ઘડામાંથી પાણી પીધું તો દલિત યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો
જાતિવાદી તત્વોને જાણે દેશમાં કાયદો વ્યવસ્થાની કોઈ પરવા જ ન હોય તેમ દલિતો સાથે આભડછેટ રાખીને ઢોર મારવાથી પણ અચકાતા નથી. વધુ એક કિસ્સો વાંચો.

એકબાજુ લોકસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન નેતાઓ દેશમાં પરિવર્તન લાવવાની ફેંકાબાજી કરે છે, બીજી તરફ સદીઓથી દેશના દલિતો જેનાથી પિડાય છે તે આભડછેટ મુદ્દે એકેય પક્ષ કે તેના નેતાઓ ખૂલીને બોલવા તૈયાર નથી. કાયદાના રક્ષકો પણ છેવટે તો મનુવાદી માનસિકતાથી ગ્રસ્ત હોવાથી તેઓ પણ જાણે દલિતો સાથે રખાતી અસ્પૃશ્યતામાં મૂકસહમતી આપતા હોય તેમ યોગ્ય પગલાં લેવાથી દૂર રહે છે. પરિણામે મનુવાદી તત્વોને જાણે મોકળું મેદાન મળી જાય છે અને તેઓ સામાન્ય બાબતમાં પણ દલિતો સાથે મારપીટ કરતા કે જીવલેણ હુમલો કરતા ખચકાતા નથી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક દલિત યુવકે જાહેર સ્થળ પર રાખવામાં આવેલા માટલામાંથી પાણી પીતા બે લોકોએ તેને નિર્દયતાથી માર માર્યો હતો. ઢોર મારના કારણે યુવક અધમૂઓ થઈ જતા આખરે તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
મામલો જાતિવાદ અને અસ્પૃશ્યતા માટે દેશભરમાં કુખ્યાત એવા ઉત્તર પ્રદેશનો છે. અહીંના મહોબામાં જાહેર સ્થળે રાખવામાં આવેલા ઘડામાંથી પાણી પીવા બદલ એક અનુસૂચિત જાતિના વ્યક્તિને જાતિવાદી તત્વોએ નિર્દયતાથી માર મારીને અધમૂઓ કરી દીધો હતો. અસ્પૃશ્યતાને કારણે મારપીટનો આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. જ્યાં પીડિતે બે યુવકો પર તેને મારવો આરોપ લગાવ્યો છે. હાલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની તબિયત સુધરી હોવાનું કહેવાય છે, બીજી તરફ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચોઃ કચ્છના મુંદ્રામાં દલિતોને 6 દાયકા પહેલા સાંથણીમાં મળેલી જમીનો હજુ નિયમિત નથી થઈ
ઉત્તરપ્રદેશના મહોબા શ્રીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લુહેડી ગામનો આ કિસ્સો છે. પીડિત યુવક મૂળ મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના તિંદણી ગામનો રહેવાસી છે અને તેનું નામ કમલ મહોબા હોવાનું સામે આવ્યું છે. કમલ લુહેડીમાં તેના બનેવી કિશોરભાઈને ત્યાં એક લગ્ન પ્રસંગ હોવાથી તેમાં હાજરી આપવા માટે આવ્યો હતો.
કમલના જણાવ્યા પ્રમાણે તે ગામમાં આવેલી ઈંડાની લારીએ ઈંડા ખાઈ રહ્યો હતો, જ્યાં હેમંત રાજપૂત અને અન્ય એક અજાણ્યો શખ્સ પણ ઈંડા ખાઈ રહ્યા હતા. ઈંડા ખાધા બાદ કમલે લારી પર રાખવામાં આવેલા માટલામાંથી પાણી પીધું કે તરત જ બંને યુવકો ગુસ્સે થઈ ગયા હતા અને તેની જાતિ પૂછી તેના પર હુમલો કર્યો હતો. જ્યારે કમલે કહ્યું કે તે અનુસૂચિત જાતિનો છે ત્યારે બંને શખ્સોએ તેને વધુ જોરથી માર માર્યો હતો. આરોપ છે કે તેને એટલી હદે મારવામાં આવ્યો કે તેને માથા અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ. બંને આરોપીઓ તેને બેભાન અવસ્થામાં નદી તરફ ફેંકીને નાસી ગયા હતા. પીડિતા કમલની શોધખોળ કરતી વખતે તેની બહેન અને બનેવીએ તેને બેભાન હાલતમાં જોયો હતો. લોહીથી લથપથ ઘાયલ કમલને તેઓ પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યાં કમલે તેની આપવીતી સંભળાવી કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યો હતો જ્યાં તેની તબીબી તપાસ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આગળ વાંચોઃ "સાસરે ના જતી હું તને સાચવી લઈશ" કહીને આચાર્યે શિક્ષિકાની છેડતી કરી