હવે એટ્રોસિટીના કેસમાં આરોપીઓ પોલીસના ચા-પાણી કરીને ઘરે જતા રહેશે?

એટ્રોસિટી એક્ટને નબળો પાડીને દલિતોને ફરી એકવાર ગુલામ જેવી સ્થિતિમાં લાવી દેવાનું વ્યવસ્થિત ષડયંત્ર શરૂ થયું છે. વાંચો આ રિપોર્ટ.

હવે એટ્રોસિટીના કેસમાં આરોપીઓ પોલીસના ચા-પાણી કરીને ઘરે જતા રહેશે?
image credit - khabarantar.com

તો હવે એટ્રોસિટી એકટ હેઠળ દાખલ થયેલા ગુન્હાઓમાં આરોપીઓ પોલીસ સ્ટેશનમાં જઈને ચા-પાણી કરીને ઘરે જતા રહેશે? શું ૨ એપ્રિલના ભારત બંધના શહીદોનું બલિદાન એળે જશે?

આ બે સવાલ છેલ્લાં કેટલાક દિવસોથી ગુજરાતભરના દલિત-આદિવાસી સમાજના બૌદ્ધિક વર્ગના મનમાં ઉઠી રહ્યાં છે. કેમ કે, ફરી એકવાર એટ્રોસિટી એક્ટને નબળો પાડીને, દલિત-આદિવાસી સમાજ પર અત્યાચાર કરતા ગુનેગારોને છાવરવાનું એક સુનિયોજિત કાવતરું આકાર લઈ રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા એટ્રોસિટી એકટ મુજબના ગુનાઓમાં અર્ણેશ કુમારના ચુકાદાનો આધાર લઈને આરોપીઓને નોટિસ આપીને પોલીસ સ્ટેશનમાંથી જ પ્રોવિઝનલ જામીન આપી દેવાની પ્રથા ચાલુ કરીને આ કાયદાને નબળો પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આવતીકાલ તા. 21 જુલાઈ 2024ને રવિવારના રોજ અમદાવાદના શાહીબાગ ન્યૂ સર્કિટ હાઉસ એનેક્સી ખાતે બપોરે 2.00 વાગ્યે એક ગંભીર મિટીંગનું આયોજન કર્યું છે. જેમાં ગુજરાતભરમાંથી દલિત સમાજનું હિત જેમના હૈયે વસેલું છે તેવા સાથીઓ, કર્મશીલો અને વકીલો હાજર રહી મનોમંથન કરવાના છે. જો તમે પણ આ મિટીંગમાં ભાગ લેવા ઈચ્છતા હો તો નિયત સમયે ત્યાં પહોંચી જશો.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના એડવોકેટ સુબોધ પરમાર ખબરઅંતર.કોમ સાથે વાતચીત કરતા જણાવે છે કે, દલિતો-આદિવાસીઓને જાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારનારને હવેથી ગુજરાત પોલીસ પોલીસ સ્ટેશનમાં પ્રેમથી બોલાવી ચા-પાણી કરાવી રવાના કરશે? 2 એપ્રિલ ભારત બંધના શહીદોની શહીદી એળે ગઈ? તાજેતરમાં જ ગુજરાત પોલીસ અરણેશ કુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારના ચુકાદાને 10 વર્ષ કરતા વધારે સમય વિત્યા બાદ શીત નિદ્રામાંથી સફાળી જાગી હોય એમ SC/ST(પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એકટ, 1989 હેઠળ નોંધાયેલ ગુન્હાઓમાં 7 વર્ષ કરતાં ઓછી સજાની જોગવાઈ હોય એવા કિસ્સાઓમાં આરોપીઓને 1 જુલાઈ બાદ હાલની ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ 35 (સી.આર.પી.સી. ની કલમ 41) મુજબ નોટીસ આપીને પોલીસ સ્ટેશનમાં બેસાડીને ઘેર મોકલી દેવામાં આવે છે. એટલે કે કોઈ દલિત- આદિવાસીને કોઈ આરોપી જાતિ પ્રત્યે અપમાનિત કરશે અને એમના હાથ- પગ તુટી જાય એ રીતે માર મારશે અને પોલીસ સ્ટેશનમાં વહીવટ કરશે એટલે પોલીસ તેઓને ત્યાંથી જ રવાના કરી દેશે. ત્યારબાદ એ આરોપી બહાર આવીને ફરીયાદીના ઘેર જઈને અટ્ટહાસ્ય કરીને ધમકી પણ આપશે કે શું ઉખાડી લીધું ફરિયાદ કરીને? પોલીસ દ્વારા અપરાધીઓને ફાયદો પહોંચાડવા આ ચુકાદાનું ચુકાદાના દસ વર્ષ પછી આવુ મરજી મુજબનું અર્થઘટન કરવાનું કોની સુચનાથી સૂઝયું છે? કોનો રાજકીય ઈશારો થયો છે એતો ગૃહમંત્રી જ કહી શકે.

