માયાવતીની મોટી જાહેરાત, BSP હવે કદી કોઈ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે
બીએસપી સુપ્રીમો માયાવતીએ પક્ષના ભવિષ્યના આયોજનોને ધ્યાનમાં રાખીને અન્ય પક્ષો સાથે જોડાણ નહીં કરવાની જાહેરાત કરી છે. જાણો બીજુ શું કહ્યું.
બીએસપી સુપ્રીમ માયાવતીએ હરિયાણા ચૂંટણીના પરિણામો બાદ મોટી જાહેરાત કરી છે. બહેનજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હવે બીએસપી કોઈપણ પક્ષ સાથે ચૂંટણીઓમાં જોડાણ નહીં કરે.
માયાવતીએ પોતાની પોસ્ટમાં કહ્યું, કે, 'ઉત્તર પ્રદેશ સહિત બીજા રાજ્યોની ચૂંટણીમાં પણ બીએસપીના વોટ ગઠબંધનની પાર્ટીને ટ્રાન્સફર થઈ જાય છે પરંતુ તેના મતો બીએસપીને ટ્રાન્સફર કરાવવાની ક્ષમતા તેમાં ન હોવાના કારણે અપેક્ષિત ચૂંટણી પરિણામ નથી મળતું. જેના કારણે પાર્ટી કેડરને નિરાશા થાય છે અને તેનાથી બહુજન આંદોલનન ચળવળને બચાવવી જરૂરી છે. આને ધ્યાનમાં રાખતાં હરિયાણા વિધાનસભાના ચૂંટણી પરિણામ અને તે પહેલા પંજાબ ચૂંટણીના કડવા અનુભવને ધ્યાનમાં રાખતાં આજે હરિયાણા અને પંજાબની સમીક્ષા બેઠકમાં ક્ષેત્રીય પાર્ટીઓથી પણ હવે આગળ ગઠબંધન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ભાજપ (એનડીએ) અને કોંગ્રેસ (ઈન્ડિયા ગઠબંધન) તરફ પહેલાની જેમ જ અંતર જાળવી રાખવામાં આવશે.'
માયાવતીએ આગળ કહ્યું કે 'દેશની એકમાત્ર પ્રતિષ્ઠિત આંબેડકરવાદી પાર્ટી બીએસપી, તેના આત્મ-સન્માન અને સ્વાભિમાનની ચળવળને ચોતરફથી નબળી પાડવાના જાતિવાદી પ્રયત્નો થઈ રહ્યાં છે. એ સ્થિતિમાં પોતાનો ઉદ્ધાર જાતે જ કરવો અને તેના આધારે શાસક વર્ગ બનવાની પ્રક્રિયા ચાલું રાખવી જરૂરી છે.'
બહેનજીએ વધુમાં લખ્યું હતું કે, બીએસપી અન્ય પાર્ટીઓ, સંગઠનોના નેતાઓને જોડવા માટે નહીં પરંતુ, બહુજન સમાજના આંતરિક ભાઈચારા અને સહકારના બળે એક થઈને રાજકીય તાકાત બનવાનું અને આ સમાજને શાસક બનાવવા માટેનું આંદોલન છે. તેને આમતેમ ભટકાવવું હવે અતિ હાનિકારક છે.
આ પણ વાંચો: હરિયાણાની એ સીટ જ્યાં 'હાથી' એ ભાજપને પરસેવો છોડાવી દીધો