નારી ગુંજન સરગમ બેન્ડઃ પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને પડકાર ફેંકતું બિહારની દલિત મહિલાઓનું બેન્ડ

નારી ગુંજન સરગમ બેન્ડઃ પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને પડકાર ફેંકતું બિહારની દલિત મહિલાઓનું બેન્ડ
image credit - Google images

 લગ્ન અને અન્ય પ્રસંગોમાં તમે સામાન્ય રીતે પુરુષોનાં ગ્રુપને બેન્ડ વગાડતાં જોયું હશે. પણ તેને પડકાર ફેંક્યો છે નારી ગુંજન સરગમ બેન્ડની મહિલાઓએ. આ બેન્ડમાં કુલ દસ મહિલાઓ છે અને તે તમામ દલિત સમાજમાંથી આવે છે. લાલતી દેવી, માલતી દેવી, ડોમની દેવી, સોના દેવી, વીજાન્તી દેવી, અનીતા દેવી, સાવિત્રી દેવી, પંચમ દેવી, સવિતા દેવી અને છઠીયા દેવી તેમાં સામેલ છે. આ મહિલાઓ ન માત્ર શાનદાર સંગીત રેલાવે છે પરંતુ અનેક કાર્યક્રમોમાં પોતાની કળાનું સુંદર પ્રદર્શન કરીને બિહારનું ગૌરવ પણ વધારી રહી છે. મોટાં શહેરોની મહિલાઓ માટે આ સમાજમાં પોતાનું અસ્તિત્વ શોધવું થોડુંક સહેલું પણ હોય છે. પણ હાલ ભારતમાં પ્રવર્તમાન જાતિવાદ વચ્ચે એક નાનકડાં ગામનાં મર્યાદિત વસ્તી ધરાવતા દલિત સમાજની મહિલાઓ માટે આ કામ કેટલું કપરું હશે તેનો તો આપણે અંદાજ પણ ન લગાવી શકીએ.

આ બેન્ડમાં સામેલ મહિલાઓ બિહારનાં ઢિબરા-મુબારકપુર ગામની રહેવાસી છે. દલિત સમાજની આ મહિલાઓ અગાઉ જેમતેમ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. પણ પછી તેઓ પદ્મશ્રી સુધા વર્ગીસનાં એનજીઓ નારી ગુંજન સાથે જોડાઈ. જ્યાં તેઓ દર અઠવાડિયે પાંચથી દસ રૂપિયા જમા કરતી હતી. આગળ જતાં એ બચતનાં આધારે તેમને સંસ્થા દ્વારા લોન આપવામાં આવી. જેમાંથી તેઓ ખેતીનું કામ કરવા માંડી. જો કે અહીં પણ આખો દિવસ કામ કર્યાં પછી તેમની કમાણ બહુ ઓછી રહેતી હતી. ગમે તેમ કરીને બે ટંકનાં રોટલાનું માંડ પુરું થતું. ત્યારે સુધા વર્ગીઝનાં કહેવાથી અને સમજાવવાથી આ બહેનો સરગમ બેન્ડ શીખવા માટે રાજી થઈ ગઈ. એ પછી એનજીઓ દ્વારા પટનાથી એક મ્યુઝિક માસ્ટર આદિત્ય ગુંજનને તેમને બેન્ડ શીખવવા માટે બોલાવ્યાં. લગભગ એક વર્ષની મહેનત પછી આ નારી ગુંજન સરગમ બેન્ડની મહિલાઓએ સારી રીતે બેન્ડ વગાડતા શીખીને પોતાનાં જીવનને નવો જ વળાંક આપ્યો છે. આ બેન્ડ બિહારનું પહેલું એવું બેન્ડ છે જે તમામ પિતૃસત્તાત્મક પડકારોનો સામનો કરીને આ સમાજમાં એક નવી મિસાલ ઉભી કરી રહ્યું છે.

નારી ગુંજન સરગમ બેન્ડની સભ્ય સવિતા દેવી કહે છે, ‘પહેલાં અમે કુલ 16 મહિલાઓ આ બેન્ડ શીખવા માટે આવતી હતી. પરંતુ સામાજિક દબાણ અને પરિવાર તથા કામનાં ભારણ વચ્ચે સંતુલન જાળવી ન શકવાને કારણે 6 મહિલાઓએ અધવચ્ચે જ તે શીખવાનું બંધ કરી દીધું. પણ અમે 10 બહેનોએ આ કળા શીખવાનું મન બનાવી લીધું હતું એટલી મચી પડી. અંતે લગભગ દોઢ વર્ષ પછી અમે સારી રીતે બેન્ડ વગાડવાનું શીખી લીધું હતું.’

