મેલી વિદ્યાની શંકાએ ટોળાએ બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી મારી નાખી
મેલી વિદ્યાની શંકાએ ગામલોકોએ બે આદિવાસી મહિલાઓને નિર્વસ્ત્ર કરી, માર મારી મારીને હત્યા કરી દીધી છે.
એકબાજુ મણિપુરમાં છેલ્લાં એક વર્ષથી આદિવાસી કુકી અને નાગા સમાજ અસ્તિત્વ બચાવવા સંઘર્ષ કરી રહ્યો છે. બીજી તરફ દેશના અન્ય રાજ્યોમાં પણ આદિવાસીઓ પર અત્યાચાર ખતમ થવાનું નામ નથી લઈ રહ્યાં. આવી જ એક ઘટના ગઈકાલે બની ગઈ જેમાં બે આદિવાસી મહિલાઓને એક ગામમાં લોકોએ જાદુટોણાંની આશંકાએ નિર્વસ્ત્ર કરી, લાકડીઓથી માર મારીને હત્યા કરી નાખી અને પછી લાશોને નહેરમાં ફેંકી દીધી હતી.
ઘટના પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના હરિસારા ગામની છે. અહીં બે આદિવાસી મહિલાઓને મેલીવિદ્યાની શંકામાં ગામલોકોએ મળીને બંનેને નગ્ન કરી માર માર્યો હતો. ટોળાંએ બંને મહિલાઓને ત્યાં સુધી લાકડીઓથી મારવાનું ચાલું રાખ્યું, જ્યાં સુધી બંનેનો જીવ ન નીકળી ગયો. એ પછી બંનેની લાશોને ગામ પાસેની એક નહેરમાં ફેંકી દીધી હતી. આ મામલે પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે.
આ ઘટના આદિવાસી સમાજના તહેવાર કરમ પૂજાના એક દિવસ પહેલા શુક્રવારે, 13 સપ્ટેમ્બરના રોજ બની હતી. હુમલાના એક દિવસ બાદ નજીકની નહેરમાંથી મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા.
સ્થાનિક નેતાએ ઉશ્કેરણી કરી અને ટોળું બંને પર તૂટી પડ્યું
આ હુમલાનો એક વિડિયો પણ સામે આવ્યો છે, જે હુમલાખોરોમાંથી જ કોઈ દ્વારા બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બંને મહિલાઓને નિર્વસ્ત્ર કરીને લાકડીઓથી સતત મારવામાં આવી રહી છે. લોકોએ તેમને ત્યાં સુધી માર માર્યો હતો, જ્યાં સુધી તેમનો જીવ ન નીકળી ગયો. મૃતક મહિલાઓની ઓળખ 54 વર્ષીય લોદગી કિસ્કૂ અને 40 વર્ષીય ડોલી સોરેન તરીકે થઈ છે.
આ પણ વાંચો: અંબાજીમાં આદિવાસી સમૂહલગ્નઃ માબાપના લગ્નમાં પુત્ર-પૌત્રની હાજરી
લોદગી કિસ્કૂના પરિવારે ગામના સ્થાનિક નેતા પર તેને બળજબરીથી ઘરેથી લઈ જવાનો અને ગ્રામજનોને તેના પર હુમલો કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. બીજી મૃત મહિલા પડોશી ગામની ડોલી સોરેન હતી, જે લોદગીને મળવા આવી હતી અને તે પણ ટોળાની હિંસાનો શિકાર બની ગઈ હતી.
લોદગીને ડાકણ ચિતરી હત્યા કરી દેવાઈ
સમગ્ર મામલે લોદગીની પુત્રી રાની કિસ્કુએ જણાવ્યું કે, 'ગામના આગેવાન લક્ષ્મીરામ મારી માતાને અમારા ઘરેથી લઈ ગયા હતા. અમને ખબર નહોતી કે મારી માતાએ શું ખોટું કર્યું છે. બાદમાં અમને જાણવા મળ્યું કે તેમણે મારી માતાને મારી નાખી છે. હવે અમને ડર છે કે તેઓ અમને પણ મારી નાખશે.
બીજી તરફ સ્થાનિક નેતા લક્ષ્મીરામની પત્નીએ દાવો કર્યો હતો કે, 'મારા પતિ એક દેવાંશી(સ્વયંભૂ આધ્યાત્મિક નેતા) છે.
લોદગીને જોયા પછી મારું બાળક બેહોશ થઈ ગયું ત્યારે તેઓ સૂતા હતા. લોદગીએ કહ્યું કે તે બધાંનું લોહી પી જશે. એટલે મેં રાડો પાડવાનું શરૂ કરી દીધું, મારી ચીસો સાંભળીને બધાં દોડતા પહોંચી ગયા અને લોદગીને ખેંચીને દૂર લઈ ગયા. તે એક રાક્ષસી હતી અને તેણે અમારા ગામના ઘણાં લોકોને નુકસાન પહોંચાડ્યું હતું. ગામે મળીને તેને મારી નાખી.
