રામલીલામાં હનુમાન બનેલા શખ્સને આવ્યો હાર્ટઍટેક, મંચ પર જ થયું મોત, લોકો અભિનય સમજી તાળીઓ પાડતા રહ્યાં
હરિયાણાના ભિવાનીમાં રામલીલાના ચાલુ કાર્યક્રમમાં હનુમાનજીનો રોલ ભજવી રહેલા કલાકારને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. દુઃખની વાત એ રહી કે લોકો હુમલાને અભિનય સમજીને તાળીઓ પાડતા રહ્યાં. પરિણામે તેનું મંચ પર જ મોત થઈ ગયું. વાંચો અહેવાલ.
અયોધ્યામાં રામ મંદિરના અભિષેક દરમિયાન હરિયાણાના ભિવાની જિલ્લામાં એક મોટી ઘટના બની છે. કથિત પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભિવાનીમાં ન્યૂ બાસુકીનાથ રામલીલા સમિતિ દ્વારા મંચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હનુમાનનું પાત્ર ભજવતા ભિવાનીના હરીશ કુમારનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના બની એ દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોને લાગ્યું કે હનુમાનનો રોલ ભજવી રહેલો હરીશ મહેતા અભિનય કરી રહ્યો છે અને તેઓ તાળીઓ પાડી રહ્યાં હતા.
જો કે, ઘણી વાર પછી પણ હરીશ મહેતા ઉઠ્યો નહીં એટલે ત્યાં હાજર લોકોએ તેને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તે ઉઠ્યો નહીં એટલે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હરીશ મહેતાના નિધનના સમાચાર જેવા લોકોને મળ્યાં કે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હરીશની સાથે રામલીલામાં કામ કરતા લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
25 વરસથી હરીશ મહેતા હનુમાનજીનો રોલ ભજવી રહ્યો હતો
મૃતક હરીશ મહેતા છેલ્લાં 25 વર્ષથી સ્થાનિક રામલીલામાં હનુમાનજીનો રોલ ભજવી રહ્યો હતો. જે વીજળી વિભાગમાં JE ના પદ પરથી નિવૃત્ત થયો હતો. સોમવારે જ્યાં દેશભરમાં રામલલાની કથિત પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો ત્યારે ભિવાનીના જવાહર ચોકમાં પણ એક સામાજિક સંસ્થા દ્વારા રામના રાજતિલકનું આયોજન કરવામાં આવ્યું હતું. એ દરમિયાન હરીશ મહેતા હનુમાનજીનો રોલ ભજવી રહ્યો હતો, ત્યાં અચાનક જ તેને હૃદયરોગનો હુમલો આવી ગયો હતો અને તે રામનો રોલ ભજવી રહેલા કલાકારની બાજુમાં જ ઢળી પડ્યો હતો. એ પછી તેને હનુમાનજીના ડ્રેસમાં જ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પણ ત્યાં સુધીમાં તેનો જીવ જતો રહ્યો હતો.
આ પણ વાંચોઃ “મારા દાદા ડૉ. બાબાસાહેબ આંબેડકરે ચેતવ્યા હતા કે...” પ્રકાશ આંબેકરે રામ મંદિરનું નિમંત્રણ ઠુકરાવ્યું
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.