ચાર દિવસથી ગુમ દલિત સગીરાની તળાવમાંથી લાશ મળી
13 વર્ષની દલિત દીકરી 11 ઓક્ટોબરે સંદિગ્ધ પરિસ્થિતિમાં ઘરેથી ગુમ થઈ ગઈ હતી. હવે ગામના જ તળાવમાંથી તેની લાશ મળી છે.
Dalit minor girl dead body found in the lake : દરરોજ દેશના કોઈને કોઈ ખૂણે અનુસૂચિત જાતિ સમાજ સાથે જાતિગત ભેદભાવ, મારામારી, જમીન પડાવી, હત્યા કરી દેવી, નોકરીમાં ભેદભાવ કરવો, જાતિગત અપમાન કરવું જેવા સેંકડો બનાવો બને છે. એમાં પણ દલિત દીકરીઓ પર બળાત્કાર, હત્યા કે ગુમ થઈ જવાના મામલાઓની તો જાણે ગંભીરતા જ ન હોય તેવી સ્થિતિ છે.
આવી જ એક ઘટનામાં ચાર દિવસથી ગુમ એક દલિત વિદ્યાર્થિનીનો તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરિવારજનોએ સ્થળ પર પહોંચી વિદ્યાર્થીનીની ઓળખ કરી હતી. ઘટના બાદ મૃતક વિદ્યાર્થીનીની હાલત રોઈ રોઈને ખરાબ થઈ ગઈ છે.
ઘટના જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) ની છે. મળતી માહિતી મુજબ અહીં પીલીભીત જિલ્લા (Pilibhit District) માં સુનગઢી પોલીસ સ્ટેશન (Sungarhi Police Station) વિસ્તારના ગાય ભોજ ગામ (Gaibhoj Village) ના રહેવાસી રામસિંહની 13 વર્ષની પુત્રી કિરણ 11 ઓક્ટોબરના રોજ શંકાસ્પદ સંજોગોમાં ઘરેથી ગુમ થઈ ગઈ હતી. ઘટના બાદ પરિવારજનોએ સમગ્ર મામલાની પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તાત્કાલિક દીકરી ગુમ થયાનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.
વિદ્યાર્થિનીના પરિવારજનોએ ગામમાં જ રહેતા એક યુવક અને તેના મિત્ર પર દીકરીને ભગાડી જવાની શંકા વ્યક્ત કરી હતી. ઘટના બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. પરિવારજનોએ દીકરીનો મોબાઈલ ફોન પણ પોલીસને આપ્યો હતો, જેમાં તે કેટલાક યુવકો સાથે વાત કરતી હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચોઃ મેળામાંથી પરત ફરી રહેલી બે દલિત સગીરાઓ પર ગેંગરેપ
11 ઓક્ટોબરથી ગુમ થયેલી આ દલિત દીકરીનો મૃતદેહ સોમવારે ગામની બહાર તળાવમાં જોવા મળ્યો હતો. જેની જાણકારી મળતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ સ્થાનિકોની મદદથી મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસ હવે હત્યા અને આત્મહત્યાના એંગલ પર તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે.
તપાસ અધિકારી દીપક ચતુર્વેદીએ કહ્યું કે સગીરાના ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પરંતુ સોમવારે મોડી સાંજે તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ બે વર્ષ સુધી દલિત કિશોરીનું શોષણ કર્યું, પ્રેગનેન્ટ થતા ગર્ભપાત કરાવી દીધો