જાતિ ગણતરી શા માટે જરૂરી છે અને તેનું પરિણામ શું હશે?
બહુજન સમાજના મોટાભાગના લોકો જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દાને ટેકો આપે છે, પણ શા માટે તે જરૂરી છે, તેની વાત અહીં કરવી છે.
તાજેતરની લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં (મે 2024), INDIA ગઠબંધને તેના ચૂંટણી પ્રચારમાં જાતિની વસ્તી ગણતરીના મુદ્દાને મહત્વનું સ્થાન આપ્યું હતું. અન્ય પરિબળો ઉપરાંત, આ મુદ્દાએ પણ ચૂંટણીમાં તેના સારા પ્રદર્શનમાં ફાળો આપ્યો હતો. જો કે, આ ગઠબંધન સરકાર બનાવવા માટે પૂરતી બેઠકો મેળવી શક્યું નહોતું. બીજેપીના સહયોગી નીતીશ કુમાર બિહારમાં જ્ઞાતિની વસ્તી ગણતરી કરી ચૂક્યા છે, જોકે તેમણે આ મુદ્દાને હાલ પૂરતો સ્થગિત રાખ્યો છે. નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટ પર ચર્ચા દરમિયાન વિપક્ષે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમાં જાતિ ગણતરીની માંગ ખૂબ જ મજબૂત અને અસરકારક રીતે ઉઠાવવામાં આવી હતી. ખાસ કરીને બજેટનો ફોટો બતાવીને રાહુલ ગાંધીએ જ્યારે કહ્યું કે, બજેટ તૈયાર કરનારા મોટાભાગના સવર્ણો છે અને બજેટના લાભાર્થીઓ માત્ર અમુક ઉચ્ચ વર્ગના લોકો જ છે ત્યારે જાતિની ગણતરી મહત્વની બની જાય છે.
ભાજપના અનુરાગ ઠાકુરે સંસદમાં કહ્યું કે, જેમને પોતાની જાતિની ખબર નથી, તેઓ જાતિની ગણતરીની માંગ કરી રહ્યાં છે. એ પછી હોબાળો મચી ગયો હતો. અખિલેશ યાદવથી લઈને તમામ વિપક્ષી નેતાઓએ આ બાબતનો વિરોધ કર્યા પછી અનુરાગ ઠાકુરના આ નિવેદનને લોકસભાની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવી હતી પરંતુ વડાપ્રધાને ટ્વિટ કરીને તેમના ભાષણને સહમતી આપી હતી.
જાતિની વસ્તી ગણતરી જરૂરી છે. કારણ એ છે કે અનામતની ટકાવારી દાયકાઓ પહેલા નક્કી કરવામાં આવી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ વસ્તીમાં વિવિધ જાતિઓના હિસ્સામાં ઘણું પરિવર્તન આવી ગયું છે. અનુરાગ ઠાકુર અને નરેન્દ્ર મોદી જે વિચારધારા સાથે જોડાયેલા છે, તે વિચારધારા સકારાત્મક ભેદભાવની નીતિ અપનાવીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજોને અન્ય સમાજોની સમકક્ષ લાવવાના પ્રયત્નોની વિરુદ્ધ છે. જો કે દલિતોની સામાજિક સમસ્યાઓ માત્ર આર્થિક રીતે સક્ષમ બનવાથી ખતમ નહીં થાય, પણ એમાં કોઈ શંકા નથી કે સારી આર્થિક સ્થિતિ સામાજિક સ્થિતિમાં પણ સુધારો લાવે છે.
