ગઢડાના માંડવધારમાં આજે વિખ્યાત બહુજન સાહિત્યકાર વિશન કાથડની ભવ્ય ભીમ સંધ્યા

ગઢડાના માંડવધારમાં આજે વિખ્યાત બહુજન સાહિત્યકાર વિશન કાથડની ભવ્ય ભીમ સંધ્યા
ફોટોઃ માંડવધાર ગ્રુપ

ગુજરાતમાં ધીમી પણ મક્કમ ગતિએ બહુજન સાહિત્ય પોતાના મૂળ મજબૂત કરી રહ્યું છે ત્યારે આજે ક્રાંતિસૂર્ય બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે બોટાદ જિલ્લાના માંડવધારમાં વિખ્યાત બહુજન સાહિત્યકાર વિશનભાઈ કાથડનો ભવ્ય ભીમ સંધ્યાનો કાર્યક્રમ યોજાનાર છે. જેને લઈને સમગ્ર બોટાદ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં બહુજન સાહિત્યના ચાહકોએ હાલ માંડવધારની વાટ પકડી છે. માંડવધાર યુવા આઝાદ ગ્રુપ તથા બોટાદ જિલ્લા બહુજન સમાજ આયોજિત 'એક શામ બહુજન મહાપુરુષો કે નામ' સૂત્ર હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વિખ્યાત બહુજન સાહિત્યકાર વિશનભાઈ કાથડ બહુજન સાહિત્યના રંગ પ્રસરાવશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાનકડી ભીમપુત્રી સ્વરા વાણવીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સ્વરાને જે લોકો ઓળખે છે, તેમને તેના વિશે વધુ કશું જણાવવાની જરૂર નથી.

આ કાર્યક્રમ પહેલા બોટાદના ગોકુળિયાનાથની જગ્યા ખસ રોડ પરથી ગઢડા જીનના નાકાથી માંડવધાર સુધી એક ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ પહેલા બહુજન સાહિત્યકાર વિશન કાથડે khabarantar.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ કાર્યક્રમ વિશેષ એટલા માટે છે કેમ કે આજે ક્રાંતિસૂર્ય, બહુજન જનનાયક બિરસા મુંડાની જન્મજયંતિનો દિવસ છે. સામાન્ય રીતે આદિવાસી સમાજમાં આ દિવસની ભવ્ય ઉજવણી થતી હોય છે અને અન્ય સમાજના લોકો તેનાથી અજાણ કે અલિપ્ત રહેતા હોય છે. પણ હવે આ વાડાઓ તૂટી રહ્યાં છે કેમ કે, બોટાદના માંડવધારમાં આદિવાસી સમાજની વસ્તી નહિવત છે, તેમ છતાં આ દિવસે બહુજન સમાજ તેના વીર યોદ્ધાની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યો છે. આ એક ક્રાંતિકારી પગલું છે, જે ભવિષ્યમાં બહુજન સમાજને એક મજબૂત મિશન તરફ દોરી જશે. આજે હું, ડો. બાબાસાહેબ આંબેડકર, ફૂલે, પેરિયાર, શાહુજી મહારાજ સાથે ક્રાંતિસૂર્ય બિરસા મુંડાની વાત પણ મજબૂતીથી સમાજ વચ્ચે મૂકવાનો છું."

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ઉમટી પડનાર સંભવિત મેદની અને જોશને પહોંચી વળવા માટે માંડવધાર યુવા આઝાદ ગ્રુપ દ્વારા માઈક્રો લેવલનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આમ પણ વિશનભાઈ કાથડની લોકપ્રિયતાના કારણે ધાર્યા કરતા બમણી જનમેદની ઉમટી પડવાની વાતની કોઈ નવાઈ નથી. ત્યારે આ કાર્યક્રમમાં પહેલેથી જ આયોજકોએ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કર્યું છે.

આ પણ વાંચોઃ આદિવાસી સમાજનું ગૌરવઃ National Gamesમાં ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે 5 હજાર મીટર દોડમાં Silver મેડલ મેળવ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.