કથિત સર્વણોની સોસાયટીમાં એક દલિતે પોતાના ઘરનું નામ ‘સંવિધાન’ રાખ્યું!

સોશિયલ મીડિયામાં છેલ્લાં ત્રણ વર્ષથી એક ઘરનો ફોટો ફરી રહ્યો છે, જેનું નામ ‘સંવિધાન’ છે. કોનું છે આ ઘર અને તે ક્યાં આવેલું છે, ચાલો જાણીએ.

કથિત સર્વણોની સોસાયટીમાં એક દલિતે પોતાના ઘરનું નામ ‘સંવિધાન’ રાખ્યું!
image credit - Shankar Dungaria

આજે 14મી એપ્રિલ, ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ. બાબાસાહેબે જાતિનિર્મૂલન અને બંધારણની રચના કરી બહુજન સમાજ માટે આખી જિંદગી ઘસી નાખી. તેમ છતાં હજુ પણ દલિતો, આદિવાસીઓ, ઓબીસી કે લઘુમતી સમાજ માટે તેમની જાતિ જાહેર થઈ જાય તો કથિત સવર્ણો મોં મચકોડીને જાતિવાદી કમેન્ટ કરતા અચકાતા નથી. કદાચ એટલે જ બહુજન સમાજના ઘણાં લોકો જાહેરમાં બાબાસાહેબનું નામ લેતા ખચકાટ અનુભવતા હોય છે. આ બધાં વચ્ચે કેટલાક એવા લોકો પણ હોય છે જે જાતિવાદીઓને બેધડક જવાબ આપતા હોય છે. આપણે જે ઘરની વાત કરવા જઈ રહ્યાં છીએ તેનું નામ સંવિધાન કંઈક આવી જ બાબતમાંથી પડ્યું છે. સોશિયલ મીડિયામાં એક ઘર તકતી મારેલી છે અને તેમાં 'સંવિધાન' લખેલું છે. 14મી એપ્રિલના રોજ એ ઘર આખું રોશનીથી શણગારેલું અને છેક ઉપર બાબાસાહેબનો મોટો ફોટો મૂકેલો હોય તેવો ફોટાં ખૂબ વાયરલ થયા હતા.

એ ઘર કચ્છના જિલ્લા મથક ભૂજમાં આવેલું છે અને તેના માલિક છે અમદાવાદમાં રહેતા શંકરભાઈ ડુંગરિયા. ભૂજમાં, પ્રમુખ સ્વામીનગર વિસ્તારમાં ઓધવ એવન્યૂ-2માં આવેલું તેમનું ઘર એ સમયે ગુજરાતભરના બહુજન સમાજ માટે ગર્વનું પ્રતિક બની ગયું હતું, કેમ કે તેમણે ઘરનું નામ ‘સંવિધાન’ રાખ્યું હતું. શંકરભાઈ પોતે બહુજન એક્ટિવિસ્ટ છે. સાથે જ તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્થાપિત રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના કાર્યકર પણ છે. મજાની વાત એ છે કે, ચુસ્ત સ્વામીનારાયણ સંપ્રદાયના લોકોની આખી સોસાયટીમાં તેઓ એકમાત્ર બહુજન સમાજમાંથી આવતી વ્યક્તિ છે. તેમની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોય તો પોતાની ઓળખ છુપાવવા પ્રયત્ન કરત, પણ શંકરભાઈએ તો તેને ખૂલીને લોકો વચ્ચે મૂકી દીધી. તેમણે ઘરનું નામ ‘સંવિધાન’ રાખ્યું અને તેની ઉપર ડો. આંબેડકરનો ફોટો લગાવેલો. જાતિની ઓળખ છતિ થવાની સાથે લોકોને કથિત સવર્ણોની ખફગીની સૌથી મોટી ચિંતા સતાવતી હોય છે. પણ શંકરભાઈ સાથે તેનાથી જુદું જ થયું. તેમની સોસાયટીના લોકોએ પણ તેમના આ પ્રગતિશીલ પગલાને આવકાર્યું હતું.

