આજે ક્રાંતિસૂર્ય બહુજન નાયક બિરસા મુંડાની જન્મજયંતિ
મૂળનિવાસી આદિવાસી સમાજ માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે.SSD સહિતના સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન.
આજે બહુજન નાયક, ક્રાંતિસૂર્ય, જનનાયક બિરસા મુંડાનો જન્મ દિવસ છે. મૂળનિવાસી આદિવાસી સમાજ માટે આજનો દિવસ અત્યંત મહત્વનો છે. કેમ કે 15મી નવેમ્બર 1875ના રોજ ઝારખંડના રાંચીના ઉલિહાતું ગામમાં આદિવાસી જનનાયક બિરસા મુંડાનો જન્મ થયો હતો. ઝારખંડ રાજ્ય માટે પણ આજનો દિવસ અત્યંત મહત્વનો છે. કેમ કે આ જ દિવસે વર્ષ 2000માં ઝારખંડ અલગ રાજ્ય બન્યું હતું. આમ બિરસા મુંડાની જન્મજયંતિ અને ઝારખંડનો સ્થાપના દિવસ એક જ દિવસે આવે છે.
બિરસા મુંડાએ લોકોના જીવન પર એવી છાપ છોડી હતી કે આદિવાસી સમાજે તેમને ભગવાનનો દરજ્જો આપ્યો હતો. બિરસા મુંડાએ પણ એક દિવસ જાહેરાત કરી હતી કે તેઓ પૃથ્વીના પિતા એટલે કે 'ધરતી આબા' છે.જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું.
જનનાયક બિરસા મુંડાની જન્મ જયંતિને લઈને દેશભરમાં આદિવાસી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો આદિવાસી વિસ્તારો ઉપરાંત જ્યાં પણ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાઓ આવેલી છે ત્યાં તમામ સ્થળે બહુજન સમાજ દ્વારા ફૂલહાર કરીને બહુજન નાયકના કાર્યોને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. અનેક સ્થળોએ આજના દિવસે બાળકોને પુસ્તક વિતરણ, શેરીનાટકો, રેલીઓ અને જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય અનેક ગામો, શહેરોમાં તેમની યાદમાં બહુજન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં તમામ આદિવાસી સંગઠનો ઉપરાંત SSD સહિતના સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના આમોદ ખાતે એસએસડી દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય નાના શહેરો અને ગામોમાં પણ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમો યોજાયા છે. અમુક જગ્યાએ સમૂહ ભોજન ઉપરાંત પુસ્તક વિતરણ અને સાંજે લાઈવ કાર્યક્રમોનું પણ આયોજન થનાર છે.
આ પણ વાંચો: કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?