આ પણ વાંચો: એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં

અહીં એ યાદ કરવું જરૂરી છે કે વર્ષ-2018 માં સમગ્ર દેશમાં 2 એપ્રિલે 'ભારત બંધ' નો કોલ આપવામાં આવ્યો એમાં 14 લોકોએ પોતાનો જીવ ગુમાવેલો. 'ભારત બંધ' નો કોલ એટલા માટે આપવામાં આવેલો કારણ કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સુભાષ કાશીનાથ મહાજન વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ના ચુકાદામાં ફરિયાદ પહેલાં તપાસ કરવાના અને ધરપકડ પહેલાં પરવાનગી લેવાની વિગેરે બાબતોને લઈને નિર્દેશો આપવામાં આવેલા. જેનાથી આગોતરા જામીન નહીં આપવાની જોગવાઈનો કોઈ અર્થ રહેતો નહોતો. અત્યારે ગુજરાત પોલીસ દ્વારા આરોપીને ફક્ત નોટીસ આપીને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવાની પોલીસ દ્વારા જે રમત કરવામાં આવે છે એના લીધે પણ આગોતરા જામીનની જોગવાઈનો કોઈ અર્થ રહેતો નથી.

નામદાર સુપ્રીમ કોર્ટનો અરણેશ કુમાર વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારનો ચુકાદો જેમાં પોલીસ સ્ટેશનમાંથી સી.આર.પી.સી. કલમ-૪૧ (ભા.ના. સુ. સં. કલમ-૩૫) મુજબ નોટીસ આપીને ધરપકડ કર્યા વિના આરોપીને જવા દેવાની વાત કરવામાં આવી છે એમાં આરોપીની ધરપકડ કરવા અને ના કરવા એમ બંને પ્રસંગે લેખિતમાં કારણ આપવાની વાત કરવામાં આવી છે. જે કરતા નથી. 

વધુમાં, સી.આર.પી.સી. કલમ-૧૫૧ (ભા.ના. સુ. સં. કલમ-૧૭૦) તો કોગ્નિઝેબલ ગુનો બને એ પહેલાં ધરપકડની વાત કરે છે. સામાન્ય તકરારમાં પણ પોલીસ આરોપીની ધરપકડ કરીને કલમ-૧૫૧ મુજબની કાર્યવાહી કરતી વખતે અરણેશ કુમાર ના ચુકાદાની જોગવાઈઓ પરવાહ કરતી નથી. પરંતુ, જ્યારે એટ્રોસિટી એકટ મુજબની ફરિયાદની વાત આવે ત્યારે અરણેશ કુમારને યાદ કરે છે.  આમ, પોલીસની દાનતના ખોટ છે. 

આ ઉપરાંત, સુભાષ કાશીનાથ મહાજન વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના ચુકાદાના વિવાદ બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રીવ્યુ પિટિશન દાખલ કરતાં યુનિયન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના ચુકાદામાં પેરા-૬૬ માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યારે આગોતરા જામીનની જોગવાઈ ના હોય એ કિસ્સામાં ધરપકડ કરવી અનિવાર્ય છે. 

અરણેશ કુમાર વિ. સ્ટેટ ઓફ બિહારનો ચુકાદો એ બે ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા ૨૦૧૩માં આપવામાં આવેલો છે. જ્યારે યુનિયન ઓફ ઇન્ડિયા વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્રનો ચુકાદો એ અદ્યતન (લેટેસ્ટ) અને ૩ ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા આપવામાં આવેલો છે. 

આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટ જાહેર સ્થળે થતા ગુનામાં જ લાગુ થશે અલ્હાબાદ હાઈકોર્ટ

એટ્રોસિટી એકટની કલમ-૧૫-એ ભોગ બનનારના અધિકારની વાત કરે છે. જેમાં દરેક પ્રક્રિયાની નોટીસ આપીને બોલાવવાનો અને દરેક પ્રક્રિયા વખતે ફરિયાદીને સાંભળવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે કોઈપણ પોલીસ અધિકારી દ્વારા કાયદાની ઉપરવટ જઈને કરવામાં આવતું નથી. 

કલમ-૨૦ દ્વારા આ કાયદાની જોગવાઈઓ અન્ય તમામ કાયદાની જોગવાઈઓથી ઉપર રહેશે એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવા છતાં અને કલમ-૧૮માં આગોતરા જામીનની જોગવાઈ ના હોવા છતાં અને દેશની સંસદે કરેલા સુધારા બાદ અમલમાં આવેલી કલમ -૧૮ એ ની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં પોલીસ તંત્ર કોના રાજકીય ઈશારે આ ગુસ્તાખી કરી રહ્યું છે એ સમજી શકાય એમ છે. 

આ મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના એડવોકેટ કૌશિક પરમારે 18 જુલાઈના રોજ મહેસાણા ડીએસપી તરુણ દુગ્ગલને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, "છેલ્લાં કેટલાક સમયથી દલિત એટ્રોસિટીના કેસોમાં તપાસ અધિકારીઓ જાણીજોઈ અજાણ બની ઈરાદાપૂર્વક આરોપીઓને મદદ કરવાના હેતુથી અને ફરિયાદીઓને નુકસાન કરવાના બદઈરાદાથી અર્નેશકુમારના જજમેન્ટનું કાયદા વિરુદ્ધનું ખોટું અર્થઘટન કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા વિના જ ટેબલ જામીન આપી દે છે, જે ગેરકાયદેસર છે. આવા ટેબલ જામીન આપતા તાત્કાલિક અટકાવવા જોઈએ અને કાયદા વિરુદ્ધ કામ કરતા અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ."

કૌશિકભાઈના આવેદનપત્ર મુજબ, "અર્નેશકુમારનું જજમેન્ટ એટ્રોસિટીના કેસમાં કેમ લાગુ પડતું નથી તેના કારણો, કાયદાની જોગવાઈઓ અને તેને સમર્થન કરતા જજમેન્ટ છે. એટ્રોસિટી એ કોઈ સામાન્ય ગુન્હા નથી પરંતુ વિશેષ વર્ગ હેઠળના ગુન્હાઓ છે. એટ્રોસિટી સ્પેશ્યિલ લેજિસ્લેટિવ એક્ટ છે. ભારતમાં વર્ષોથી જાતિ આધારિત ભેદભાવ અને ઊંચનીચના ભેદભાવ અસ્તિત્વ ધરાવે છે. જેને અટકાવવા માટે કેટલાક વર્ગ માટે ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે અને એટ્રોસિટી એક્ટ પણ તેમાંનો એક છે. ભારતના બંધારણમાં આર્ટિકલ 17માં સ્પૃશ્યતા નાબૂદીની વાત કરેલ છે અને તે કોઈપણ સ્વરૂપે પાળવી એ સજાપાત્ર ગુનો છે. અસ્પૃશ્યતાને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે, જેમાં 6 માસની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. આ સિવાય એકપણ આર્ટિકલમાં સજાની જોગવાઈ કરવામાં આવી નથી."

આ પણ વાંચો: એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?

પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટની કલમ 18માં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે, આ કામના આરોપીઓને આગોતરા જામીન મળશે નહીં. એટલે કાયદા દ્વારા આરોપીઓની ધરપકડ કરવી એવું વિવેકબુદ્ધિને આધિન એકદમ સ્પષ્ટ જણાવ્યું છે.