આ પણ વાંચો: મોદી સવર્ણોના તરફદાર હોવાથી જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરાવતા
ભારતીય સમાજ જાતિ પ્રથાની ચુંગાલમાં ઊંડે સુધી ફસાયેલો છે. જેના કારણે જાતિ વ્યવસ્થાના પીડિતોને સામાજિક ન્યાય, સન્માન અને પ્રતિષ્ઠા મળે તે સુનિશ્ચિત કરવું આસાન નથી. દલિતોને સન્માન અને સમાનતા અપાવવાનો સંઘર્ષ ઘણો લાંબો અને મુશ્કેલ રહ્યો છે. આ દિશામાં પહેલો પ્રયાસ જોતિરાવ ફુલેએ કર્યો હતો. તેમને સમજાયું કે જાતિ પ્રથા એ હિંદુ સમાજની સૌથી મોટી નબળાઈ છે. દલિતોને ભણવા અને લખવાની છૂટ ન હોવાથી ફુલેએ દલિતો માટે શાળાઓ ખોલી. જાતિપ્રથાને જાળવી રાખવામાં લૈંગિક અસમાનતા પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી સાવિત્રીબાઈ ફુલેએ કન્યાઓ માટે શાળાઓ ખોલી. જાતિ અને લૈંગિક સમાનતા સ્થાપિત કરવાના આ પ્રયાસો લગભગ એક સદી પહેલા કરવામાં આવ્યા હતા.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે આ વર્ગોને વધુ જાગૃત કર્યા. દલિતોને સમજાયું કે મહારાષ્ટ્રમાં શેઠજી-ભટ્ટજી તરીકે ઓળખાતી જમીનદાર-પુરોહિતોની જોડી તેમની સૌથી મોટી વિરોધી છે. આ કારણે બ્રાહ્મણ વિરોધી ચળવળ શરૂ થઈ. બ્રાહ્મણોના વર્ચસ્વને પડકારતી આ ચળવળનો માર્ગ સરળ નહોતો. હિન્દુ-મુસ્લિમ એકતા સ્થાપવાના ગાંધીજીના પ્રયાસોથી ઉચ્ચ જાતિના લોકો પહેલેથી જ નારાજ હતા. એવામાં સમાન અધિકારો માટેની દલિતોની માંગે ઉચ્ચ જાતિઓને વધુ પરેશાન કરી. ઉચ્ચ જાતિના શ્રેષ્ઠીઓએ RSSની સ્થાપના કરી, જેનો ઉદ્દેશ્ય હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવાનો હતો. હિન્દુ રાષ્ટ્રની કલ્પના મનુસ્મૃતિ પર આધારિત છે. RSS એ ભારતના બંધારણનો એ આધાર પર વિરોધ કર્યો હતો કે, તેમાં ભારતના 'સુવર્ણ ભૂતકાળ'ના મૂલ્યોને સ્થાન આપવામાં આવ્યું નહોતું.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની અનામતની ધીમે ધીમે સમાજ પર અસર થવા લાગી. આ સાથે અફવાઓ ફેલાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ. અનામતનો લાભ મેળવનારાઓને 'સરકારી જમાઈ' કહેવાવા માંડ્યા અને એવી દલીલ કરવામાં આવી હતી કે તેઓ જે હોદ્દા ધરાવે છે તેને તેઓ લાયક નથી. એવું પણ કહેવામાં આવ્યું કે અનામતપ્રથા લાયક યુવાનોના માર્ગમાં અડચણરૂપ છે. ઉચ્ચ જ્ઞાતિના લોકોનો ગુસ્સો સૌથી પહેલા ગુજરાતના અમદાવાદમાં સામે આવ્યો હતો. માધવસિંહ સોલંકીની KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) થિયરીની સફળતાના વિરોધમાં તીવ્ર પ્રતિક્રિયા સામે આવી અને 1981માં ગુજરાતમાં દલિત વિરોધી હિંસા ફાટી નીકળી હતી. વિદ્વાન અચ્યુત યાજ્ઞિક લખે છે: "શિક્ષિત મધ્યમવર્ગ જેમાં બ્રાહ્મણો, વાણિયા અને પાટીદારો સામેલ છે, તેમણે 1981માં અનામત વિરોધી આંદોલન શરૂ કર્યું હતું."
