જાતિવાદ, જમીન અને હવસે ફૂલનને 'બેન્ડિટ ક્વિન' બનવા મજબૂર કરી

ફૂલનદેવીની આજે પુણ્યતિથિ છે. એક ગામડાની ગભરુ કિશોરી કેવી રીતે જમીન, જાતિવાદ અને પુરૂષોની હવસના કારણે બેન્ડિટ ક્વિન બનવા મજબૂર થઈ તેવી વાત કરીએ.

જાતિવાદ, જમીન અને હવસે ફૂલનને 'બેન્ડિટ ક્વિન' બનવા મજબૂર કરી
image credit - Google images

ફુલનદેવી, એક એવું નામ જે વિચારવા મજબૂર કરી દે કે એમના વિશે શું અભિપ્રાય બાંધીએ? દરેક બનાવ, દરેક બાબત, દરેક વ્યક્તિને સમાજ બે દ્રષ્ટિકોણથી જોતો હોય છેઃ એક સકારાત્મક અને બીજો નકારાત્મક. પણ ફુલનદેવીના જીવનમાં આ બંને દ્રષ્ટિકોણ એક સાથે સામેલ છે. તેમના જીવનમાં એટલા બધાં અટપટા વળાંકો સામેલ છે, જેને કોઈ પ્રેરણાદાયી માને છે, તો કોઈ નકારાત્મક પણ માને છે. 

ભારતીય ઇતિહાસમાં આવું ઉદાહરણ ક્યારેય ફરી જોવા નહીં મળે, જેમાં એક બળાત્કારનો ભોગ બનેલી મહિલાએ બદલો લેવા ગામ વચ્ચે ૨૨ પુરુષોને ગોળીઓથી વીંધી નાખ્યા હોય. જેલ પણ ભોગવે અને સન્માનનીય એવી સંસદ સભાની સીટને પણ શોભાવે અને એનો અંત પણ કોઈ દ્વારા હત્યા થઇ જઈને આવે છે.

માત્ર ૩૮ વર્ષની નાની જિંદગી કેટકેટલી યાતનાઓ, પડકારોમાંથી પસાર થઈ હશે? આટલી નાની જિંદગીમાં એક મહિલાને પુરુષવાદી સમાજના એક પછી એક એટલાં કપરાં અનુભવ થતા ગયા કે તેણે બળવો પોકાર્યો. સમજવાની વાત એ છે કે, તેણે અત્યાચારો સામે શરણાગતિ સ્વીકારીને આત્મહત્યા કરી લેવાનું ના વિચાર્યું, કે મોઢું બંધ રાખીને ચુપચાપ જીવી લેવાનું પણ સ્વીકાર્યું નહીં અને દરેક અન્યાય સામે અડીખમ ઉભી રહીને લડી લીધું. કાયદો એની આબરૂ ના સાચવી શક્યો, તો કાયદાને પણ એણે બિન્દાસ તોડીને છડેચોક ક્યારેય ના બની હોય એવી ઘટનાને અંજામ આપી 22 પુરુષોને મોતને ઘાટ ઉતારી દીધા.

ઉત્તર પ્રદેશના એક નાના ગામ ગોહરાના પૂર્વમાં એક મલ્લાહ(મછવારા)ને ત્યાં ૧૦ ઓગસ્ટ ૧૯૬૩ના રોજ  ફુલનદેવીનો જન્મ થયો હતો. માતાપિતાના છ સંતાનોમાં તે બીજા નંબરની હતી. એ વખતના સમાજ, કુટુંબ અને ગામની રીતભાત જોતા એ છોકરી ગભરું, શાંત અને બિચારી બનીને જીવન ગુજારતી હોવી જોઈએ, પણ ફુલનની બાબતમાં સાવ ઉલટું હતું. એ આ ધારણાથી એક કદમ આગળ હતી. તે એટલી અલગ હતી કે સાચા ખોટાની લડાઈમાં કોઈની પણ સામે પડી જતી હતી.  

આ પણ વાંચો: કદી સાંભળી-વાંચી છે આ વિવેકાનંદ વાણી?

