ડભોઈમાં આદિવાસી સગીરા પર માતાના પ્રેમીએ દુષ્કર્મ આચર્યું

વિધવા માતા સાથે પ્રેમી તરીકે રહેતા શખ્સે દીકરી જેવી સગીરા પર દાનત બગાડી બે વાર દુષ્કર્મ આચર્યું

ડભોઈમાં આદિવાસી સગીરા પર માતાના પ્રેમીએ દુષ્કર્મ આચર્યું
image credit - Google images

વડોદરા (Vadodara) ના ડભોઈ (Dabhoi) માં એક આદિવાસી (Tribal) સમાજની સગીરા (Minor)  પર તેની માતાના પ્રેમી (Mother's Lover) એ બે વાર દુષ્કર્મ (Raped) આચર્યાની ઘટના ઘટી છે. વિધવા માતાના પ્રેમી તરીકે સાથે રહેતા લાલા વસાવા નામના શખ્સે સગીરા પર બે બે વાર એકલતાનો લાભ લઈને દુષ્કર્મ કરતા આખરે પીડિતાએ હિંમત કરીને તેની નાની અને માતાને મામલાની જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હવસખોર લાલા વસાવાની ધરપકડ કરતા પીડિતાએ તેને ફાંસીની સજા આપવા માંગ કરી છે.

ડભોઇમાં શ્રમજીવી પરિવારની સગીરા કન્યાના પિતાનું 11 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. સગીરા તેના ભાઈ અને માતા સાથે રહેતી હતી. તેમની સાથે માતાના પતિ તરીકે છેલ્લા સાત વર્ષથી લાલા વસાવા નામનો શખ્સ રહેતો હતો. સગીરાની માતા મજૂરી કામે જાય ત્યારે આ હવસખોર તેની દીકરી સમાન સગીરા ઉપર દાનત બગાડતો હતો અને અવારનવાર અડપલા કરતો હતો. 

ત્રણ માસ પહેલા સગીરા ઘરમાં એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈને હવસખોર લાલાએ દુષ્કર્મ આચર્યું હતું. એ પછી તેણે કોઇને આ બાબતની જાણ ન કરવા માટે ધમકી આપી હતી. એ પછી તેણે ત્રણ દિવસ બાદ ફરી એકવાર સગીરાની એકલતાનો લાભ લઇને મરજી વિરુદ્ધ ઘરમાં જ દુષ્કર્મ આચર્યું હતું. 

દરમિયાન થોડા દિવસ પહેલા સગીરા ઘરમાં રડતી હતી. ત્યારે ત્યાં પહોંચેલી તેની નાનીએ સગીરાને રડવાનું કારણ પૂછ્યું હતું. તેણે લાલાએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. તે જ સમયે મજૂરી કામેથી પરત ફરેલી  સગીરાની માતાએ પણ દીકરીને રડવાનું કારણ પૂછતાં સગીરાએ લાલાએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. તેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે લાલાને શોધી કાઢી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ મેલી વિદ્યાની આશંકાએ ટોળાંએ બે આદિવાસી મહિલાઓને નગ્ન કરીને મારી નાખી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.