ગણપતિનો એક લાડુ હરાજીમાં 30 લાખમાં, બીજો લાડુ 1.87 કરોડમાં વેચાયો

એક ગણપતિ મંદિરમાં લાડુની હરાજી રૂ. 1.87 કરોડ અને 30 લાખમાં થઈ હતી. વાંચો ક્યાંની છે આ ઘટના.

ગણપતિનો એક લાડુ હરાજીમાં 30 લાખમાં, બીજો લાડુ 1.87 કરોડમાં વેચાયો
image credit - Google images

ધર્મ અને આસ્થાની આડમાં ભારતમાં કેવી રીતે લોકોની લાગણીઓ સાથે રમત કરીને ધંધો કરી લેવાય છે તેના દાખલાઓ શોધવા જવા પડે તેમ નથી. દરેક મોટા મંદિરોની કરોડોની કમાણી, સોનાચાંદીના ભંડારો વગેરેના આંકડાઓ પર નજર નાખશો તો મામલો સમજાઈ જશે. આ બધાં વચ્ચે હવે દરેક નાની મોટી ચીજવસ્તુઓને ભક્તોની લાગણીઓ સાથે જોડીને રોકડી કરી લેવાની જાણે હોડ લાગી છે. આવી જ એક ઘટનામાં એક ગણપતિ મંદિરમાં એક લાડુ જાહેર હરાજીમાં રૂ. 30 લાખમાં વેચાયો હોવાનું સામે આવ્યું છે.

ભાજપ નેતાએ એક લાડુ રૂ. 30.1 લાખમાં ખરીદ્યો

તેલંગાણાના બાલાપુર ગણેશ મંદિરના લાડુની હરાજીમાં મંગળવારે ૩૦.૧ લાખ રૂપિયાની રેકોર્ડ બોલી લગાવવામાં આવી હતી. આ હરાજી દર વર્ષે બાલાપુર ગણેશ મૂર્તિને વિસર્જન માટે હુસૈનસાગર તળાવ સુધી ભવ્ય શોભાયાત્રામાં લઈ જવામાં આવે તે પહેલાં થાય છે. આ વર્ષે બોલી લગાવનાર ભાજપના નેતા કોલાનુ શંકર રેડ્ડી હતા.

આ પણ વાંચો: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોળી રમતી વખતે ગર્ભગૃહમાં આગ લાગી, 13 પૂજારીઓ દાઝ્યાં

શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા વિવિધ ગણેશ મંદિરોમાં પણ આવી જ હરાજી હાથ ધરવામાં આવી હતી. બાલાપુર લાડુની હરાજીમાં ઘણા અગ્રણી રાજકારણીઓ અને વેપારી હસ્તીઓએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૩માં બાલાપુર લાડુની હરાજી ૨૭ લાખ રૂપિયામાં થઈ હતી.

એક લાડુ માટે 1.87 કરોડની બોલી લાગી

દરમિયાન, રંગારેડ્ડી જિલ્લામાં બંદલાગુડા મ્યુનિસિપલ સીમા હેઠળ કીર્તિ રિચમંડ વિલા ખાતે યોજાયેલી અન્ય એક લાડુની હરાજી માટે રૂ. ૧.૮૭ કરોડની બોલી લાગી હતી, જે ગયા વર્ષની રૂ. ૧.૨૬ કરોડની કિંમત કરતાં રૂ. ૬૭ લાખ વધુ હતી.

લાડુની હરાજીની આ પરંપરા ૧૯૯૪માં શરૂ થઈ હતી. અહીંના સ્થાનિક લોકોનું માનવું છે કે આ લાડુ તેમના માટે લકી છે. તે ધન, સમૃદ્ધિ અને સારા નસીબની સાથે સારું સ્વાસ્થ્ય આપે છે. દર વર્ષે મૂર્તિના વિસર્જન પહેલા આ લાડુની હરાજી કરવામાં આવે છે. આમાંથી જે પણ પૈસા મળે છે તે વિકાસના કામોમાં વપરાય છે.

બાલાપુર હૈદરાબાદના દક્ષિણ કિનારે આવેલું છે. તેવી જ રીતે હૈદરાબાદના ખૈરતાબાદની ગણેશ પૂજા પણ પ્રખ્યાત છે. અહીં હજારો ભક્તો દર્શન કરવા આવે છે. એવું કહેવાય છે કે દેશની સૌથી ઊંચી પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવે છે.

આ પણ વાંચો: ભગવાનને ચઢાવાયેલા નવ લીંબુ હરાજીમાં રૂ. 2.36 લાખમાં વેચાયા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.