સંપત્તિના નામે એના પિતાજી પાસે એક એકર જમીન હતી એ પણ એના કાકાએ તેના છોકરા સાથે મળીને છીનવી લીધી હતી. ૧૦ વર્ષની ફુલનને આ વાતની ખબર પડતા એ એના સગા કાકા અને પિતરાઈ ભાઈ સાથે છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવી હતી. આટલી નાની ઉંમરે જમીનના હક્ક માટે ખેતર વચ્ચે ધરણાં ઉપર બેસી ગઈ હતી. જેને લઈને ફુલનને કુટુંબમાં બધાના ગુસ્સાનો ભોગ પણ બનવું પડ્યું હતું.

૧૧ વર્ષની  ઉંમરે જ એના લગ્ન 40-45 વર્ષના એક આધેડ સાથે કરી દેવામાં આવ્યા. શરૂઆતમાં ફૂલને તેના ક્રાંતિકારી સ્વભાવના કારણે આ લગ્નનો વિરોધ પણ કર્યો, પણ એટલી નાની ઉંમરે તેનું પરિવાર સામે કશું ચાલ્યું નહીં. ફુલન પ્રત્યે એના પતિ અને ઘરવાળાઓનો વ્યવહાર બરાબર નહોતો. તેને સાસરીમાં ખુબ હેરાન કરવામાં આવતી. શારીરિક માનસિક પીડા ફુલન માટે સહનશક્તિની બહાર જતા તે ત્યાંથી ભાગીને પોતાના ઘરે આવી ગઈ. એને આશા હતી કે મારા પોતાના મને સમજશે અને મદદ કરશે, પણ થયું ઉલટું. સમાજે એને જ ખરી ખોટી સંભળાવવાની શરૂ કરી દીધી. પુરુષપ્રધાન સમાજની ખાસિયત પ્રમાણે ભોગવે સ્ત્રી છતાં મહેણાં-ટોણાં પુરુષની જગ્યાએ હંમેશા સ્ત્રી ને જ સાંભળવાના થાય એવું જ ફુલન સાથે થયું.

એ દરમ્યાન એના પિતરાઈ ભાઈએ, જેની સામે તે જમીનને લઈને સામે પડી હતી, તેણે કોઈ ખોટો કેસ કરીને તેને જેલ ભેગી કરાવી દીધી. અને ફુલનને આટલી નાની ઉમરમાં સમાજમાં ફરી હડધૂત થવાનો વારો આવ્યો. જેલથી નીકળ્યાં પછી પરિવારે સમજાવી ફોસલાવી એને ફરી સાસરે મોકલી દીધી. પણ સાસરી અને પતિનો વ્યવહાર ફુલન માટે જરાય બદલાયો નહોતો, અને ફરી એજ પરિસ્થિતિનો સામનો કરવો અસહ્ય થઇ જતા, ફૂલને મજબૂર થઈને ફરીથી એ ઘર છોડવું પડ્યું.

એક મહિલાએ કેવા કેવા સંજોગોનો સામનો કરવો પડે અને કોઈ ગુના વિના જ કેવા કઠોર રસ્તા અપનાવવા મજબુર બનવું પડે છે, એ વાત ફુલનની જિંદગી સાથે શરૂથી અંત સુધી જોડાયેલી રહી છે. 

આ પણ વાંચો: જ્યારે રેણુએ કહ્યું, ‘પદ્મશ્રી સન્માન હવે મારા માટે પાપશ્રી બની ગયું છે!’

ફુલનના કાકા દ્વારા ખેતરનું પચાવી પાડવું, પરિવાર દ્વારા ૧૧ વર્ષની કુમળી વયે આધેડ પુરુષ સાથે લગ્ન કરી દેવા, સાસરીમાં અવારનવાર અપમાનિત થવું અને મારઝુડનો ભોગ બનીને ઘર છોડવા મજબુર થવું તો ખરું જ, સાથે સમાજની કેટલીક નવરી પિપુડીઓના મહેણાંટોણાં પણ સાંભળવાના. શરૂઆતથી જ અન્યાય સામે અવાજ ઉઠાવવાના સ્વભાવની ફુલનને આ તમામ ઘટનાઓ બળવો કરવા માટે પ્રેરણા આપવા લાગી.

