મેઘરજના ઘોરવાડામાં વાત્રકના વાંઘામાંથી સ્મશાનયાત્રા કાઢવી પડી
વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે અંતરિયાળ ગામોની વરવી વાસ્તવિકતા. 10 વર્ષથી ગામમાં યોગ્ય રસ્તાના અભાવે હજારો લોકો હેરાન પરેશાન.

- વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે અંતરિયાળ ગામોની વરવી વાસ્તવિકતા
- ગ્રામ પંચાયતે 10 વર્ષથી લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી
- ભારે વરસાદને કારણે વાત્રક નદી પાણથી ભરપૂર હોવાથી પાણી ભરાયેલું રહે છે
- 12 ગામના ખેડૂતો, શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ વાંઘામાંથી પસાર થવા મજબૂર
- રસ્તાના અભાવે 108 પહોંચી શકતી નથી, દર્દીને ઉચકીને બહાર સુધી લઈ જવા પડે છે
The reality of Gujarat's development : તંત્ર દ્વારા ગામડે ગામડે વિકાસ પહોંચ્યો હોવાની વાતો થઈ રહી છે, વિકાસ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યા છે પરંતુ હજુ પણ એવા કેટલાક ગામડાઓ છે કે જ્યાં પાયાની સુવિધાઓ પણ પહોંચી નથી અને પ્રજાજનોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. વાત છે મેઘરજના અંતરિયાળ ઘોરવાડાથી ઓઢા (પાણીબાર) વાડા રસ્તાની. આ 4 કિલોમીટરનો રસ્તો બનાવવા માટે ઘોરવાડા ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરીને છેલ્લા 10 વર્ષથી તંત્રમાં માગ કરી છે પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જેથી આજે પણ આ વિસ્તારના લોકોને રસ્તા વગર ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
આ બે ગામ વચ્ચે વાત્રક નદીનું વાંઘુ આવે છે. આ ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદના કારણે વાત્રક નદી ફૂલ છે, જેથી વાંઘામાં પાણી ભરેલું છે. કોઈપણ કામકાજ માટે જવું હોય તો આ વાંઘુ પસાર કરીને જ જવાય. બંને તરફના લગભગ 12 ગામોના લોકોની ખેતીવાડીના કામકાજ માટે વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા માટે અથવા કોઈ બીમારી હોય એવા સમયે 108ની સેવા પણ પહોંચી શકતી નથી. આ સમયે દર્દીઓને ઊંચકીને હોસ્પિટલમાં લઇ જવા ગામલોકો મજબૂર છે.
બેન્કનું કામ હોય, બીજા કોઈ વહીવટી કામકાજ હોય તો પણ આજ રસ્તે થઈને જવું પડે છે. ત્યારે ગઈકાલે ગામમાં એક વૃદ્ધાનું અવસાન થતાં વૃદ્ધાની અંતિમ યાત્રા પણ કમરસમા પાણીમાં થઈને કાઢવા ડાઘુઓ મજબૂર બન્યા હતા.
તંત્ર આશ્વાસનો આપે છે પણ કામ કરતું નથી: સરપંચ
આ અંગે ઘોરવાડા ગામના સરપંચ જશોદાબેનને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, આ 4 કિમીના રસ્તા માટે ગ્રામપંચાયતમાં ઠરાવ કરીને માર્ગ અને મકાન વિભાગમાં રસ્તો બનાવવા અને વાત્રક નદીના વાંઘા પર ડીપ અથવા પુલ બનાવવા માટેની માગ કરી છે. તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે પણ કામ થતું નથી.
દરખાસ્ત મોકલી છે, મંજૂર થયે કામ કરવામાં આવશે
મેઘરજ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર ચિરાગ નિનામાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, આ રસ્તા માટે માર્ગ અને મકાન વિભાગ સર્કલ ઓફીસ અમદાવાદમાં 21-6-2024ના રોજ 4 કિમી રસ્તા માટે અંદાજીત 191 લાખ રૂપિયાની દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપી છે. સર્કલમાંથી મંજૂરી આવ્યા બાદ સરકારમાં મંજૂર કરાવીને કામ શરૂ કરાશે.
ધારાસભ્ય શું કહે છે?
હાલ પ્રજાજનો વહીવટી કામગીરી વચ્ચે પીસાઈ રહ્યા છે ત્યારે, જનતાના સેવક ભિલોડા મેઘરજના ધારાસભ્ય પીસી બરંડા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, "આ બાબતે બે માસ પહેલાં જ મેં તંત્રમાં રજૂઆત કરી છે. સરકારમાં પણ મેં કુલ 6 પુલ બનાવવા રજૂઆત કરી છે. એમાં ઘોરવાડાથી ઓઢા વચ્ચે વાંઘા પર પુલ બનાવવા માટે માગણી કરી છે. મેઘરજ માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર દ્વારા દરખાસ્ત તૈયાર કરાવીને સરકારમાં મંજૂરી માટે મૂકી દીધી છે એટલે ખૂબ ઝડપી આ કામગીરી થઈ જશે. સરપંચ ધારાસભ્ય અને માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર દ્વારા કામગીરી કરાઈ રહી હોવાની વાતો કરાય છે પણ આ રસ્તા માટેના કામની શરૂઆત ક્યારે કરાશે તે જોવું રહ્યું."
આ પણ વાંચોઃ આદિવાસીઓને જંગલમાંથી હાંકી કાઢવા માટે ત્યાં દીપડો છોડી દેવાયો?