એટ્રોસિટી એક્ટ બાબતે વર્ષ 2017માં સુભાષ કાશીનાથ મહાજન દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યિલ લીવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેનું જજમેન્ટ 20 માર્ચ 2018માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું હતું. જેમાં કોર્ટ દ્વારા કેટલીક ગાઈડલાઈન આપવામાં આવી હતી. જેમાં દલિત એટ્રોસિટીની ઘટનાની એફઆઈઆર પૂર્વે પ્રાથમિક તપાસ કરવી તેમજ ધરપકડ પૂર્વે ઉપરી અધિકારીની પરમિશન લેવી જેવી ગાઈડલાઈન અપાઈ હતી. જો કે, ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા સંશોધન પસાર કરીને કાયદામાં સેક્શન 18A દાખલ કરીને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાને રદબાતલ જાહેર કરેલ. 

એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટ દ્વારા પુનઃ ફેબ્રુઆરી 2020માં ગાઈડલાઈન જાહેર કરી અગાઉના ચૂકાદાને રદબાતલ કરી દલિત એટ્રોસિટીના મામલામાં ઘટનાની એફઆઈઆર પૂર્વે પ્રાથમિક તપાસ કરવાની કે ધરપકડ પૂર્વે ઉપરી અધિકારીઓની પરમિશન લેવાની કોઈ જરૂર નથી તેમ જણાવ્યું છે. જેનાથી એ સાબિત થાય છે કે, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ એ ખાસ કાયદો છે અને કોઈપણ રીતે દલિતો સાથે અન્યાય, અત્યાચાર કે અપમાન કરી શકાય નહીં. એટ્રોસિટી એક્ટની કલમ 20માં જણાવ્યા પ્રમાણે આ કાયદો અન્ય કાયદાથી ઉપરવટ રહેશે.

હાલ ગુજરાતમાં પોલીસ અર્નેશકુમારનું જજમેન્ટ આગળ ધરીને કલમ 41D મુજબ નોટિસ આપી મામલતદાર સામે રજૂ કરીને 151 કરીને જામીન આપી દે છે. પણ પોલીસ એ ભૂલી જાય છે કે, એટ્રોસિટી એક્ટની કલમ 17 મુજબ કોઈપણ મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે અન્ય કોઈપણ વહીવટી મેજિસ્ટ્રેટ અથવા નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાથી ઉતરતી કક્ષાના ન હોય તેવા કોઈપણ પોલીસ અધિકારીને માહિતી મળતા, અને પોતાને યોગ્ય જણાય એવી તપાસ કર્યા બાદ યોગ્ય જણાય કે અનુસૂચિત જાતિ-જનજાતિના કોઈ સભ્યોને કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનું જૂથ કોઈ ગુનો કરે તેવી શક્યતા છે, તો તેવી વ્યક્તિઓની અટકાયતના પગલાં લઈ શકે છે. આ કાયદામાં માત્ર અભિપ્રાયના આધારે કોઈપણ એફઆઈઆર વગર જો પોલીસને આવી સત્તા મળતી હોય તો તેમાં સ્પષ્ટ એવું માનવાનું કારણ છે કે એટ્રોસિટીઝના આરોપીઓને ટેબલ જામીન આપી શકાય નહીં.

આ પણ વાંચો: એટ્રોસિટીના કેસમાં આંદોલન પછી જ આરોપીઓ પકડાય છેઃ નરેશ મહેશ્વરી

એટ્રોસિટી એક્ટની કલમ 15એ માં ભોગ બનનારાઓ અને સાક્ષીઓના અધિકારો અંગે સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. એટ્રોસિટી એક્ટની કલમ 15 એ 3 મુજબ ભોગ બનનાર અથવા તેના આશ્રિતોને કોઈપણ અદાલતની કાર્યવાહીની વ્યાજબી, ચોક્કસ અને સમયસરની નોટિસ બજવણીનો અધિકાર રહેશે. જેમાં કોઈપણ જામીની કાર્યવાહીનો સમાવેશ થાય છે, તથા આ અધિનિયમ હેઠળની દરેક કાર્યવાહી અંગે ખાસ સરકારી વકીલ અથવા રાજ્ય સરકારે ભોગ બનનારને જાણ કરવાની રહેશે.

