આદિવાસી યુવા નેતા ચૈતર વસાવાને 40 દિવસ બાદ જામીન મળ્યાં, કાલે જેલમાંથી બહાર આવશે

નર્મદાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે શરતી જામીન મળ્યાં છે. શું છે આખો મામલો અને આગળ તેમને કેવા નિયમોનું પાલન કરવું પડશે, જાણો આ રિપોર્ટમાં.

આદિવાસી યુવા નેતા ચૈતર વસાવાને 40 દિવસ બાદ જામીન મળ્યાં, કાલે જેલમાંથી બહાર આવશે

આદિવાસી સમાજના યુવા નેતા અને AAP ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે 40 દિવસ બાદ શરતી જામીન મળ્યાં છે. ચૈતર વસાવાને વનકર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાના ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં બહાર રાખવાની શરતે જામીન આપ્યા છે. કોર્ટે એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ સિવાયના વિસ્તારમાં રહેવાનું રહેશે. 40 દિવસ બાદ ચૈતર વસાવાને જામીન મળ્યાં છે. જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન્સ જજ એન. આર. જોશીની કોર્ટ ચૈતર વસાવાના જામીન મંજૂર કરતા કાલે તેઓ જેલમાંથી બહાર આવશે.

ચૈતર વસાવા ભરૂચ બેઠકથી લડશે લોકસભાની ચૂંટણી

અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને ભરૂચના નેત્રંગમાં જનસભાને સંબોધી હતી. જ્યાં કેજરીવાલએ  મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, ભરૂચ લોકસભા માટે ચૈતર વસાવા આપના ઉમેદવાર છે. ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. ષડયંત્ર રચી જો ચૈતર વસાવાને જેલની બહાર ન આવવા દીધા તો તેઓ જેલમાંથી પણ ચૂંટણી લડશે. કેજરીવાલની આ જાહેરાત બાદ એટલું નક્કી છે કે ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે.

એ વખતે પંજાબના સીએમ ભગવંત માને જનસભાને સંબોધતા કહ્યું હતું કે, ચૈતર વસાવા આદિવાસી સમાજના સિંહ છે. ભાજપ ક્યારેય તેમને ડરાવી, ધમકાવી નહીં શકે. તેઓ સિંહ છે અને સિંહને પાંજરામાં પૂરીને ભાજપ ઘાસ નાખશે તો પણ તે નહીં ખાય. ચૈતર વસાવા સિંહ છે અને પોતાનો શિકાર જાતે જ કરશે.

કોણ છે ચૈતર વસાવા?

2019ની વિધાનસભા ચૂંટણીમાં નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પરથી AAP ના ઉમેદવાર તરીકે જીતીને પહેલીવાર વિધાનસભામાં પહોંચેલા ચૈતર વસાવાને મજબૂત આદિવાસી નેતા માનવામાં આવે છે. આ બેઠક પર ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા હતા. જ્યારે બીજા નંબરે રહેલા ભાજપના ઉમેદવાર હિતેશકુમાર દેવજીભાઈ વસાવાને 60 હજારથી વધુ વોટ મળ્યા હતા. ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓ છેલ્લાં એક દાયકાથી વધુ સમયથી સક્રિય રાજકારણમાં છે. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂકી છે અને હાલ પણ સભ્યપદે છે. તેમના દાદા ભંગડાભાઈ વર્ષોથી ખેત-મજૂરી કરતા હતા. તેમને પાંચ પુત્રો છે, જેમાં તેમના પિતા દામજીભાઈ વસાવા સૌથી મોટા છે. તેમને ચાર બહેન અને પાંચ ભાઈ છે. દિગ્ગજ આદિવાસી નેતા છોટુભાઈ વસાવા પાસેથી રાજકારણના પાઠ શીખનાર ચૈતર વસાવાને દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાના ભવિષ્યના મોટા નેતા માનવામાં આવે છે. ખાસ કરીને યુવા વર્ગમાં તેમની મજબૂત પકડ છે અને આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને સતત અવાજ ઉઠાવતા રહે છે. જો કે, મોટાભાગના નેતાઓ સત્તા માટે આદિવાસી સમાજના ઘોર વિરોધીઓની પંગતમાં બેસી જતા હોય છે, ત્યારે ચૈતર વસાવાના મામલામાં પણ આ પ્રકારની ભીતિ રાજકીય વિશ્લેષકો સેવી રહ્યાં છે.

આ પણ વાંચો : આદિવાસી અધિકારોનો સબળ અવાજ: જયપાલ સિંહ મુંડા

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.