એના જીવન ઉપર બનેલી ફિલ્મ 'બેન્ડિટ ક્વિન'ને આધાર માનીને ચાલીએ તો ૨૦ વર્ષની ઉમરમાં ફુલન દેવીનું અપહરણ થયું હતું. તેને એક રૂમમાં ૨૧ દિવસ સુધી પુરી રાખીને એની ઉપર અનેક લોકો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો. કોઈપણ સ્ત્રી એકવાર પણ કયારેય માફ ના કરે એ અત્યાચાર ફુલને ૨૧ દિવસ સુધી અનેકવાર સહન કરવો પડ્યો. સામાન્ય  સ્ત્રીઓની જેમ સમાજની બીકે મોઢું બંધ રાખીને ચૂપ રહી જાય એવી ફુલન નહોતી. એનો દબંગ સ્વભાવ, એનામાં રહેલું ઝનૂન ક્યારેય અન્યાય સહન કરવા તૈયાર નહોતું. એ આપઘાત કરીને જીવ આપી દે એવી અબળા પણ નહોતી. એ તો ઈટનો જવાબ પથ્થરથી આપવામાં માનતી ઝનૂની છોકરી હતી. 

બળાત્કારીઓના સકંજામાંથી ફુલન એક દિવસ ભાગી જવામાં સફળ રહી. અને અહીં જ "બેન્ડિટ ક્વિન"નો જન્મ થાય છે. એની સાથે બનેલી એ ઘટનાઓ 'બિચારી નારી' બનીને સહન કરી લેતી સ્ત્રીઓ માટે તો વર્ષોથી ચાલી આવતી હતી. પણ ફૂલને તેમાંથી સબક લીધો. ફુલનને પણ માનભેર સમાજમાં જીવવું હતું. પણ આ 21 દિવસે તેની જિંદગી બદલી નાખી. ખરેખર જે ગુનેગારો છે એમને સમાજનો ડર હોવો જોઈએ, જયારે અહીં તો જેને ભોગવવું પડ્યું હતું તેને જ સમાજે ગુનેગાર ઠેરવી દીધી હતી.

આપણી સમાજ રચના જ એવી નથી કે એક સ્ત્રી વગર વાંકે કોઈનો શિકાર બને, એ પછી તે સ્ત્રી ખુમારીથી સ્વમાનભેર બધાં વચ્ચે રહીને જીવી શકે. એટલે સમાજમાં રહેવું ફુલન માટે મુશ્કેલ થઇ ગયું.

નાના અમથા અન્યાય સામે પણ બાથ ભીડી લેતી ફૂલન તેના પર બળાત્કાર કરનારાઓને ક્યાંથી છોડે? તેણે ડાકુઓની ટોળકીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો. કાયદાની નજરમાં ગુનો ગણાતી પ્રવૃત્તિઓનો સહારો લીધો અને હથિયાર ઉઠાવી લીધાં.

આ પણ વાંચો: બાબાસાહેબના આ કાર્યોને કોઈ ભૂંસી શકશે નહીં, સદીઓ પછી પણ રહેશે યાદ

સૌથી પહેલા એક સ્ત્રી તરીકે અપમાનિત થવું પડ્યું હતું, સતત જ્યાં મારઝુડ સહન કરવી પડી હતી, એ પોતાના પતિના ઘરે ડાકુ સાથીદારો સાથે પહોંચી ગઈ અને પતિને ઘરમાંથી બહાર ખેંચી કાઢીને લોકોની સામે જ ચપ્પાના ઘા મારી અધમરી હાલતમાં છોડીને જતી રહી.

