દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ SC, ST, OBC વર્ગના - NCRB
કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે હોવાનો રિપોર્ટ હાલમાં જ આવ્યો છે. આ આંકડાઓ અને તેની ચર્ચા વચ્ચે વધુ એક મુદ્દો સમજવા જેવો છે, જેના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે, અને તે છે જેલમાં બંધ દલિત, આદિવાસી અને ઓબીસી વર્ગના કેદીઓની મોટી સંખ્યા.
દેશની જેલો SC, ST અને OBC કેદીઓથી ભરેલી છે.
તત્કાલિન કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં આપેલી માહિતી મુજબ, “દેશની જેલોમાં 4,78,600 કેદીઓ છે, જેમાંથી 3,15,409 કેદીઓ SC, ST અને OBC શ્રેણીના છે. આ આંકડા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો એટલે કે NCRBના ડેટા પર આધારિત છે. એવું કહેવામાં આવ્યું હતું કે લગભગ 34 ટકા કેદીઓ ઓબીસી કેટેગરીના છે જ્યારે લગભગ 21 ટકા અનુસૂચિત જાતિ અને 11 ટકા અનુસૂચિત જનજાતિના છે. આ આંકડા આ સમૂહોની વસ્તીના પ્રમાણે ઘણા વધારે છે.
પૈસાના અભાવે સેંકડો આદિવાસીઓ જેલ ભોગવી રહ્યાં છે.
તાજેતરમાં 26 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં તેમના પ્રથમ બંધારણ દિવસના સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, ઝારખંડ સિવાય તેમના ગૃહ રાજ્ય ઓડિશાના ગરીબ આદિવાસીઓની આર્થિક સ્થિતિ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે જામીનની રકમ ચૂકવવા માટે પૈસા નથી, જેના કારણે ઘણા આદિવાસીઓ જામીન મળવા છતાં જેલમાં છે. આ મામલે જો કે હજુ પણ કોઈ મોટો ફેરફાર થયો નથી. દેશની અનેક જેલોમાં આદિવાસીઓ જામીનના પૈસાના અભાવે જેલમાં સબડી રહ્યાં છે.
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કસ્ટોડિયલ ડેથની ઘટનાઓમાં દલિત અને આદિવાસી સમાજના લોકોનો આંકડો બહુ મોટો છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા હાલમાં જ રાજ્યસભામાં આપવામાં આવેલા આંકડાઓ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુના મામલે દેશભરમાં કુલ 669 કેસ નોંધાયા છે. મૃત્યુનો આ આંકડો 1 એપ્રિલ 2017થી 31 માર્ચ 2022 સુધીનો છે.
કયા વર્ષમાં કેટલાં મોત થયાં?
મંત્રી નિત્યાનંદ રાય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગત વર્ષ 2021-2022 દરમિયાન પોલીસ કસ્ટડીમાં મૃત્યુના કુલ 175 કેસ નોંધાયા હતા, જ્યારે 2020-2021માં 100 કેસ, 2019-2021માં 112 કેસ, 2018- 2019માં 136 કેસ નોંધાયા હતા અને 2017-2018માં 146 કેસો નોંધાયા હતા. જોકે, આ આંકડાઓમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ તે પછી ગયા વર્ષના આંકડા ડરામણા છે.