આ બહેનોને મ્યુઝિક બેન્ડ શીખવવામાં જેમનો મોટો ફાળો રહેલો છે તે સુધા વર્ગીઝે એક ઈન્ટવ્યૂમાં કહ્યું હતું કે, ‘સમાચારપત્રો દ્વારા નારી ગુંજન સરગમ બેન્ડ વિશે જાણીને બિહાર-શરીફનાં એક છોકરાંનો મારાં ઉપર ફોન આવ્યો હતો અને તેણે પોતાનાં લગ્નમાં બેન્ડ વગાડવા માટે આ મહિલાઓને ઓર્ડર આપવા આગ્રહ કર્યો હતો. ત્યારે પહેલી વાર કોઈ લગ્નમાં મહિલાઓનાં ગ્રુપે સરગમ બેન્ડ વગાડ્યું હતું અને ત્યાંથી નારી ગુંજન સરગમ બેન્ડની શરૂઆત થઈ ગઈ. માત્ર એક વર્ષની અંદર જ તેમણે આખા પટનામાં ધૂમ મચાવી દીધી છે. પહેલાં આ મહિલાઓમાં આત્મવિશ્વાસનો ભારે અભાવ જોવા મળતો હતો. પણ હવે તેમાં ઘણું પરિવર્તન આવી ચૂક્યું છે. હવે તેઓ નીડર થઈને ક્યાંય પણ જાય છે, ફરે છે અને બેન્ડનાં ઓર્ડર પણ લે છે.’

નારી ગુંજનની મહિલાઓ એ પણ જણાવે છે કે ‘પહેલાં તેમનાં પતિ, સાસુ-સસરાં તેમને આ કળા શીખતાં રોકતાં હતાં. તેઓ કહેતાં હતાં કે બેન્ડમાં ગાઈ-વગાડીને કેવી રીતે રૂપિયા કમાશો, આ કામ તો પુરૂષોનું છે, શું હવે આ જ કામ બાકી રહી ગયું છે? સફળતાનાં આ લેવલ સુધી પહોંચવા માટે આ મહિલાઓને વર્તમાન પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાનાં અનેક મેણાંટોણાંમાંથી પસાર થવું પડ્યું છે. પણ હવે આ જ મહિલાઓ જ્યારે દિલ્હી, મુંબઈ વગેરે મોટા શહેરોમાં પ્રોગ્રામ આપવા માટે પ્લેનમાં બેસીને જાય છે ત્યારે આ જ લોકો હવે કહે છે કે, આ મહિલાઓ તો ઘણી આગળ નીકળી ગઈ છે. બાળકો પણ અમારી પર ગર્વ કરે છે. હવે અમારી પાસે પણ પૈસા હોય છે એટલે બાળકો માટે ઈચ્છિત વસ્તુ ખરીદી શકીએ છીએ. તેમને સારું શિક્ષણ અપાવીએ છીએ. ઘર-પરિવારનાં લોકો પણ અમને ઘણું સન્માન આપે છે.’

 આ મહિલાઓ અમિતાભ બચ્ચનનાં શો ‘કૌન બનેગા કરોડપતિ’માં પણ પર્ફોર્મન્સ આપી ચૂકી છે. અગાઉ મહિલા દિવસે ભાજપનાં દિવંગત નેતા સુષમા સ્વરાજે પણ તેમનું સન્માન કર્યું હતું. જે આંખો સપનાં જોવે છે તેમને તે પુરા કરવાની તાલાવેલી હોવી સ્વાભાવિક છે. પણ જે આંખો સપનાં જ ન જોતી હોય, તેને સપનાં જોતાં કરવી એ ઘણી મોટી વાત છે. આ મહિલાઓએ આ જ કામ કર્યું છે. તેમણે ન માત્ર પોતાની જિંદગી સુધારી છે પરંતુ તેમનાં જેવી બીજી અનેક બહુજન નારીઓ માટે કમાણીનો એક વિકલ્પ પણ ઉભો કર્યો છે.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.