હત્યા કરી લાશો કેનાલમાં ફેંકી દીધી
ગામની બીજી અનેક મહિલાઓએ પણ આ વાત દોહરાવી હતી અને આરોપ લગાવ્યો કે મૃતક બંને મહિલાઓ મેલીવિદ્યા કરવા માટે જાણીતી હતી. એક ગ્રામીણ શર્મિલા કિસ્કુએ કહ્યું, 'એવું માનવામાં આવે છે કે તે પોતાની ધાર્મિક વિધિઓ દ્વારા અન્ય લોકોને નુકસાન પહોંચાડતી હતી.'
ઉલ્લેખનીય છે કે, આ બંને મહિલાઓ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમને નિર્વસ્ત્ર કરીને બાંધી દેવામાં આવી હતી અને મારી મારીને મોતને ઘાટ ઉતારી દેવાઈ હતી. તેમની હત્યા પછી તેમના મૃતદેહને અપવિત્ર માનીને નજીકની કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ હુમલામાં કથિત રીતે ગામના અનેક સ્ત્રી-પુરૂષો સામેલ હોવાનું કહેવાય છે.
મેલી વિદ્યાના નામે ઘર પડાવી લેવાય છે
છેલ્લાં કેટલાક વર્ષોમાં બીરભૂમ જિલ્લામાં આવી હિંસાની અનેક ઘટનાઓ બની છે. જેમાં ઘણીવાર મહિલાઓ પર મેલીવિદ્યાનો આરોપ લગાવીને તેમની કાંતો હત્યા કરી દેવામાં આવે છે અથવા ઘરમાંથી તગેડી મૂકવામાં આવે છે. શાંતિનિકેતન નજીકના ગામોમાં પરિવારો પર મેલીવિદ્યાના આરોપ મૂકવામાં આવ્યા બાદ અનેક પરિવારોએ ઘર છોડીને જતા રહેવું પડ્યું છે. એ પછી તેમના ઘરો પર કબજો કરવામાં આવ્યો હતો. કેટલાક આદિવાસી વિસ્તારોમાં આ કુપ્રવૃત્તિ વધતી જઈ રહી છે.
RSS અહીં મેલી વિદ્યા જેવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે?
ઉલ્લેખનીય છે કે જ્યાં આ ઘટના બની તે વિસ્તાર મયુરેશ્વર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે, જે લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સંગઠનાત્મક ગઢ છે. હિન્દુત્વવાદી જૂથો દાયકાઓથી અહીં સક્રિય રીતે કાર્યરત છે, જેઓ કથિત રીતે આદિવાસી વસ્તીમાં તેમનો પ્રભાવ વધારવા માટે મેલીવિદ્યા જેવી પ્રથાઓનો ઉપયોગ કરે છે. વનવાસી કલ્યાણ આશ્રમ અને સરસ્વતી શિશુ મંદિર જેવી સંસ્થાઓ વિવિધ એનજીઓ સાથે 30 વર્ષથી વધુ સમયથી આ પ્રદેશમાં તેમની પહોંચ વિસ્તારી રહી છે.
આ મામલે આદિવાસી અધિકાર મંચના સ્થાનિક આદિવાસી નેતા સુફલ મુર્મુએ જણાવ્યું કે, 'આવી હિંસા પહેલા સામાન્ય નહોતી, પરંતુ હવે આ વિસ્તારોમાં યજ્ઞ અને પૂજા વિધિ જેવી હિંદુ પ્રથાઓ વધુને વધુ પ્રચલિત બની રહી છે. તેની પાછળનો રાજકીય ઈરાદો સ્પષ્ટ છે. આવી ક્રૂર હત્યાઓથી આદિવાસી સમાજને ન્યાય કેવી રીતે મળી શકે, જ્યારે વાસ્તવમાં નિર્ણયો ક્યાંય બીજેથી લેવામાં આવી રહ્યા હોય?
સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતા ધીરેન્દ્ર નાથ બંદોપાધ્યાયે કહ્યું, 'અહીં 'દેવાંશી' જેવું કંઈ નથી. એ કમનસીબી છે કે, ગામડાઓમાં આવી ઘટનાઓને બનતી રોકવામાં આવતી નથી.
હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને અત્યાર સુધીમાં 15 લોકોની અટકાયત કરી છે.
આ પણ વાંચો: "આબરૂ ગઈ, હવે લોકો સામે આંખ પણ મિલાવી શકતી નથી" - મણિપુરમાં નગ્ન પરેડનો શિકાર બનેલી આદિવાસી મહિલાઓ