ કાયદો નથી.
E. સાદી બહુમતી, વિશિષ્ટ બહુમતિ કે અડધા રાજ્યોની બહુમતીથી પસાર કરવામા આવેલા બંધારણીય સુધારાને રાષ્ટ્રપતિ મંજૂર કરે પછી જ કાયદો બને છે.
F. બંને ગૃહોએ મંજૂર કરીને રાષ્ટ્રપતિ પાસે મોકલેલાં બિલને રાષ્ટ્રપતિ નામંજૂર કરી શકે નહી કે ફેરવિચારણા માટે પાછું મોકલી શકે નહી.

બંધારણ બદલીને હિંદુ રાષ્ટ્ર બનાવી શકાય ખરું?
વિવેક દેબરોય, અનંત હેગડે, મોહન ભાગવતથી લઈને બે બદામની પણ હેસિયત ન ધરાવતા કેટલાક નેતાઓ, કથિત મોટિવેશનલ સ્પીકરો, કથાકારો છાશવારે દેશનું બંધારણ બદલી નાખવાની વાત કરે છે. હકીકતે સંઘ જે પ્રકારના ફેરફારોની વાત કરે છે, કે તેની વિચારધારાના નેતાઓ જેવું બંધારણ બનાવવા ઈચ્છે છે, તે ખરેખર બિનસાંપ્રદાયિક બંધારણને ખતમ કરીને હિંદુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. પણ એ શક્ય નથી, કેમ કે સુપ્રીમ કોર્ટે પોતાના અનેક ચૂકાદાઓમાં કહ્યું છે કે, બિનસાંપ્રદાયિકતા ભારતના બંધારણનો મૂળ આધાર છે અને તેમાં ફેરફાર નથી કરી શકાતો. પછી ભલેને કોઈ ચૂંટાયેલી સરકાર પાસે બે તૃતિયાંશ બહુમતી હોય, બંધારણને એ રીતે નથી બદલી શકાતું કે તેનો મૂળ આધાર જ ખતમ થઈ જાય.

આ પણ વાંચોઃ મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?

સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ પ્રશાંત ભૂષણ બીબીસી હિન્દીના એક લેખમાં જણાવે છે કે, બંધારણમાં ફેરફાર માટે સંસદના બંને ગૃહોમાં બંધારણમાં ફેરફાર માટેનો પ્રસ્તાવ બે તૃતિયાંશ બહુમતીથી પસાર કરવો પડે છે. પરંતુ બિનસાંપ્રદાયિકતા, સમાનતા, અભિવ્યક્તિ અને અસહમતિનો અધિકાર જેવી પાયાની બાબતોમાં ફેરફાર નથી કરી શકાતો. અનેક પ્રસ્તાવોમાં રાજ્યોની સહમતિની પણ જરૂર હોય છે. પ્રશાંત ભૂષણ તો ત્યાં સુધી કહે છે કે, સંઘ ભારતીય બંધારણના મૂળ આધારને બદલી નાખવા માંગે છે, તે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. પણ તેને સો ટકા બહુમતી મળે તો પણ તે આવો ફેરફાર નહીં કરી શકે.

આ પણ વાંચોઃ  બંધારણ દિવસ વિશેષઃ જાણો ભારતનું બંધારણ આપણને ક્યા મૂળભૂત અધિકારો આપે છે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.  અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.