કાનપટ્ટી પર પિસ્તોલ રાખી ભૂમાફિયાએ દલિતની જમીન પડાવી લીધી
ચાર લોકો સામે મારામારી, જાતિસૂચક ગાળો આપવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.

ઉત્તરપ્રદેશના બરેલીના ભોજીપુરામાં જમીન માફિયાઓએ એક દલિત વ્યક્તિની કાનપટ્ટી પર પિસ્તોલ તાકીને તેની જમીન પર ગેરકાયદે રીતે કબ્જો જમાવી લીધો છે. આરોપીઓએ પિસ્તોલ બતાવીને દલિત વ્યક્તિ પાસેથી તેમની જમીનના કાગળો છીનવી લીધા હતા અને જાતિસૂચક ગાળો ભાંડી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તગેડી મૂકતા દલિત શખ્સે આઈજીને ફરિયાદ કરી હતી. આઈજીના આદેશથી ભોજીપુરા પોલીસે તપાસ બાદ ત્રણ લોકો સામે નામજોગ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મારામારી, જાતિસૂચક અપશબ્દો કહેવા, જાનથી મારી નાખવાની ધમકી આપવી અને એટ્રોસિટી એક્ટ સહિતના આરોપમાં કેસ નોંધાવ્યો છે.
બરેલીના ભોજીપુરાના ઈજ્જતનગરની ઘટના
ઇજ્જતનગરમાં ડિફેન્સ કોલોનીમાં રહેતા બલરામ ચંદ્ર અનુસૂચિત જાતિ સમાજના છે. 19 સપ્ટેમ્બર, 2024ના રોજ તેમણે ભૂડા ગામમાં બે ખેતર (0.0720 હેક્ટર) ખરીદ્યા હતા. આ જમીન પર તેમનો કબજો હતો પરંતુ કેટલાક લોકો તેમના ખેતરની બાજુમાં પોતાની કોલોની બનાવી રહ્યા હતા. તેમણે બલરામ ચંદ્રની જમીન પણ કોલોનીમાં જોડી દીધી. જમીન માફિયાઓએ હોપ વેલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ નામની શેલ કંપની બનાવી છે. ઈમરાન ઉલ્લા ખાન આ કંપનીના ડાયરેક્ટર છે. કંપની દ્વારા જમીન ખરીદ-વેચાણ કરતી વખતે કરચોરી અને ગેરકાયદેસર પ્રવૃતિઓ થઈ રહી છે.
રજિસ્ટ્રીના કાગળો આંચકી લઈ ધમકી આપી
બલરામે જણાવ્યું કે 18 નવેમ્બર, 2024ના રોજ જમીન માફિયાઓએ તેમને ભૂડા બાયપાસ સ્થિત ઓફિસમાં બોલાવ્યા. ત્યાં તેમની જમીનની નોંધણીના દસ્તાવેજોને બનાવટી જાહેર કરાયા હતા. આ દરમિયાન કંપનીના ડાયરેક્ટર ઈમરાન ઉલ્લા ખાને બલરામને પિસ્તોલ બતાવીને ધમકી આપી જાતિ આધારિત અપશબ્દોનો ઉપયોગ કરીને દુર્વ્યવહાર કર્યો, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન, ઇમરાન ઉલ્લાહ ખાન અને તેના માથાભારે સાગરીતોએ બલરામ પાસેથી તેમની જમીનની નોંધણીના અસલ દસ્તાવેજો છીનવી લીધા હતા. તેમની સાથે આવેલા મોહમ્મદ સાબીર અને મોહમ્મદ સદ્દામે દરમિયાનગીરી કરી હતી. આરોપ છે કે આ ટોળકીએ અન્ય લોકોની જમીનો પર પણ અતિક્રમણ કર્યું છે.
20 ડિસેમ્બરે ફરિયાદ કરવામાં આવી હતી
આ બાબતની જાણ 20 ડિસેમ્બરે આઈજીને કરવામાં આવી હતી. આઈજીએ ભોજીપુરાના પીઆઈને તપાસ કરવા અને એફઆઈઆર નોંધવા સૂચના આપી હતી. ગઈકાલે ઈમરાન ઉલ્લા ખાન, મોહમ્મદ આસિફ, નિતેશ મહેરોત્રા અને અન્ય એક શખ્સ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
15 દિવસ પહેલા ખેતરમાં બંધક બનાવ્યા હતા
બલરામ ચંદ્રે જણાવ્યું કે ખેતર નંબર એકની બાજુમાં ખેતર નંબર બે આવેલું છે, જે બિહારીપુર સિવિલ લાઈન્સના રહેવાસી કિશન કુમારના નામે છે. ખેતર નંબર એકનો માલિક રામપાલ અનુસૂચિત જાતિનો હતો. બલરામ પણ અનુસૂચિત જાતિના છે. ઈમરાન, આસિફ અને નિતેશ 15 દિવસ પહેલા બલરામની જમીન પર આવ્યા હતા. તેમણે તેમના પર હુમલો કર્યો અને તેને પ્લોટની અંદર જ ગોંધી રાખીને કહ્યું કે જો તમે ફરીથી જમીન પર નજર કરશો તો તમારે તમારા પરિવાર સહિત જીવ ગુમાવવો પડશે. એ પછી તેમણે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: કલેક્ટરે ઓર્ડર કર્યો છતાં માથાભારે તત્વો મારી જમીન છોડતા નથી