અમદાવાદમાં ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશનનું મહાસંમેલન યોજાયું
અમદાવાદમાં રેશનાલિસ્ટો દ્વારા એક મહાસંમેલન યોજાઈ ગયું. કેવો રહ્યો આ કાર્યક્રમ તેમાં શું શું થયું તે જાણો.

ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશન અને અમદાવાદ રેશનાલિસ્ટના સંયુક્ત ઉપક્રમે 16 સપ્ટેમ્બર 2024 ના સોમવારે અમદાવાદ શહેરના નિર્ણયનગર વિસ્તારના શાંતારામ સભા ગૃહમાં મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાંથી આવેલા 200 જેટલા રેશનાલિસ્ટોની સાથે દિવસભરનો આ કાર્યક્રમ ઉત્તમ આયોજન સાથે નિષ્ઠાપૂર્વક પાર પડ્યો. આ સંમેલન રાજ્ય સરકારે ઘડેલા કાળા જાદુ વિરોધી કાયદાની સમાજ કેળવાય અને તેનો પ્રચાર પ્રસાર થાય તે હતો.
આ મહા સંમેલનમાં "ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા અધિનિયમ 2024" પુસ્તિકાનો વિમોચન નિવૃત નિયામક અને સાહિત્યકાર પ્રવીણ ગઢવી, જાણીતા ડોક્ટર સુજાત વલી, પ્રોફેસર હેમંત શાહ, કોલેજ પ્રિ. અશ્વિન કારિયા, હરસિદ્ધ સન્યાલ, જજશ્રી સુરેશ પરીખ દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં આ કાયદો લાવવા હાઇકોર્ટમાં રીટ કરનાર અને તેનો પ્રચાર પ્રસાર અને પ્રકાશન કરનાર જાણીતા વકીલો હર્ષ રાવલ અને પિયુષ જાદુગર હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને સમ્યક સમાજ દ્વારા કાંશીરામ કાર્ય ઍવોર્ડની જાહેરાત
આ મહા સંમેલનમાં સુરતની સત્ય શોધક સભાના પ્રમુખ સૂર્યકાંત શાહ દ્વારા વિવેકપંથી બીપીન શ્રોફનું "રમણ ભ્રમણ સુવર્ણચંદ્રક" આપીને સન્માન કર્યું હતું. ત્યારબાદ સંપાદિત લેખ સંગ્રહ 'કર્મનો સિદ્ધાંત' અને 'ચાલો જાણી આપણે ભવિષ્ય ભારતીય બંધારણ' પુસ્તકોનો પણ વિમોચન કરાયું હતું.
આ કાર્યક્રમમાં આદિવાસીઓની અંધશ્રદ્ધા દૂર કરવા બાબતે હાઇકોર્ટ દ્વારા કરાયેલ સફળ સૂચનો અને દર વર્ષે રૂપાલની પલ્લીમાં થતા શુદ્ધ ઘી ના બગાડ અંગે જાગૃતિ લાવવા કરાયેલ પ્રદર્શનને જોવા ગુજરાતભરના રેશનાલિસ્ટો જોડાયા હતા.
આ મહાસંમેલનમાં કાયદા અંગે પોલીસ સાથે જોડાઈને આગામી સમયમાં આ બાબતે ગુજરાતના દરેક જિલ્લામાં આવા જાગૃતિ કાર્યક્રમ કરવાનો નિર્ણય લેવાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશનના સુનિલ ગુપ્તા, લંકેશ ચક્રવર્તી, પારિતોષ શાહ, પ્રકાશ બેન્કર, મનીષી જાની ડોક્ટર સુજાત વલિ, ગોવિંદ મારુ, ડોક્ટર સુષ્મા અય્યર, કમલેશ જાદવ અને મધુભાઈ કાકડિયાએ સહયોગ કરેલ હતો.
ફોટોઃ પિયુષ સોલંકી
અહેવાલઃ પિયુષ જાદુગર, ભરત જાદવ
આ પણ વાંચો: એકસાથે 40 દલિત સર્જકોની કેફિયત રજૂ કરતું પુસ્તક પ્રકાશિત થયું