શિક્ષકોની ભરતીમાં બંધારણીય અનામતની ઠંડા કલેજે હત્યા

12 સપ્ટેમ્બરે બહાર પડેલી શિક્ષકોની ભરતીમાં કેવી રીતે એસસી, એસટી, ઓબીસીની અનામતની ઠંડા કલેજે હત્યા થઈ રહી છે તે સમજો.

શિક્ષકોની ભરતીમાં બંધારણીય અનામતની ઠંડા કલેજે હત્યા
image credit - Google images

Gujarat Teacher Recruitment: બાબાસાહેબ ડૉ. આંબેડકરના મહાસંઘર્ષ અને અસીમ બલિદાનના પ્રતાપે SC–ST-OBCને પ્રાપ્ત થયેલ બંધારણીય અનામતની ઠંડે કલેજે હત્યા કરી દેવાનો સરકારી કારસો સામે આવ્યો છે. 12 સપ્ટેમ્બર, 2024ના રોજ જાહેર થયેલી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા શિક્ષકોની ભરતીમાં કેટેગરી મુજબ ખાલી શિક્ષકોની જગ્યાઓમાં SC કેટેગરીના ઉમેદવારને ફરી  એકવાર સરકારી નીતિનો વરવો અનુભવ થયો છે. ઉચ્ચત્તર માધ્યમિકમાં જુદાજુદા વિષયોની કુલ 2,989 જગ્યાઓમાં SC કેટેગરીની માત્ર 84 જગ્યાઓ અને માધ્યમિક વિભાગમાં કુલ 2669 જગ્યાઓમાં SC કેટેગરીને માત્ર 72 જગ્યાઓ ફાળવવામાં આવી છે. સરકારના અણઘડ નિયમો અને રોસ્ટરના આટાપાટા વચ્ચે SC–ST-OBC કેટેગરીના ઉમેદવારો ભયંકર રીતે કચડાઈ રહ્યા છે તેઓ આ તાજો દાખલો તમારૂ લોહી લાવા બનાવી દે તેવો છે.

આ ભરતીમાં  વર્ષ 2016 અને તે પહેલાની ભરતીમાં નોકરીમાં જોડાયેલા SC-ST-OBC અને જનરલ કેટેગરીના શિક્ષકો ઉમેદવારી નોંધાવી શકે છે, તો EWS કેટેગરીનાં ઉમેદવારોની એકપણ જગ્યા હોવી જોઈએ નહીં, કારણ તે સમયે EWS કેટેગરીનું અસ્તિત્વ જ ન હતું. છતાં આ ભરતીમાં ઉ.માધ્યમિક વિભાગમાં EWSની 255 અને માધ્યમિક વિભાગમાં EWSની 328 જગ્યાઓ આપવામાં આવી છે. 

આ મુદ્દે બીજી આંખે ખૂંચનારી વાત એ છે કે આ ભરતી જૂના શિક્ષકોની છે, જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી 10 લાખ કરતા વધુની છે, જ્યારે EWSનો લાભ 8 લાખથી ઓછી આવકના ઉમેદવારોને મળે તેવી સરકારી જોગવાઈ છે. છતાં  EWSની બંન્ને વિભાગોમાં કુલ 583 જગ્યાઓ ફાળવવામાં આવી છે. સંઘ અને ભાજપની જુગલજોડીથી બનેલી આ સરકાર બંધારણીય જોગવાઈના ગાલ પર છડેચોક તમાચો મારી રહી છે અને છતાં સૌ ચૂપ છે.

આ ભરતીમાં એકને ગોળ અને બીજાને ખોળ નહીં પણ ધૂળ જેવો ઘાટ સર્જાયો છે, ત્યારે આ મુદ્દો હાઈકોર્ટમાં ચેલેન્જ થવો જોઈએ, જો ન થાય તો શિક્ષિતોની નસોમાં દોડતું લોહી, લોહી નહી પણ પાણી છે.

અહેવાલઃ મયૂર વાઢેર (લેખક વ્યવસાયે અંગ્રેજીના શિક્ષક અને બહુચર્ચિત પુસ્તક 'પૂના કરાર' ના લેખક છે.)


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Narendra Dholiya
    Narendra Dholiya
    અનામત મુદ્દે ચર્ચા તેમજ હાઇકોર્ટે માં જવું જ જોઈએ
    10 days ago