જે હોટલમાં દલિતોને પ્રવેશવા નહોતા દીધા, એમાં જ બેસાડીને મીઠાઈ ખવડાવવી પડી

દલિત સમાજ માટે આભડછેટ જેવી કાયમી સમસ્યાઓમાં સૌથી જરૂરી બાબત એકતા હોય છે. જ્યારે પણ દલિતો એક થઈને આ સમસ્યા સામે અવાજ ઉઠાવે છે ત્યારે ચોક્કસ પરિણામ મળે છે અને તેનું વધુ એક ઉદાહરણ આ રહ્યું.

જે હોટલમાં દલિતોને પ્રવેશવા નહોતા દીધા, એમાં જ બેસાડીને મીઠાઈ ખવડાવવી પડી
પ્રતિકાત્મક તસવીર

દલિત સમાજ જ્યારે એક થઈને કોઈ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે કાયદાએ તેનું કામ કરવું પડે છે અને પછી ભલભલા ચમરબંધીઓએ પણ તેની સામે ઝૂકવું પડતું હોય છે. આવું જ કંઈક કર્ણાટકના બન્યું છે, જ્યાં એક ગામની હોટલમાં દલિતોને અસ્પૃશ્ય ગણીને પ્રવેશ નહોતો અપાતો. ગામના સ્થાનિક વાળંદે દલિતોના વાળ કાપવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી. પણ સ્થાનિક દલિતોએ એકસંપ થઈને તેની સામે વિરોધ નોંધાવ્યો, જવાબદાર અધિકારીઓને તેમની જવાબદારીનું ભાન કરાવ્યું અને આખરે જાતિવાદીઓેએ ઝુકવું પડ્યું હતું.

મામલો કર્ણાટકના કોપ્પલ જિલ્લાના હલાવર્થી ગામનો છે. અહીં એક સ્થાનિક વાળંદે પોતાની દુકાનમાં દલિત યુવકના વાળ કાપવાની મનાઈ ફરમાવી દીધી હતી. આ સિવાય એક હોટલ માલિકે કથિત રીતે ગામના દલિત યુવાનોના એક ગૃપને નાસ્તો આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો. આ મામલે એક અઠવાડિયા પહેલા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. એ પછી સ્થાનિક દલિતોએ એક થઈને ગ્રામ પંચાયત કચેરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ત્યારબાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓની એક ટીમ મોકલવી પડી હતી અને શાંતિ બેઠક યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિક દલિતોએ તેમની સાથે રાખવામાં આવતી અસ્પૃશ્તા સામે એકસંપ થઈને વિરોધ નોંધાવ્યો હતો અને તેનું પાલન કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. એ પછી પોલીસ અધિકારીઓએ જવાબદારો સામે પગલા લીધા હતા અને જાતિવાદી તત્વોની ધરપકડ કરી હતી. એટલું જ નહીં, ગામલોકોએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ શપથ લઈને ગામમાં હવે પછી દલિતો સાથે આભડછેટ નહીં પાળવાનો વાયદો કર્યો હતો.

આ શાંતિ બેઠક પછી દલિત યુવાનોને એ જ હોટલમાં બેસાડીને મીઠાઈ અને નાસ્તો કરાવવામાં આવ્યો હતો, જેના માલિકે થોડા દિવસ પહેલા તેમને હોટલમાં પ્રવેશવા પણ નહોતા દીધાં. એ પછી દલિત યુવાનો એ વાળંદની દુકાને ગયા હતા, જેણે તેમના વાળ કાપવાની ના પાડી દીધી હતી. કાયદાની બીક અને દલિતોની એકતા સામે વાળંદે પણ ઝૂકવું પડ્યું હતું અને દલિત યુવકના વાળ કાપવા પડ્યા હતા જેના વાળ કાપવાની તેણે ના પાડી દીધી હતી.

કોપ્પલના એક પોલીસ અધિકારીનું કહેવું છે કે, અહીંના ગામડાઓમાં આભડછેટના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. જ્યારે પણ આવી ઘટનાની જાણકારી અમને મળે છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ પોલીસ કાર્યવાહીને આગળ વધારતા પહેલા શાંતિ બેઠક યોજે છે. જો તેમાં દલિતો સાથે રાખવામાં આવતા ભેદભાવોનું સમાધાન ન નીકળે તો પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. હલાવર્થી ગામના મામલામાં હોટલ માલિક અને સલૂન માલિક બંને પર આઈપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ કાર્યવાહીથી ડરી જઈને ગામલોકોએ સ્વયંભૂ જ આભડછેટ પાળવાનું બંધ કરી દેવાનું સ્વીકાર્યું હતું અને હોટલમાં બેસીને દલિતોને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું  હતું અને તેમને ભાવતો નાસ્તો પણ કરાવ્યો હતો. સાથે જ આભડછેટ પાળતા વાળંદ પાસે પણ દલિત યુવાને મનપસંદ વાળ કરાવ્યા હતા.

આ પણ વાંચો : તમિલનાડુમાં દલિતોએ સવર્ણોએ બનાવેલો નિયમ તોડ્યો, પહેલીવાર શેરીમાં ચંપલ પહેરી સ્ટ્રીટ વોક કરી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરોઅહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.