એટ્રોસિટીના કેસમાં આંદોલન પછી જ આરોપીઓ પકડાય છેઃ નરેશ મહેશ્વરી
કચ્છ સહિત ગુજરાતભરના અનુસૂચિત જાતિ સમાજના વિવિધ પ્રશ્નોને લઈને એક પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેનને મળીને રજૂઆતો કરી છે.
કચ્છ સહિત ગુજરાતભરમાં અનુસૂચિત જાતિ સમાજ અનેક ગંભીર પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. અહીં ટોચ મર્યાદા ધારા હેઠળ દાયકાઓ પહેલા દલિતોને મળેલી જમીનોનો તેના હકદારોને સ્થળ કબ્જો સોંપવામાં નથી આવ્યો, એટ્રોસિટી એક્ટ હેઠળ અનેક ફરિયાદો નોંધાઈ છે, સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત હોસ્ટેલોમાં પાયાની સુવિધાઓનો અભાવ છે. આ તમામ બાબતોને લઈને હાલમાં જ કચ્છ-અમદાવાદ અને વડોદરા જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી સ્થિત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ પહોંચ્યું હતું. જ્યાં તેણે આયોગના ચેરમેન કિશોર મકવાણા સાથે રૂબરૂ મુલાકાત કરીને આ તમામ પ્રશ્નો બાબતે રજૂઆત કરી યોગ્ય નિરાકરણ લાવવા અનુરોધ કર્યો હતો.
કચ્છના સામાજિક કાર્યકર અને ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીની આગેવાની હેઠળના આ પ્રતિનિધિ મંડળે નવીદિલ્હી ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોરભાઈ મકવાણાની ઓફિસ લોકનાયક ભવન ખાતે રૂબરૂ મુલાકાત લઈ ગુજરાત સહિત કચ્છ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજને કનડગતા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.
સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરી એ જણાવ્યું હતું કે "ગુજરાત રાજ્યમાં ટોચ મર્યાદા ધારા હેઠળ સૌથી વધુ જમીનો કચ્છ જિલ્લામાં આપવામાં આવેલી છે. આ જમીનો વર્ષ 1983/83માં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી છે. આજે ભૂજ, ભચાઉ, રાપર, અંજાર, અબડાસા તાલુકામાં અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક સહકારી મંડળી લી. ને હજારો એકર જમીનો ફાળવવમાં આવી છે પરંતુ તે માત્ર કાગળ ઉપર જ છે. આ જમીનો પર ભૂમાફિયાઓ, માથાભારે ઈસમોએ ગેરકાયદેસર દબાણો કર્યા છે. જમીનોના રેકર્ડ જેવા કે 7/12, 8 અ, હાળીમાજી, ટિપ્પણ, સુદબૂક, વીઘોટીની પહોંચ અને જિલ્લા કલેકટરના હુકમ સહિતના રેકર્ડ ઉપલબ્ધ હોવા છતાં પણ વહીવટીતંત્ર દ્વારા સ્થાનિકે મંડળીના સભાસદોને જમીનોના પ્રત્યેક્ષ કબ્જા સોંપવામાં આવતા નથી. અનેક વખત રાજ્ય સરકાર, જિલ્લાના વહીવટીતંત્રને રજૂઆત, ધારણાઓ કર્યા બાદ થોડી ઘણી જમીનોના કબ્જા સોંપવામાં આવ્યા છે. પણ હજુ હજારો એકર જમીનોનો કબ્જો સોંપવામાં આવ્યો નથી."
આ પણ વાંચો: એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?
નરેશ મહેશ્વરીએ વધુમાં જણાવ્યું હતું કે, "એટ્રોસિટીના વધતા કેસોમાં પણ પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે અનુસૂચિત જાતિના લોકોને ફરજિયાત આંદોલન કરવા પડે છે. આંદોલન કે રોડ રસ્તાઓ ચક્કાજામ કર્યા બાદ જ આરોપીની ધરપકડ કરવામાં આવતી હોય છે. આવી રજૂઆતો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોરભાઈ મકવાણાને કરવામાં આવી હતી."
આ મામલે અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોર મકવાણાએ પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે, આ તમામ બાબતોને લઈને તેઓ ટૂંક સમયમાં કચ્છ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓની મુલાકાત લેશે અને કલેક્ટર, વહીવટી તંત્ર સાથે મિટીંગ કરીને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવશે.
નરેશભાઈ મહેશ્વરીએ કચ્છ જિલ્લાના ગામડાઓમાં શિક્ષકોની ઘટ હોવાથી અનુસૂચિત જાતિ સમાજના ગરીબ પરિવારના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે તે બાબતે પણ ચિંતા વ્યક્ત કરતા રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "ગામડાઓમાં સરકારી શાળાઓમાં મોટાભાગે અનુસૂચિત જાતિ સમાજ અને અન્ય ગરીબ પરિવારના બાળકો જ અભ્યાસ કરતા હોય છે. હાલ અહીં સરકારી શાળાઓમાં મોટાપાયે શિક્ષકોની અછત છે. જેના કારણે બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સંચાલિત હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને પુરતી સુવિધાઓ આપવામાં આવતી નથી. અનેક હોસ્ટેલોના બિલ્ડીગો ખખડધજ હાલતમાં છે, જેને નવા બનાવી આપવા માટે પણ આયોગ ચેરમેનના માધ્યમથી રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી વિનંતી કરી હતી."
આ પ્રતિનિધિ મંડળમાં નરેશભાઈ મહેશ્વરી સાથે બહુજન આર્મીના લખનભાઈ ધુવા, અમદાવાદના દિનેશભાઈ મકવાણા અને વડોદરાથી રાજેશભાઈ પણ જોડાયા હતા.
આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટની સંપૂર્ણ સમજઃ સામાજિક ન્યાયના યોદ્ધાઓ આટલું મોઢે કરી લો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
SHAMBHUPARIYAGHAMBHU KUTC
-
SHAMBHUPARIYAGHAMBHU KUTC