તાડના પાંદડામાંથી પંખા બનાવવાની અદ્ભુત કલાનો કોઈ કદરદાન નથી

નસવાડીના જેઠાભાઈ રાઠવા તાડના પાનમાંથી અદ્દભૂત પંખા બનાવી જાણે છે, પણ તેમની આ કળાનું કોઈ કદરદાન નથી.

તાડના પાંદડામાંથી પંખા બનાવવાની અદ્ભુત કલાનો કોઈ કદરદાન નથી
image credit - Google images

રાજ્ય સરકાર આદિવાસી સમાજના ઉત્થાન માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે પણ તે તેના અસલ લાભાર્થી સુધી ભાગ્યે જ પહોંચે છે. વચેટિયાઓને કારણે તેના અસલ લાભાર્થીઓ વંચિત રહી જાય છે અને છેલ્લે અસલી કલાકારો જ્યાંના ત્યાં જ રહી જાય છે.

આવુ જ કંઈક છોટાઉદેપુરના એક આદિવાસી કલાકાર સાથે થઈ રહ્યું છે. અહીં નસવાડી તાલુકાના રતનપુર ગામે એક આદિવાસી કારીગર તાડના વૃક્ષના સૂકા પાંદડા માંથી રંગબેરંગી પંખા બનાવે છે. પણ તંત્ર દ્વારા તેમને આજદિન સુધી કોઈ પણ જાતની સહાય ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવી નથી. પંખા બનાવવાની અદ્ધભૂત કલા આ કારીગર પાસે છે. પરંતુ ગરીબ હોવાથી પંખા બનાવ્યા બાદ વેચવા માટે તેની પાસે કોઈ સુવિધા નથી. સરકાર આવા કારીગરો પાસેથી હસ્ત કલા માં વેચાતી વસ્તુઓમાં આ કારીગર ના પંખા ખરીદી ને રોજગારી આપે તેવી આ પરિવાર માંગ કરી રહ્યું છે.

આવકનું કોઈ સાધન નથી

મામલો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના રતનપુર ગામનો છે. અહીં રહેતા રાઠવા જેઠાભાઇ છોડાભાઈના તાડના પાંદડામાંથી અદ્દભૂત પંખા બનાવી જાણે છે પણ તેમની આ કળાની કોઈને કદર જ નથી. તેમના પરિવારમાં બે પુત્રો છે, જે રોજગારી ન હોવાથી સૌરાષ્ટ્રમાં મજૂરી કામે જાય છે. જયારે પતિ પત્ની બંને સાથે રહે છે. તેઓ પાસે રોજગારીનું કોઈ સાધન ના હોવાથી તાડના વૃક્ષના પાંદડા તોડીને તેને સુકવેલા પાંદડાને ગુંથીને પંખા બનાવે છે. તેની અદ્ધભૂત કલા મન મોહી લે છે. પંખામાં અલગ અલગ કલર પુરવામા આવે છે. એક પંખો 50 રૂપિયામાં વેચાણ કરે છે. પરંતુ ગામડું હોવાથી પંખા નું વેચાણ ઓછું થાય છે. 

આવા પંખા તમને આખા પંથકમાં નહીં મળેઃ જેઠાભાઈ

સરકારે આવા કારીગરોને જીવન નિર્વાહ માટે આધુનિક સાધનો ગરીબ કલ્યાણ મેળામાં આપવા જોઈએ અને હસ્ત કલા થી બનાવેલા પંખાની ખરીદી સરકારે કરવી જોઈએ એવી માંગ ઉઠી છે.
જેઠાભાઈ કહે છે, "આટલા વર્ષોમાં સરકારે કોઈ લાભ આપ્યો નથી. હું જે પ્રકારના પંખા બનાવું છું તે સમગ્ર પંથકમાં તમને ક્યાંય જોવા નહીં મળે. શહેરોમાં ચાલતા ખાદી ગ્રામોદ્યોગમાં હસ્તકલાથી બનાવેલી અનેક વસ્તુઓનું વેચાણ થાય છે. પણ મારા પંખાને મારે ક્યાં વેચવા તે સવાલ છે."

આદિવાસી જાતિ વિકાસ વિભાગ મદદ કરશે?

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારનો આદિજાતિ વિકાસ વિભાગ વર્ષોથી આદિવાસી સમાજ માટે કાર્યરત છે. પણ હજુ સુધી તે સમાજનો ઉદ્ધાર કરી શક્યો નથી. સરકાર કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે પણ તે તેના અસલ લાભાર્થીઓ સુધી કદી પહોંચતું નથી. આદિવાસી વિકાસ મંત્રી આ પરિવારની મદદે આવે તો આ પરિવારની કળા ખુદની સાથે બીજા પણ અનેક લોકોને રોજીરોટી પુરી પાડી શકે તેમ છે.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.