ઉપરોક્ત જોગવાઈ સંપૂર્ણ વિવેકબુદ્ધિને આધિન છે, જેમાં કોઈ તર્ક કરવાનો રહેતો નથી. આ જોગવાઈ મુજબ જ્યારે પણ આરોપી સ્પે. એટ્રોસિટી કેસમાં રેગ્યુલર જામીન અરજી દાખલ થાય ત્યારે પણ ફરિયાદી અથવા તેના આશ્ચિતને ફરજિયાત સાંભળવો એવું સ્પષ્ટ જણાવે છે. અર્થાત વિશેષ ન્યાયાલય(સેશન્સ કોર્ટ) ફરિયાદીને સાંભળ્યા વિના આરોપીને જામીન આપી શકતી નથી, તો પોલીસ કેવી રીતે જામીન આપી શકે?

બીજું કે, એટ્રોસિટી એક્ટના ગુનામાં પોલીસ કોઈ વ્યાજબી એકલદોકલ કેસમાં અર્નેશકુમારના જજમેન્ટ મુજબ જામીન આપવા માંગતી હોય તો પણ જામીન પર છોડતા પહેલા ફરિયાદી અને પીડિતને નોટિસ કરી સાંભળવા પડે અને તેમના વાંધાને રેકર્ડ પર લેવો પડે. સુપ્રીમ કોર્ટના હરિરામ ભાંભી વિરુદ્ધ સ્ટેટ ઓફ રાજસ્થાનના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઠરાવ્યું છે કે, એટ્રોસિટી એક્ટની કલમ 15એ 3 અને 15એ 5 ફરજિયાત છે. એટલે જામીન પર છોડતા પહેલા ફરિયાદી-પીડિતને નોટિસ કરી સાંભળવા પડે. ગુજરાત હાઈકોર્ટના હેમલ અશ્વિન શાહના કેસમાં હાઈકોર્ટે કહ્યું છે કે, કલમ 15એ 3 અને 5નું પાલન કરવું ફરજિયાત છે.

ટૂંકમાં, એટ્રોસિટી એક્ટની કલમ 15એ 3 અને 5 ની જોગવાઈ મુજબ નીચલી કોર્ટોથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધીની તમામ કોર્ટો જ્યારે આ કાયદા હેઠળના ગુનાના આરોપીઓની જામીન અરજીઓમાં ફરિયાદી અને પીડિતોને નોટિસ કરીને સાંભળવાની તક આપતી હોય તો અર્નેશકુમારના જજમેન્ટ પર આધાર રાખી પોલીસ અધિકારી આરોપીને જામીન પર છોડી શકે જ નહીં.

ઉપર જણાવી એ તમામ બાબતો સિવાય બીજા અનેક મહત્વના ચૂકાદાઓ અને માહિતી આ મિટીંગમાં શેર કરવામાં આવશે. તો દલિત-બહુજન સમાજનું હિત જેમના હૈયે વસેલું છે તેવા સૌ સાથીઓ, કર્મશીલો, વકીલોને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે આહ્વાન કરવામાં આવે છે.

આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટ મુજબ ચાર્જશીટ કરવા માટે સરકારની પરવાનગી લેવાની કાયદામાં કોઈ જોગવાઈ ન હોવા છતાં પોલીસ તે ગુના માટે ચાર્જશીટ નથી કરતી. કેમ?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Anil Kumar B.Parmar
    Anil Kumar B.Parmar
    BJP Sarkar Mai Bathe SC/ST K MP & MLA kya Kar rahe hai Anamat Seat Par Khali Chunaav Ladne k Liye hi hai? BJP Ki Government mai All India mai SC/ST Per Atyachar Badhe hai BJP Ki Sarkaar Mai SC/ST Surkhit nahi hai.
    4 months ago
  • Anil
    Anil
    इस गांव के सरपंच और सभी पंचायत के सदस्य को १०. साल की जेल होनी चाहिए।
    4 months ago
  • Khodidas devjibhai Rathod
    Khodidas devjibhai Rathod
    Right ????
    4 months ago