શ્રીરામ અને લાલારામ, જેમણે ફુલનનું અપહરણ કરીને બળાત્કાર કર્યો હતો, એનો બદલો લઈને અંજામ આપવાનો દિવસ આવી ગયો. ફુલનદેવી એ માટે મોકાની તલાશમાં હતી અને ૧૪ ફેબ્રુઆરી ૧૯૮૧ના દિવસે તેને એ તક મળી ગઈ. ફુલન પોતાના સાથીઓની ટુકડી સાથે પોલીસ વાનમાં બેસીને બેહમઈ ગામ પહોંચી ગઈ. ત્યાં એક લગ્ન યોજાઈ રહ્યા હતા. ફુલન અને તેના સાથીઓએ બંદૂકના જોરે આખા ગામને ઘેરી લીધું અને ઠાકુર જાતિના ૨૨ પુરુષોને એક સાથે, એક લાઈનમાં ઉભા રહેવા આદેશ કર્યો.

આ ઘટનાના સાક્ષી અને ગોળી વાગવા છતાં જીવી ગયેલા ચંદરસિંહ કહે છે, "ફૂલને સૌથી પહેલા લાલારામ ક્યાં છે એમ પૂછ્યું. જેનો સંતોષકારક જવાબ ના મળતા બધાંને બેસવા કહ્યું, પછી ઉભા થવા કહ્યું. આમ ઉઠકબેઠક કરાવી. એ દરમિયાન તેણે પોતે વેઠેલા અત્યાચારની આગને મગજમાં બરાબર તપવા દીધી અને પછી એક સાથે બાવીસેય પુરૂષોને ગોળી મારી દેવાનો આદેશ આપ્યો."

એ સાથે જ ભૂતકાળમાં ક્યારેય ન ઘટી હોય એવી એક ઘટના ગણતરીની સેકન્ડોમાં ઘટી ગઈ. એક સ્ત્રીના ઓર્ડર પર તેના સાથીઓએ 22 બળાત્કારીઓને ગોળીથી વીંધી નાખ્યા. ચંદરસિંહ આ ઘટનામાં ગોળી વાગવા છતાં બચી ગયો હતો. આ હત્યાકાંડ પછી ફુલનનો ખૌફ વધી ગયો. મીડિયાએ તેને નામ આપ્યું 'બેન્ડિટ ક્વિન'. 

એસ.પી રાજેન્દ્ર ચતુર્વેદી આ દરમ્યાન ફુલન અને તેના સાથીઓ સાથે વાત કરી રહ્યા હતા. બહુ ઓછાં લોકોને ખ્યાલ છે કે, તેમના કારણે જ ફુલન દેવી આત્મસમર્પણ કરવા રાજી થયા હતા.

ફુલનદેવીએ કેટલીક શરતો રાખી હતી. જેમાં એક શરત એ હતી કે મને ઉત્તરપ્રદેશની પોલીસ ઉપર ભરોસો નથી, તેથી હું મધ્યપ્રદેશની પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરીશ. જે માન્ય થતા મધ્યપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી અર્જુનસિંહ સામે ફુલને શરણાગતિ સ્વીકારી અને 22 હત્યા, 30 લૂંટ અને 18 અપહરણનો ચાર્જ લાગ્યો. એ પછી તેણે 11 વર્ષ જેલમાં રહેવું પડ્યું.

બાદમાં 1993માં મુલાયમસિંહની સરકારે ફુલનદેવી પર લગાવવામાં આવેલા તમામ આરોપો પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો. રાજકીય દ્રષ્ટિકોણથી આ નિર્ણય કોઈ ભૂકંપથી જરાય કમ નહોતો. ફૂલને 1994માં જેલમાંથી છુટ્યા બાદ ઉમેદસિંહ સાથે લગ્ન કર્યા. એક બિમારીની સારવાર દરમિયાન તેનું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું. ડોક્ટરને એ બાબતે પૂછ્યું તો કહ્યું, "ફૂલન હવે બીજી ફૂલન પેદા નહીં કરી શકે."

અરુંધતી રોયે આ બાબતનો વિરોધ કરતા લખ્યું હતું કે, "એક સ્ત્રીના શરીરમાંથી તેને પૂછ્યાં વિના જ કોઈ અંગ કાઢી લેવામાં આવે તે નિમ્ન કક્ષાની માનસિકતા દર્શાવે છે."

