ગોધરામાં સ્માર્ટ મીટરધારકોને 1 લાખથી વધુના બિલનો મેસેજ આવ્યો

 ગુજરાતભરમાં સ્માર્ટ વીજ મીટર દ્વારા આવતા મસમોટા બિલનો વિરોધ યથાવત છે ત્યારે ગોધરામાં અનેક ગ્રાહકોને રુ. 1 લાખથી વધુના બિલનો મેસેજ આવતા હોબાળો મચી ગયો છે.

ગોધરામાં સ્માર્ટ મીટરધારકોને 1 લાખથી વધુના બિલનો મેસેજ આવ્યો
image credit - Google images

પંચમહાલના ગોધરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. સ્માર્ટ મીટર ધારકોને એક લાખથી વધુના બિલનો મેસેજ આવતા ગ્રાહકોએ MGVCL કચેરીમાં પહોંચી અધિકારી સમક્ષ રોષ ઠાલવ્યો હતો. વીજ ગ્રાહકોના રોષને જોતા MGVCLએ સ્માર્ટ મીટરની એપ્લિકેશન તાત્કાલિક બંધ કરાવી હતી. 

ભુરાવાવ વિસ્તારના ગૌતમ નગર અને શ્રીજી નગરના રહેવાસીઓને ૧.૪૧ લાખના વીજ બીલના મેસેજ આવ્યા હતા. જ્યારે અન્ય ગ્રાહકને ૧.૧૬ લાખ અને ૧.૦૩ લાખનો મેસેજ આવ્યો હતો. બાકી વીજ બિલનાં મેસેજને લઈ વીજ ગ્રાહકો ચોકી ઉઠ્‌યા હતા અને MGVCLની વર્તુળ કચેરીમાં દોડી આવ્યા હતા અને અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.

વીજ ગ્રાહકોના રોષને પગલે વર્તુળ કચેરી દ્વારા સ્માર્ટ મીટરનાં ઓનલાઇન એપ્લિકેશન તાત્કાલિક  બંધ કરાવવામાં આવી હતી. ટેકનિકલ ક્ષતિના લીધે સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવ્યું હોવાની બાબતને અધિકારીએ સ્વીકારી હતી અને ટેકનિકલ ખામીને દૂર કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ગોધરા શહેરમા અત્યાર સુધીમા સાત હજાર જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?

સ્માર્ટ મીટર વીજ ગ્રાહકો સાથે MGVCL કચેરીના અધિકારીઓ માટે પણ માથાનો દુખાવા સમાન સાબિત થઈ રહ્યો છે એક પછી એક ગોધરા નગરની સોસાયટીના રહીશો સ્માર્ટ મીટરને કારણે પડતી મુશ્કેલીઓને લઇ MGVCL કચેરી ખાતે આવ્યા હતા અને અધિકારી સમક્ષ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.

ગોધરા શહેરમા અત્યાર સુધીમા ૭૦૦૦ જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે અને આ સ્માર્ટ મીટરમાં પડતી મુશ્કેલીઓ અને ટેકનિકલ ખામીને લઈ રોજેરોજ વીજ ગ્રાહકોના ટોળેટોળા MGVCL કચેરી ખાતે દોડી આવે છે અને સ્માર્ટ મીટર દૂર કરી જૂના મીટર લગાવવા માટેની માંગ કરવામાં આવે છે.                                                                    

આ મીટર લગાવવાની શરૂઆત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મે મહિનાથી શરૂ થઈ હતી. અધિકારીઓ અનુસાર, કેન્દ્ર સરકારના આદેશ મુજબ દોઢ વર્ષમાં ખેતી સિવાયના વિભાગમાં ૧૭ લાખ નવાં સ્માર્ટ મીટર લગાવાશે.અધિકારીઓ અનુસાર, સ્માર્ટ મીટર કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાત જ નહીં બિહાર, ઉત્તર પ્રદેશ, આસામ, હરિયાણા, ઝારખંડ અને મધ્ય પ્રદેશમાં પણ લાગ્યાં છે.

આ પણ વાંચો: વડોદરામાં ડ્રાઈવરને 2 પંખા અને 2 ટ્યુબલાઈટનું બિલ રૂ. 13 લાખ આવ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.