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં દલિતો માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટ પર ITની રેડ

‘સંવિધાન’ નામ રાખતી વખતે બીક નહોતી લાગતી કે ક્યાંક લોકો તમારી જાતિ વિશે પૂછશે, બીજા કેટલાક સવાલો કરશે તો? આ સવાલના જવાબમાં શંકરભાઈ કહે છે, “બીક શેની, મારું ઘર હતું અને હું તેના થકી સમાજને કંઈક સંદેશ આપવા માંગતો હતો! ઘરના નામ પરથી આપણે ત્યાં લોકો તેનો ધર્મ, જ્ઞાતિ-જાતિનો અંદાજ લગાવી લેતા હોય છે અને તમારી વિચારધારા પણ પ્રતિબિંબિત થતી હોય છે. નાનપણથી મેં જોયું હતું કે, નેવુંના દાયકાના છાપાં અને ખુદ સરકાર પણ દલિતો માટે પ્રતિબંધિત એવો ‘હરિજન’ શબ્દનો ઉપયોગ કરતા હતા. તેને લઈને અમે જાહેરમાં હરિજન શબ્દની હોળીનો કાર્યક્રમ આપેલો.

આ પણ વાંચો:જાતિવાદીઓને જવાબઃ ભાવનગરના જાળીયામાં પિતાએ દીકરીને ઘોડી પર બેસાડી ફુલેકું કાઢ્યું, ગામમાં 3 કલાક ફેરવી

જેમાં મીડિયાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી કે, જો આજ પછી તમે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરશો તો અમે તમારા પર કાયદેસરની કાર્યવાહી કરીશું. એ પછી તેનો ઉપયોગ બંધ થયો હતો. જો કે, હજુ પણ કેટલાક મીડિયામાં આ શબ્દનો ખૂણેખાંચરે થતો રહે છે. વર્ષ 1991માં જ્યારે બાબાસાહેબની જન્મજયંતિનું વર્ષ હતું ત્યારે મેં છેલ્લીવાર તેમની પ્રતિમાને ફૂલહાર કરેલો. એ પછી મેં નક્કી કર્યું હતું કે, હવે પછી તેમની પ્રતિમાને ફૂલહાર નહીં કરું, પણ આજીવન તેમના વિચારોનો સમાજમાં ફેલાવો થાય તે માટે કામ કરતો રહીશ. અને લોકોને બાબાસાહેબના મહાન કાર્યનો સંદેશ આપવા માટે જ મેં મારા ઘરનું નામ ‘સંવિધાન’ રાખ્યું છે.

આ પણ વાંચો:જે હોટલમાં દલિતોને પ્રવેશવા નહોતા દીધા, એમાં જ બેસાડીને મીઠાઈ ખવડાવવી પડી

