મને અભિનંદનમાં બુકે નહીં, પુસ્તક ભેટમાં આપજો : હેમંત સોરેન
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ધમાકેદાર જીત બાદ દિગ્ગજ આદિવાસી નેતાએ બુકેની જગ્યાએ પુ્સ્તકોની ભેટ માંગીને નવો ચીલો ચાતર્યો છે.

ઝારખંડમાં સતત બીજી વાર જીત મેળવીને મુખ્યમંત્રી બનવા જઈ રહેલા દિગ્ગજ આદિવાસી નેતા અને ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ હેમંત સોરેન પર ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. જો કે હેમંત સોરેને અભિનંદનમાં એક મજાની શરત રાખીને સમસ્ત બહુજન સમાજનું દિલ જીતી લીધું છે. તેમણે શુભેચ્છકો પાસે અભિનંદનમાં ફૂલોના બુકેને બદલે પુસ્તકોની માંગણી કરી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે, "દેશભરમાંથી મને જે શુભકામનાઓ મળી રહી છે તેના માટે હું હૃદયપૂર્વક સૌ કોઈનો આભાર માનું છું. 2019 ની જેમ, હું બધાને વિનંતી કરીશ કે જો તમે મને મળવા આવો છો, તો મને ગુલદસ્તાને બદલે પુસ્તક આપો."
તેમણે કહ્યું કે, "જ્યારે હું જેલમાં હતો ત્યારે મને તમારા બધાં દ્વારા ભેટમાં આપવામાં આવેલા પુસ્તકો વાંચવા માટે ઘણો સમય મળ્યો હતો. તેના માટે દરેકનો આભાર.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં ચૂંટણી જીત્યા પછી પણ હેમંત સોરેને કહ્યું હતું કે જ્યારે તેઓ ફૂલોની સંભાળ રાખી શકતા નથી ત્યારે તેમને ખરાબ લાગે છે.
ઉલ્લેખનીય છે કે, હેમંત સોરેનના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા ગઠબંધનને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં અભૂતપૂર્વ બે તૃતીયાંશ બહુમતી મળી છે. 81 બેઠકોની આ ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનને 56 બેઠકો મળી અને બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરી છે. જ્યારે ભાજપને માત્ર 24 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
સોરેન 28 નવેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે અને ત્યાં સુધી તેઓ કાર્યકારી મુખ્યમંત્રી રહેશે. રવિવારે તેઓ રાજ્યપાલ સંતોષ ગંગવારને મળ્યા હતા અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. સાથે જ નવી સરકારની રચના માટે ધારાસભ્યોના ટેકાનો પત્ર પણ આપ્યો હતો. અગાઉ, ઈન્ડિયા ગઠબંધનના ધારાસભ્યોની બેઠકમાં, હેમંત સોરેનને વિધાનસભા ગૃહના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: હિંમત હોય તો કૌભાંડના પુરાવા આપો, હું રાજનીતિ છોડી દઈશ; ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનનો ખૂલ્લો પડકાર