બે દિવસમાં બે ભૂવાજીના ધૂણતી વખતે હાર્ટ એટેક આવતા મોત

ગુજરાતમાં છેલ્લાં બે દિવસમાં બે ભૂવાજીને ધૂણતી વખતે જ હાર્ટએટેકનો હુમલો આવી જતા મોત નીપજ્યા છે.

બે દિવસમાં બે ભૂવાજીના ધૂણતી વખતે હાર્ટ એટેક આવતા મોત
image credit - Google images

કોરોનાકાળમાં લીધેલી રસી બાદ લોકોમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી ગયું છે. જાણકારોને આ બાબતનો પહેલેથી જ અંદાજ આવી ગયો હતો, પણ સરકાર આ બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર નહોતી. પણ હવે તો રસી બનાવનાર કંપનીએ પણ સ્વીકારી લીધું છે ત્યારે એમાં કોઈ શંકા નથી રહી કે ભારતમાં હૃદયરોગનો હુમલાની વધી રહેલી સંખ્યા પાછળ કોરોનાની રસી જવાબદાર છે અને એમાં કોઈ ઈશ્વરી શક્તિ કંઈ કરી શકે તેમ નથી. તેની સાબિતી એના પરથી પણ મળે છે કે છેલ્લાં બે દિવસમાં ગુજરાતમાં બે ભૂવાજીનું બરાબર ધૂણતી વખતે હાર્ટએટેકનો હુમલો આવતા મોત થયું છે. આજે મહેસાણાના જગુદણ ગામમાં રમેણ દરમિયાન એક ભૂવાજીને બરાબર ધૂણતી વખતે જ એટેક આવ્યો હતો અને એક મિનિટ અંદર તેમનું મોત થઈ ગયું હતું.

આ પણ વાંચોઃ કોવિશિલ્ડ વેક્સિનથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ રહે છે

55 સેકન્ડમાં મોત ભેટી ગયું
મહેસાણા ઉંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના ભુવાજી ગોવિંદભાઈ દરજી જગુદણ ગામમાં રમેણ હોવાથી ત્યાં પહોંચ્યાં હતા. રમેણ દરમિયાન તેમણે ધૂણવાનું ચાલું કર્યું એ દરમિયાન જ તેમને એટેક આવ્યો હતો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. લોકોને પહેલા એવું લાગ્યું કે તેઓ ધૂણી રહ્યાં છે પણ પછી કંઈક ગંભીર બન્યાનો ખ્યાલ આવ્યો હતો. એ પછી તેમને તાત્કાલિક સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને હોસ્પિટલના હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. તેમણે માતાજીના નામની હાક મારીને ધૂણવાનું શરૂ કર્યું તેની 55 સેકન્ડમાં તેમને હુમલો આવી ગયો હતો અને મોતને ભેટ્યા હતા.

આ પણ વાંચોઃ કથાકાર રાજુ બાપુ સામે કોળી-ઠાકોર સમાજ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન

મોરબીના વાઘપરમાં પણ આવું બન્યું હતું
ઉલ્લેખનીય છે કે, આવી જ એક ઘટના મોરબી જિલ્લાના વાઘપર ગામે પણ બની હતી. જ્યાં એક ધાર્મિક કાર્યક્રમમાં પીઠાભાઈ મકવાણા નામના ભુવાજીને પણ ધૂણતી વખતે હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા. ત્યાં હાજર લોકો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.

સુરતમાં યુવકને ચાલુ બાઈક હુમલો આવ્યો
અગાઉ સુરતના બારડોલી તાલુકાના મઢી ગામનો યુવક કમલેશ ચૌધરી બાઈક રિપેર કરાવવા સર્વિસ સ્ટેશને જઈ રહ્યો હતો ત્યારે તેને ચાલુ બાઈકે હુમલો આવતા તે ઢળી પડ્યો હતો અને તેને ઈમરજન્સી સારવાર માટે ખસેડતા સુધીમાં મોત થઈ ગયું હતું.

આગળ વાંચોઃ રબારીકામાં ગુસ્સે ભરાયેલા ગોર મહારાજે યજમાનને ધક્કો મારતા મોત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.