આ પણ વાંચો: RSSના મુખપત્ર ‘પાંચજન્ય’માં જાતિ પ્રથાને 'જરૂરી' ગણાવવામાં આવી
1985માં પ્રમોશનમાં અનામતના વિરોધમાં ગુજરાતમાં ફરી એકવાર દલિત વિરોધી હિંસા થઈ હતી. તે જ સમયે વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિર આંદોલનને હવા આપવાનું શરૂ કર્યું અને લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા શરૂ કરી.
વી.પી. સિંહ, જેમની સરકારને એક તરફ ભાજપ અને બીજી તરફ ડાબેરી પક્ષોના ટેકાથી ચાલી રહી હતી, તેમણે પોતાની ખુરશી બચાવવા માટે મંડલ કમિશનના રિપોર્ટને અમલમાં મૂક્યો અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) જે કુલ વસ્તીના 55 ટકા છે, તેમને 27 ટકા અનામત આપી. ઉચ્ચ જાતિના લોકો મંડલ કમિશનની વિરુદ્ધ હતા. પરંતુ ચૂંટણીલક્ષી કારણોસર ભાજપ મંડલનો સીધો વિરોધ કરી શક્યો ન હતો. તેણે રથયાત્રાને સફળ બનાવવા તમામ પ્રયાસો કર્યા હતા. આ કૂચને મંડલ વિરોધી ઉચ્ચ જાતિઓ તરફથી જબરદસ્ત સમર્થન મળ્યું હતું. 'યુથ ફોર ઇક્વાલિટી' જેવી સંસ્થાઓ મંડલનો વિરોધ કરવા સામે આવી.
શરદ યાદવ, લાલુ યાદવ અને રામવિલાસ પાસવાન જેવા નેતાઓ મંડલ રાજકારણમાંથી સામે આવ્યા. ભાજપના ટોચના નેતા અટલ બિહારી વાજપેયીએ કહ્યું, "તેઓ મંડલ લાવ્યા તો અમે સામે કમંડલ લાવ્યા." ભાજપ સામાજિક ન્યાયનો વિરોધી રહ્યો છે અને એ વિરોધને તેણે મુસ્લિમ વિરોધના વાઘા પહેરાવ્યા છે. સુનિયોજિત કાવતરાના ભાગરૂપે બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. ભાજપનો ઉદ્દેશ્ય જાતિ આધારિત ઉંચનીચને જાળવી રાખીને હિંદુઓને એક વોટબેંક તરીકે એક કરવાનો છે. મંડલ પક્ષો ઘણી બાબતોમાં સફળ રહ્યા હતા પરંતુ તેમાંથી કેટલાકે પોતાના સંકુચિત હિતોને ખાતર મનુવાદી રાજનીતિ સાથે સમાધાન કરી લીધું હતું.
વિપક્ષ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ કેટલાક પક્ષો મંડલના વિરોધી રહ્યા છે. પરંતુ ભારત જોડો યાત્રા દરમિયાન ભારતના સામાન્ય લોકોની હાલત જોઈને તેમન સમજાઈ ગયું છે કે, જાતિ આધારિત વસ્તી ગણતરી તેમને અને દલિત, આદિવાસીઓ અને ઓબીસી સહિત સૌ કોઈના ફાયદામાં છે. એટલે વિપક્ષ તેના સમર્થનમાં છે. અનામતની ટકાવારી નક્કી કરવા માટે વિવિધ જાતિઓની વસ્તીના આંકડા જ આધાર ગણાય. પણ પીએમ મોદી સામાન્ય વસ્તી ગણતરી પણ કરાવવા તૈયાર નથી. જેના પરથી જ ખ્યાલ આવી જાય છે કે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાથી તેઓ અને તેમનો પક્ષ શા માટે ડરે છે.
આ પણ વાંચો: SC-ST-OBC ની સાચી વસ્તી જાણવા ગણતરી કરવી જરૂરી: અજિત પવાર