આદિવાસીઓને જંગલમાંથી ખદેડવા ત્યાં દીપડો છોડી દેવાયો?

શું આદિવાસીઓને જંગલમાંથી ખદેડવા માટે કોઈ આદમખોર દીપડાને તેમના વિસ્તારમાં ઉતારી શકે ખરું? આ સવાલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

આદિવાસીઓને જંગલમાંથી ખદેડવા ત્યાં દીપડો છોડી દેવાયો?
Ai Generated Image-Aaj tak

ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના ઉદયપુર અને તેની આસપાસના આદિવાસી વિસ્તારમાં છેલ્લાં 23 દિવસથી દીપડાએ આતંક મચાવ્યો છે. અહીંના ગોગુંદા અને સાયરા વિસ્તારમાં દીપડો અત્યાર સુધીમાં 7 લોકોને શિકાર બનાવી ચૂક્યો છે, જ્યારે ઝાડોલ વિસ્તારમાં બે અન્ય લોકો માર્યા ગયા છે. આમ છેલ્લાં 23 દિવસમાં દીપડો કુલ 9 લોકોને શિકાર બનાવી ચૂક્યો છે. આદિવાસી વિસ્તારમાં આ રીતે અચાનક દીપડો આતંક મચાવતા એક ચર્ચા એવી શરૂ થઈ ગઈ છે કે, આદિવાસીઓને જંગલ વિસ્તારમાંથી ખદેડવા માટે આદમખોર દીપડાને આ વિસ્તારમાં ઉતારવામાં આવ્યો છે.

આ મામલે હવે ભાજપ અને ભારત આદિવાસી પાર્ટી (BAP) ના સાંસદો એકબીજા પર શાબ્દિક પ્રહારો પર ઉતરી આવ્યા છે. બીજી તરફ 23 દિવસથી સર્ચ ઓપરેશન ચાલુ હોવા છતાં દીપડાને પકડવામાં વન વિભાગ નિષ્ફળ રહ્યું છે. સીસીટીવી કેમેરામાં દીપડાની કોઈ તસવીર કેદ થઈ નથી અને વન વિભાગ હજુ માત્ર તેના ફૂટ માર્કના આધારે તેની ભાળ મેળવવામાં લાગેલું છે. જેના કારણે એક એવી શંકા ઉભી કરવામાં આવી છે કે, આદિવાસીઓને જંગલ વિસ્તારમાંથી ખદેડવા માટે જાણીજોઈને અહીં આદમખોર દીપડાને ઉતારવામાં આવ્યો છે.

આ મામલે ઉદયપુરના ભાજપના સાંસદ મન્નાલાલ રાવતે ફેસબુક પર એક પોસ્ટ દ્વારા BAP પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું, "ગોગુંડા-સાયરાના જંગલોમાં આ દીપડાને ક્યાંય BAP તો નછી છોડ્યાં ને?" 

રાવતનું નિવેદન BAP ના કાર્યકરોના નિવેદન બાદ આવ્યું હતું, જેમાં કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો હતો કે દીપડાને જાણીજોઈને આદિવાસી વિસ્તારોમાં છોડવામાં આવ્યા હતા જેથી આદિવાસી સમાજને ત્યાંથી ભગાડી શકાય.

આ પણ વાંચો: બે આદિવાસી યુવકોને સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી બાંધીને માર્યા

સાંસદ રાવતે તેમની પોસ્ટ પર સ્પષ્ટતા કરતા કહ્યું, "BAP સભ્યો સતત સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે કે અમે આદિવાસીઓને જંગલોમાંથી દૂર કરવા માટે દીપડાને છોડ્યા છે. મેં જનતાને માત્ર એક પ્રશ્ન પૂછ્યો છે. - શું આ BAPનું કાવતરું તો નથી ને?

રાવતે એમ પણ કહ્યું હતું કે દીપડાના હુમલા શરૂ થતાંની સાથે જ તેઓ પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પીડિતોને રાહત અને વળતરની વ્યવસ્થા કરી હતી.

રાવતના આ નિવેદન સામે બાંસવાડા-ડુંગરપુરના BAP સાંસદ રાજકુમાર રોતે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે એક વિડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે, "મન્નાલાલ રાવતનું માનસિક સંતુલન બગડી ગયું છે. જો તેમને તાવ આવે તો પણ તે તેના માટે BAP ને દોષી ઠેરવશે. જ્યારે દીપડો ગોગુંડામાં સતત માણસ અને પશુઓનું મારણ કરી રહ્યો છે ત્યારે ભાજપના નેતાઓ તેમની જવાબદારીઓથી ભાગી રહ્યા છે અને સસ્તી રાજનીતિ કરે છે."

બાપ સાંસદ રાજકુમાર રોતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ગ્રામજનોને દીપડાના આતંકથી બચાવવા માટે રેલીમાં ભાગ લેનારા 16 BAP કાર્યકરો સામે ખોટા કેસ નોંધવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વહીવટીતંત્રને ચેતવણી આપવા માટે કાર્યકરોએ એક નાના રસ્તા પર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ભાજપે તેમને પણ છોડ્યા ન હતા.

રાજકુમાર રોત અને મન્નાલાલ રાવત વચ્ચેની આ શાબ્દિક ટપાટપીને કારણે સ્થાનિકોમાં એ સવાલે શંકા ઉભી થઈ છે કે, શું ખરેખર આદિવાસીઓને આ વિસ્તારમાંથી ખદેડવા માટે કોઈએ અહીં આદમખોર દીપડાને ઉતાર્યો છે? બીજી તરફ આ બંને સાંસદો વચ્ચે ચાલી રહેલા શબ્દ યુદ્ધને કારણે ઉદયપુરના આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે અને દીપડાના આતંકના મુદ્દાએ હવે રાજકીય રંગ લઈ લીધો છે.

આ પણ વાંચો: ભાજપ નેતાએ આદિવાસી ખેડૂત પર ટ્રેક્ટર ચડાવી દીધું, ઘટના સ્થળે જ મોત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.