RSS સાથે જોડાયેલા હવસખોરે આદિવાસી સગીરા પાસે બિભત્સ માંગણી કરી

RSS અને VHP સાથે જોડાયેલા 42 વર્ષના પ્રિતેશ ઉર્ફે પપ્પુ શાહે આદિવાસી સગીરાનો ફોન નંબર મેળવી લઈ તેના નગ્ન ફોટા મોકલવાની માંગ કરી હતી. 

RSS સાથે જોડાયેલા હવસખોરે આદિવાસી સગીરા પાસે બિભત્સ માંગણી કરી
image credit - Google images

ગુજરાતના ગૃહમંત્રી મહિલા સુરક્ષાની મસમોટી વાતો કરતા હોય છે પરંતુ તેમનો પક્ષ જેની છત્રછાયા નીચે કામ કરે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જ એક કાર્યકરે એક આદિવાસી સગીરા પાસે બિભત્સ માંગણી કરી તેના અશ્લિલ ફોટા માંગતા ખળભળાટ મચી ગયો છે. વિશ્વ હિંદુ પરિષદનો પૂર્વ પ્રમુખ અને આરએસએસ સાથે જોડાયેલા આ લંપટ શખ્સ સામે પોક્સો જેવા ગંભીર ગુના હેઠળ કેસ નોંધાયો હોવા છતાં જજે તેના રિમાન્ડ નકારી કાઢ્યા હતા.

મામલો સુરતના માંડવીનો છે. અહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલો અને VHPનો પૂર્વ ઉપપ્રમુખ રહેલો 42 વર્ષીય પ્રિતેશ ઉર્ફે પપ્પુ શાહ પોક્સો જેવા ગંભીર ગુનામાં સપડાયો છે. પપ્પ શાહ પરિણીત અને એક પુત્રના પિતા છે. તેમ છતાં તેણે 14 વર્ષની આદિવાસી સગીરાનો નંબર લઈ પહેલા સામાન્ય વાતો કરી ત્યારબાદ તેની સાથે અશ્લીલ વાતો કરવા લાગ્યો હતો. એટલું જ નહીં, થોડા સમય બાદ પ્રિતેશ ઉર્ફે પપ્પુ શાહ સગીરા પાસે બિભત્સ માંગણી કરવા લાગ્યો હતો અને તેના અશ્લીલ ફોટા મોકલવા દબાણ કરવા લાગ્યો હતો. જેનાથી ગભરાઈને સગીરાએ પોતાના પરિવારને પપ્પની હરકતોની જાણ કરી દેતા પરિવારજનોએ તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

માંડવી પોલીસે પોકસો એક્ટ હેઠળ આરોપી પપ્પ ઉર્ફે પ્રિતેશ શાહની ધરપકડ કરી રિમાન્ડની માંગ કરી હતી. જો કે આટલો ગંભીર ગુનો હોવા છતાં આશ્ચર્યજનક રીતે કોર્ટે પપ્પના રિમાન્ડની અરજીને ફગાવી દીધી હતી. હાલ દેશની સુપ્રીમ કોર્ટ પણ નીચલી કોર્ટોના જજો દ્વારા આપવામાં આવતા મનઘડંત ચૂકાદાઓ પર રોષ વ્યક્ત કરી ચૂકી છે. શીવસેનાના સાંસદ સંજય રાઉતે સુપ્રીમ કોર્ટ પર પણ નિષ્પક્ષ નહીં હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે નીચલી કોર્ટના જજે આટલા ગંભીર ગુનામાં પણ કેમ પપ્પુ શાહના રિમાન્ડ નામંજૂર કર્યા તે મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોર્ટના વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, આરોપી આરએસએસ સાથે સંકળાયેલો છે એટલે તેના રિમાન્ડ નામંજૂર કરાયા છે. હાલ દેશમાં આદિવાસી મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાનો પ્રશ્ન ચિંતાજનક છે ત્યારે સરકાર સંઘના આ કાર્યકરને શું સજા કરે છે (કે બચાવ કરે છે) તેના પર સૌ કોઈની નજર છે.

આ પણ વાંચો:  ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.