તાલુકા ક્લાર્કે દલિત મહિલાને થપ્પડ મારી, ચંપલથી જાહેરમાં ફટકારી

ક્લાર્કે ગરીબ દલિત મહિલા પાસેથી લાંચ પણ લીધી છતાં તેનું કામ ન કર્યુ. મહિલાએ કામ વિશે પૂછ્યું તો થપ્પડ મારી, ચંપલથી માર માર્યો. કચેરીમાં હાજર લોકો પ્રેક્ષક બની તમાશો જોતા રહ્યાં.

તાલુકા ક્લાર્કે દલિત મહિલાને થપ્પડ મારી, ચંપલથી જાહેરમાં ફટકારી
image credit - Google images

પોતાની જાતિના જોરે સરકારી હોદ્દાઓ પર બિરાજતા મનુવાદી તત્વો પોતે રાજા હોય અને સામાન્ય માણસ પ્રજા હોય તેમ વર્તતા હોય છે. મનુવાદી વર્ણવ્યવસ્થાને કારણે સદીઓથી ચોક્કસ જાતિના જ લોકો અમુક સરકારી હોદ્દાઓ પર જોવા મળે છે. પરિણામે આવા લોકો દલિતો, આદિવાસીઓ, ઓબીસી સમાજના ગરીબ લોકોને ગણકારતા નથી અને તેમનું સામાન્ય કામ પણ લબડાવી રાખી છે. લાખોનો પગાર મેળવતા આ તત્વો પાછા ગરીબો પાસેથી લાંચ માંગવામાં પણ જરાય લાજશરમ અનુભવતા નથી હોતા અને ઉપરથી દાદાગીરી કરતા હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે, જેણે માનવતાને શર્મશાર કરી છે.

મધ્યપ્રદેશના ભિંડના ગોહડની ઘટના

મામલો આદિવાસીઓ પર સૌથી અત્યાચાર થાય છે તે મધ્યપ્રદેશનો છે. અહીં ભિંડ જિલ્લાના ગોહડ તાલુકામાં એક સરકારી કારકુન (બાબુ) એ એક દલિત મહિલા પર હુમલો કર્યો અને તેને જૂતાથી માર માર્યો હતો. મહિલા કોઈ સરકારી કામ માટે તાલુકા કચેરી પહોંચી હતી, જ્યાં તેની સાથે ક્લાર્કે જાહેરમાં દુર્વ્યવહાર કર્યો હતો.

લોધે કી પાલી ગામની રહેવાસી 55 વર્ષીય દીપા જાટવ સોમવારે સરકારી દસ્તાવેજો સંબંધિત કોઈ કામ માટે ગોહડ તાલુકા કચેરી પહોંચી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે અહીં ફરજ પર હાજર ક્લાર્ક નવલ કિશોર ગૌરે અગાઉ તેનું આ નાનકડું કામ કરી આપવા માટે પણ લાંચ લીધી હતી, પરંતુ તેમ છતાં કામ કરી આપ્યું નહોતું. જ્યારે મહિલાએ વિરોધ કર્યો અને તેના કામ વિશે પૂછ્યું, ત્યારે ક્લાર્કે તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું.

મનુવાદી ક્લાર્કે જાહેરમાં થપ્પડ મારી ચપ્પલથી હુમલો કર્યો

દલિત મહિલાએ જ્યારે પોતાના કામને લઈને સ્પષ્ટતા માંગી તો મનુવાદી ક્લાર્ક નવલકિશોર ગૌડ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પહેલા મહિલાને થપ્પડ મારી અને પછી પોતાનું ચંપલ કાઢીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. મહિલા ચીસો પાડતી રહી, પરંતુ ત્યાં હાજર અન્ય લોકો પ્રેક્ષક બની રહ્યા અને કોઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો. આ ઘટના દરમિયાન મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી. ડોક્ટરોના જણાવ્યા મુજબ, મહિલાના ચહેરા અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ છે અને તેની સારવાર ચાલી રહી છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા મામલો સામે આવ્યો

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં, ક્લાર્ક દીપા જાટવને થપ્પડ મારતો અને ચંપલથી હુમલો કરતો જોઈ શકાય છે. વીડિયો સામે આવ્યા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું.

ગોહડના એસડીએમ પરાગ જૈને જણાવ્યું કે ઘટનાનો વીડિયો જોયા પછી તેમણે કલેક્ટરને આ અંગે જાણ કરી હતી. ભિંડ કલેક્ટર સંજીવ શ્રીવાસ્તવે આરોપી ક્લાર્ક નવલ કિશોર ગૌડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો હતો. સસ્પેન્શન દરમિયાન તેમને અંડોરી તાલુકામાં મોકલી દેવામાં આવ્યો છે.

પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી

પોલીસે આરોપી ક્લાર્ક વિરુદ્ધ હુમલાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ અધિક્ષક અસિત યાદવે ખાતરી આપી છે કે સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને ગુનેગારને કડક સજા આપવામાં આવશે. પીડિત મહિલા દીપા જાટવનું કહેવું છે કે નવલ કિશોર ગૌડે તેના સરકારી કામ માટે લાંચ માંગી હતી જે તેણે આપવી પડી હતી, પરંતુ ગૌડે ન તો તેનું કામ કર્યું કે ન પૈસા પરત કર્યા. જ્યારે તેણે ગૌડને તેનું કામ કરવાનું કહ્યું, ત્યારે તેણે અપશબ્દો કહ્યાં અને પછી તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો: 'આજે સ્કૂલ વહેલા છૂટી ગઈ' એમ કહી દેતા આચાર્યે દલિત વિદ્યાર્થિનીને ફટકારી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.