૧૯૯૬માં ફુલનદેવી સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યાં અને જીત્યાં. ચંબલની ખીણોમાં રહેવાવાળી ફુલનદેવી મિર્જાપુરથી સાંસદ બની અને દિલ્હીના અશોકા રોડના એક આલીશાન બંગલામાં રહેવા લાગી. ૧૯૯૮માં હારી ગઈ અને ૧૯૯૯માં ફરી જીતી ગઈ.

૨૫ જુલાઈ ૨૦૦૧ના રોજ શેરસિંહ રાણા ફુલન દેવીના "એકલવ્ય સેના" નામના સંગઠનમાં જોડાવાની ઈચ્છા બતાવીને મળવા આવ્યો. ફુલાદેવીને ત્યાં એણે ખીર ખાધી અને ઘરના દરવાજા પાસે જ તેણે ફૂલનને ગોળી મારી દીધી. તેણે કબુલ્યું કે "મેં ફુલનદેવીની હત્યા બેહમઈ હત્યાકાંડનો બદલો લેવા કરી છે." ફુલનને ડાકુ બનવા મજબુર કરનાર પુરુષ માનસિકતા ફરી અહીં જિંદગીના છેલ્લા દિવસે પણ તેને નડી ગઈ અને એક પુરૂષ કાયદો હાથમાં લઈને તેનો જીવ લઈ ગયો.

ફુલનદેવીની ૩૮ વર્ષની જિંદગી ભારતીય સમાજની એક એક બુરાઈને સાથે લઈને ચાલી હતી. સમાજના રીતિરિવાજોએ એક નાની બાળકીને બળવો કરવા મજબૂર કરી. સમાજ તેને વધુ બળવાખોર બનવા મજબૂર કરતો દેખાય છે. તેની જિંદગી પુરૂષવાદી સમાજ વ્યવસ્થા સામે બંડ પોકારે છે. બળાત્કારની સામે કેટલીક યુવતીઓ પોતાનો જીવ આપીને દુનિયા છોડી જાય છે. કેટલીક યુવતીઓ સમાજની બીકે ચૂપ રહેવામાં સમજદારી માને છે. કોર્ટમાં ચડેલા કિસ્સામાં બળાત્કારીઓ પીડિતાને કે સાક્ષીઓને મોતને ઘાટ ઉતારી દે છે. ફુલનદેવીને ડાકુરાણી કે બેન્ડિટ ક્વિન બનવા મજબૂર કરવા પાછળ જાતિવાદ, જમીન અને પુરૂષપ્રધાન સમાજ વ્યવસ્થા એમ ઘણું બધું જવાબદાર છે.

જિતેન્દ્ર વાઘેલા (લેખક વ્યવસાયે કોમ્પ્યુટર એન્જિનિયર અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે.)

આ પણ વાંચો: ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • નરેન્દ્ર જે પરમાર
    નરેન્દ્ર જે પરમાર
    દેશના લેખકો હિન્દુત્વના ઓરા ની માનસિકતા દ્વારા લેખ લખતા હોય છે ને વાંચકો પણ તે દિશાનું દર્ષ્ટ્રી કોણ થી પ્રભાવિત થઈ જાય છે ને વ્યક્તી દયાની દ્ર્ષ્ટ્રી નિઃસહાય ભાવ પ્રગટ થાય છે ને પૂર્ણ, લેખક, ઇતિહાસકાર, કથાકાર, વાર્તા કાર વિશ્વમાં ભૂદેવ પ્રભાવ સિવાય કોઈનું સર્વ સ્વીકૃત માનતું હોતુ નથી, ભૂદેવ જે વ્યકિતને ચાહે તેને ભગવાન,દેવતા,દેવી, મહાત્મા, વીરતા, ચક્રવર્તી, પૂજનીય આદરણીય શ્રીમાન ચાહે સમાજનો ત્રાસવાદી, ક્રૂર નિર્દય ક્રિમીનલ વ્યક્તિ હોઈ ફૂલાંદેવી સમાજ તારણ ઉપદેશ ઇશ્વરીય દૈવી શક્તિ નું કાર્ય કર્યુ પણ તે દ્ર્ષ્ટી લેખમાં નથી આવતી,
    2 months ago