શંકરભાઈ પોતાની વાત આગળ વધારતા કહે છે, “ ઘરના નામ પરથી આપણી વિચારધારા સ્પષ્ટ થતી હોય છે. મારા ઘરનું નામ છે "સંવિધાન" એટલા માટે છે, કેમ કે હું માનું છું કે ડૉ. બાબાસાહેબ આંબેડકર રચિત ભારતનું બંધારણ એ દેશના લોકો માટે સૌથી અમૂલ્ય લેખિત દસ્તાવેજ છે. તે સંસારનો સર્વોત્તમ ગ્રંથ છે. બેન્ક બેલેન્સથી મકાન બનાવી શકાય, ઘર નહીં. ઘર ને અપાયેલું નામ આપણાં વિચોરોનું પ્રતિબિંબ હોય છે. મકાન બનાવવા માટે ઈંટ, પથ્થર, રેતી, સિમેન્ટ, ચુના અને ટાઈલ્સની જરૂર પડે છે. આ બાંધકામ સામગ્રીથી રહેણાંક માટેનું જે સ્ટ્રકચર ઉભું થાય એને મકાન કહેવાય, ઘર નહીં. હું માનું છું કે ઘર એટલે આવી બધી બાંધકામ સામગ્રીથી બનેલી આપણી સલામતી વ્યવસ્થા. સ્ક્વેર ફૂટમાં કે સુપર બિલ્ટ અપમાં જે મપાઈ શકે એને મકાન કહેવાય. આ મકાન જે ગલી, મહોલ્લા, સોસાયટી, ગામ કે શહેરમાં આવ્યું હોય. ગૂગલ જેને શોધી આપે એને સરનામું કહેવાય. આ સરનામાના સ્થળે આપણે જે નેમ પ્લેટ લગાવીએ છીએ એમાં લખાતું "ઘરનું નામ" આપણી માન્યતાઓ, આપણી આસ્થા કહો કે વિચારધારાનું એક પ્રતિક હોય છે. આપણાં ઘર પાસેથી પસાર થતાં લોકો માત્ર આપણાં ઘરનું નામ માત્ર વાંચીને પણ આપણી વિચારધારા વિષે સ્પષ્ટ અભિપ્રાય કેળવી શકે એવું હોવું જોઈએ.

આ પણ વાંચો:એક સમયે ઘરનું વાયરીંગ કરતા આ બહુજન યુવક પાસે આજે IIM-A, AMUL, Indian Railway જેવા ક્લાયન્ટ્સ છે!

એ રીતે આપણી વિચારધારા બહુ સ્પષ્ટ હોવી જોઈએ અને તે આપણાં વાણીવર્તન અને વ્યવહારમાં પણ વ્યક્ત થવી જોઈએ.  આ ઘરના સરનામે એક છત હેઠળ રહેતા લોકો પોતાના "ઘરનું નામ" સાર્થક થાય એવું વર્તન કરતા હોવા જોઈએ. હું આજે જે બે-પાંદડે થયો છું એના માટે ફલાણાં કે ઢીંકણા કોઈની કૃપા નથી. હું બહું સ્પષ્ટ રીતે માનું છું કે ડૉ.બાબાસાહેબ આંબેડકરે વિદ્વતાપૂર્ણ રીતે લખેલા "ભારતીય સંવિધાન" ના લીધે મારી પ્રગતિ થઈ છે.

આ પણ વાંચો:પરિવર્તનનો પવનઃ અમરેલીમાં વર-કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા!

લોકો ભારતને આજે લોકશાહીની માતા તરીકે ઓળખે છે તેની પાછળ ભારતના બંધારણનો બહુ મોટો ફાળો છે. હું એવું પણ માનું છું કે ઘરમાં એક છત હેઠળ રહેતાં લોકોના ચહેરા ઉપર હાસ્ય ના હોય તો "લાફીંગ બુદ્ધા"ની રાખેલી પ્રતિમા કંઈ કરી શકે નહીં. ઘર ભલે નાનું હોય કે મોટું. ઘર ભલે ભાડાનું હોય કે પોતાનું. અહીં માલિકીની નહીં, મહોબ્બતની મજા છે. હું માનું છું કે ઘરને અપાયેલું નામ આપણાં વિચારોનું વાહક હોવું જોઈએ. ઘરનું નામ આપણી વિચારધારાને પોષતું હોવું જોઈએ. ઘર ના નામ પરથી એમાં રહેતા લોકોની વિચારધારાની જગતને જાણ થતી હોય છે. ઘરનું નામ એટલે આપણી અંગત વિચારધારાનું પ્રતિબિંબ. એટલે જ મારા ઘરનું નામ ‘સંવિધાન’ છે.

આ પણ વાંચો:GPSC Result 2023: મેરિટમાં પસંદગી પામેલા 13 SC ઉમેદવારો પૈકી 11 open મેરિટમાં પસંદગી પામ્યા

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.