ડોક્ટરો સૂતા રહ્યાં, આદિવાસી દીકરી સારવારના અભાવે મોતને ભેટી
ભરૂચના નેત્રંગમાં દોઢ વર્ષની એક આદિવાસી દીકરીને ઈમરજ્ન્સી સારવાર માટે ખસેડાઈ હતી, પણ ડોક્ટરો તેમની ફરજ ચૂક્યાં અને એક પરિવારની લાડલીનો જીવ ગયો.
ગુજરાતમાં અનેક શહેરોમાં હાલ ચોમાસા બાદ પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. ઝાડાઉલટી, મેલેરિયા, તાવ અને કોલેરા જેવી બીમારીઓનો સૌથી વધુ ભોગ બહુજન સમાજ બને છે. આવી જ એક ઘટના ભરૂચના નેત્રંગમાં સામે આવી છે. જ્યાં એક દોઢ વર્ષની આદિવાસી બાળકીને ઝાડાઉલટી થયા બાદ સરકારી દવાખાને લઈ ગયા પરંતુ સમયસર સારવાર ન મળતા તેનું મોત થઈ ગયું.
નેત્રંગમાં ઝાડા ઊલટીના કેસોમાં ઉછાળો નોંધાયા બાદ સરકારી દવાખાનામાં લોકો સારવાર માટે લાઈનમાં લાગ્યા છે. વચ્ચે આ રોગચાળાને કારણે જ 2 મહિલાઓના મોત થયા હતા. અઠવાડિયા પહેલા અહીં 26 જેટલા દર્દીઓને ઝાડાઉલટીને કારણે દાખલ કરવા પડ્યા હતા.
પરંતુ હાલમાં દોઢ વર્ષની એક આદીવાસી બાળકીએ માત્ર ૧૨ કલાકમાં દમ તોડી દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, વહીવટીતંત્ર હજુ પણ દીકરીના મોતનું સાચું કારણ અને બીમારીનું મારણ શોધી શક્યું નથી.
મૂળ આંજોલી ગામના અને હાલ નેત્રંગના કોસ્યાકોલામાં રહીને મજૂરી કરતા નીતિનભાઈ વસાવાની દોઢ વર્ષની દીકરી આર્વીને 27મી સપ્ટેમ્બરે રાત્રે અચાનક ઝાડા ઊલટી શરૂ થઈ જતા પરિવારજનો નેત્રંગના બે ખાનગી ક્લિનીકોમાં લઇને દોડ્યા હતા. જો કે બંને જગ્યાએ ડોક્ટરો સુઈ રહ્યા હતા, જેથી ઈમરજન્સી સારવાર માટે આવ્યા ન હતા. બીજા દિવસે બાળકીની તબિયત વધુ બગડતા પરિજનો ફરી ડોકટરને ત્યાં લઇ જતા તેમણે દીકરીને સરકારી દવાખાનામાં લઇ જાઓ એમ જણાવી દેતા સરકારી દવાખાને લઇને દોડવું પડ્યું હતું. જો કે સરકારી દવાખાને તેને સારવાર મળે એ પહેલા દીકરીએ દમ તોડી દીધો હતો.
આર્વીના પરિજનોએ ભારે આક્રોશ અને દુઃખી હૃદયે જણાવ્યું કે, નેત્રંગમાં તબીબોમાં હવે માણસાઈ મરી પરવારી છે. તબીબી સિધ્ધાંતોને અવગણીને ખાનગી ડોકટરો સુઈ રહ્યાં અને મારી દીકરીએ સારવારના અભાવે જીવ ગુમાવ્યો.
સરકારી તંત્ર શું કરી રહ્યું છે?
આર્વીના પિતા નીતિન વસાવાએ તંત્ર સામે પણ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગંદુ પાણી પીવાથી મારી દીકરી મોતને ભેટી. હજુ સુધી તંત્રે ગ્રામ પંચાયત હસ્તક કુવા, બોર અને પાઈપલાઈનોની તપાસ કરી રોગચાળો કેવી રીતે વકર્યો તે જાણવાની પણ તસ્દી નથી લીધી. શું તંત્ર હજુ પણ રોગાચાળો વધુ લોકો મોતના ખપ્પરમાં હોમાય તેની રાહ જોઈ રહ્યું છે?
આર્વીના મોતનું કારણ અકબંધ
નેત્રંગ તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.એન. સિંઘએ જણાવ્યું હતું કે બાળકીના મોતનું કારણ તપાસવા અહીંથી ટીમ તેના ઘરે મોકલી હતી, પરંતુ કશું મળ્યું નથી. હવે વડોદરા SSG હોસ્પિટલથી કારણ જાણવા ખાસ ટીમ આવશે.
નેતંત્ર વિસ્તારમાં અનેક 'મુન્નાભાઈ'
ભરૂચના નેત્રંગ અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક મુન્નાભાઈ ટાઈપ ડોક્ટરો દવાખાના ખોલીને બેસી ગયાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળે છે. ખાસ કરીને અંતરિયાળ આદિવાસી પટ્ટામાં, જ્યાં સરકારી તંત્રની પહોંચ મર્યાદિત છે, ત્યાં અનેક બોગસ ડિગ્રીધારી ડોક્ટરો દવાખાના ખોલીને ગેરકાયદે પ્રેક્ટિસ કરી રહ્યાં છે. જો તેની તપાસ કરાય તો ઘણા અંતરિયાળ વિસ્તારોમાં ડીગ્રી વિનાના ડોકટરો પણ ખુલ્લા પડી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં PMJAY યોજનાની સિસ્ટમ ક્રેશ થઈ ગઈ છે