રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને 4 વર્ષમાં 47,000 થી વધુ ફરિયાદો મળી
એક RTI ના જવાબમાં આ આંકડાઓ સામે આવ્યા છે. આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાએ આંકડાઓને ગંભીરતાથી લઈને હવે રાજ્યોની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC)ના સત્તાવાર ડેટા અનુસાર, આયોગને છેલ્લા ચાર વર્ષમાં 47 હજારથી વધુ ફરિયાદો મળી છે. જેમાં જાતિગત અત્યાચાર, જમીન વિવાદ અને સરકારી નોકરી સંબંધિત વિવાદો મુખ્ય મુદ્દા છે.
સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈ (RTI) ના જવાબમાં આ માહિતી સામે આવી છે. NCSC ડેટા અનુસાર, તેમને વર્ષ 2020-21માં 11,917 ફરિયાદો મળી હતી. જ્યારે 2021-22માં 13,964, 2022-23માં 12,402 અને આ વર્ષે એટલે કે 2024માં 9,550 ફરિયાદો મળી છે.
NCSCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આયોગને સૌથી વધુ ફરિયાદો ઉત્તર પ્રદેશ (UP) માંથી મળી છે. તેમણે કહ્યું કે કમિશનને દરરોજ 200-300 ફરિયાદો મળે છે અને તેમાંથી ઘણી ફરિયાદો થોડા દિવસોમાં ઉકેલાઈ જાય છે, તેથી આ આંકડો છે, તેમાંથી મોટાભાગની ફરિયાદો ઉકેલની પ્રોસેસમાં છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત? સરકારી દાવાઓ સામે ખુદ સરકારી આંકડાઓ સવાલો ઉઠાવે છે
તેમણે કહ્યું, 'એવી એક પણ ફરિયાદ નથી કે જેના પર ધ્યાન આપવામાં ન આવ્યું હોય. તે તમામ વિચારણા હેઠળ છે.'
ઉલ્લેખનીય છે કે નેશનલ હેલ્પલાઇન (National Helpline) ના ડેટા (Data) અનુસાર, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયના લોકો પર અત્યાચારને લઈને 6,02,177 કોલ મળ્યાં છે. જેમાંથી કુલ ફરિયાદોની સંખ્યા 5,843 હતી અને તેમાંથી 1,784નું નિરાકરણ કરી દેવામાં આવ્યું છે.
હેલ્પલાઈનના ડેટામાં અડધાથી વધુ કોલ એટલે કે 3,10,623 જેટલા કોલ એકલા ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે. આ હેલ્પલાઈન પર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC-ST Act) હેઠળના તાજેતરના સરકારી અહેવાલ મુજબ, અનુસૂચિત જાતિઓ સામેના અત્યાચારના મોટાભાગના કેસો 13 રાજ્યોમાં કેન્દ્રિત હતા. વર્ષ 2022ના તમામ કેસોમાંથી આ રાજ્યોમાં 97.7 ટકા કેસ નોંધાયા હતા.
2022માં આ કાયદા હેઠળ નોંધાયેલા 51,656 કેસમાંથી એકલા ઉત્તર પ્રદેશમાં 12,287 કેસ હતા. ત્યારબાદ રાજસ્થાનમાં 8,651 અને મધ્ય પ્રદેશમાં 7,732 કેસ નોંધાયા હતા. બિહારમાં 6,799 (13.16 ટકા), ઓડિશામાં 3,576 (6.93 ટકા) અને મહારાષ્ટ્રમાં 2,706 (5.24 ટકા) નોંધાયા છે. આ છ રાજ્યોમાં કુલ કેસમાંથી લગભગ 81 ટકા કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ છેલ્લાં 5 વર્ષમાં 13,626 દલિત, આદિવાસી, ઓબીસી વિદ્યાર્થીઓએ કેન્દ્રિય યુનિ.ઓનું ભણતર છોડ્યું
આ મામલે પીટીઆઈ (PTI) સાથે વાત કરતા, NCSCના અધ્યક્ષ (Chairman) કિશોર મકવાણા (Kishor Makwana)એ જણાવ્યું હતું કે પંચને મળેલી મોટાભાગની ફરિયાદો અનુસૂચિત જાતિ સમાજ પર થતા અત્યાચાર સાથે સંબંધિત છે. એ પછી સૌથી વધુ ફરિયાદો જમીન વિવાદ અને સરકારી ક્ષેત્રની સેવાઓ સંબંધિત મામલાઓને લઈને આવી છે.
કિશોર મકવાણાએ જણાવ્યું હતું કે આ ફરિયાદોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે તેઓ અને કમિશનના સભ્યો આવતા મહિનાથી રાજ્યની કચેરીઓની મુલાકાત લેશે અને ત્યાંના લોકોને પડતી સમસ્યાઓની તપાસ કરશે.
વધુમાં તેમણે કહ્યું કે, તેઓ લોકોને મળવા અને તેમની ફરિયાદો સાંભળવા અઠવાડિયામાં ચાર વખત સુનાવણી કરે છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારથી તેમણે ચાર્જ સંભાળ્યો છે, તેમણે ખાતરી કરી છે કે તેમની ઓફિસ લોકોને મળવા માટે ખુલ્લી રહે.
(મૂળ લેખ ધ વાયરમાં પ્રકાશિત થયો હતો, અહીં તેનો અનુવાદ પ્રસ્તુત કર્યો છે.)
આ પણ વાંચોઃ 2013 પછીથી દલિતો, આદિવાસીઓ સામેના ગુનાઓમાં 46 અને 48 ટકાનો વધારો થયો